પૂરગ્રસ્તોને સહાયની રકમ લેવા માટે બોલાવી દાગીના રોકડ તફડાવી લેતી ગેંગનો વધુ એક સાગરીત પકડાયો
વડોદરાઃ પુરગ્રસ્તોને સહાય લઇ જવા માટે સરકારી કચેરીએ બોલાવ્યા બાદ તેમના દાગીના અને રોકડ સાથે લાવેલા વાહનમાં મુકીને આવવાનું કહી ચોરી કરી લેતી ગેંગનો વધુ એક સાગરીત ઝડપાયો છે.
વડોદરામાં પુરમાં જે લોકોને નુકસાન થયું હતું તેમને ફોન કરીને તમારી સહાય મંજૂર થઇ છે,અમે કહીએ તે ઓફિસે ડોક્યુમેન્ટ આપીને લઇ જશો..તેમ કહી જુદીજુદી કચેરીએ બોલાવવામાં આવતા હતા. અસરગ્રસ્ત સહાય લેવા આવે એટલે છેલ્લી ઘડીએ તેને દાગીના અને રોકડ સાથે લાવેલા વાહનમાં મુકીને આવજો તો જ સહાય મળશે તેમ કહી તેના પર નજર રાખવામાં આવતી હતી.જેવી વ્યક્તિ કચેરીમાં જાય એટલે તેના દાગીના અને રોકડ ચોરી લેવામાં આવતા હતા.
ક્રાઇમ બ્રાન્ચે ચાર દિવસ પહેલાં આ ગેંગનો પર્દાફાશ કરી લોકોને ફોન કરી બોલાવનાર સૂત્રધાર રાજેશ ઉર્ફે વિશાલ નટુભાઇ ઓડ તેમજ તેને મદદ કરનાર,પ્રદિપ ઉર્ફે પદિયો રાજેશ ભાઇ ડીઘે(બંને રહે.વારસીયા વીમાના દવાખાના પાસે, ભાથુજી મંદિર નજીક)ને ઝડપી પાડી રોકડ અને દાગીના કબજે કર્યા હતા.
બંને સાગરીતોની સાથે કામ કરતો ત્રીજો સાગરીત આકાશ અરવિંદભાઇ ઓડ(ફતેપુરા,ભાથીજી મહોલ્લો,વારસીયા)ને ખાસવાડી સ્મશાન પાસેથી ઝડપી પાડયો છે.આરોપીની જુદાજુદા પોલીસ સ્ટેશનોમાં સાત ગુનામાં સંડોવણી ખૂલીછે.