વલસાડમાં સસ્તા સોનાની લાલચ આપી છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઇ, પૂછપરછમાં થયા મોટા ખુલાસા
Valsad Crime Branch: વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા પ્રાત થઇ છે. સસ્તા ભાવે સોનાના બિસ્કીટ તથા ત્રણ ગણી ડુપ્લીકેટ ચલણી નોટો આપવાની લોભામણી લાલચ આપીને છેતરપિંડી આચરતી ગેંગના નવ આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી કુલ રૂ. 41,45,00 તથા 1.12 કરોડથી વધુ ચિલ્ડ્રન બેન્કની નોટોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ગેંગ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી છેતરપિંડી આચરતા હોવાનો પણ ખુલાસો થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગત 4 ફેબ્રુઆરી 2025ના રોજ ડુંગરી પોલીસ સ્ટેશનની હદમાં આવેલી હોટલ એમ્પાયરના પાર્કિંગમાં નવ જેટલા અજાણ્યા ઇસમોએ એક વ્યક્તિને સસ્તા ભાવે સોનાની 100-100 ગ્રામની બે બિસ્કીટ રૂ.12 લાખમાં આપવાની લાલચ આપી તેને ડુંગરી હાઇવે પર આવેલી દિપ્તીબેનના ઉંબાડીયાની દુકાન પાસે બોલાવ્યો હતો. જ્યાં આરોપીઓએ તેને પોતાની નંબર વગરની કારમાં બેસાડી સોનવાડા એમ્પાયર હોટલના પાર્કીંગમાં લઇ જઇ સોનાની બે બિસ્કીટ બતાવી વિશ્વાસમાં લીધો હતો.
ત્યારબાદ આરોપીઓએ ફરિયાદી પાસેથી રોકડા રૂ.9,80,000 પડાવી લીધા અને સોનાની બિસ્કીટ પણ આપી ન હતી. આ દરમિયાન નંબર વિનાની સફેદ કલરની ક્રેટા કારમાં ત્રણ વ્યક્તિઓ આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિએ પોલીસ જેવી ખાખી કલરની વરધી પહેરી હતી, જેણે પોલીસની ખોટી ઓળખ આપી ફરીયાદને એમ્પાયર હોટલ પાસે છોડીને તમામ આરોપીઓ 9,80,000 લઇને ભાગી ગયા હતા.
જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આસપાસના વિસ્તારના સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કર્યા હતા અને આરોપીઓને પકડી પાડવા માટે ટીમ બનાવી હતી. આ દરમિયાન બાતમી મળતાં ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલા આરોપીઓ (1) નજીરભાઇ ઉર્ફે ભજીયાવાલા હુસેનભાઇ મલીક (2) મામદ ઉર્ફે મજીદ ઉર્ફે અધ્ધો ઇસ્માઇલ ઉર્ફે ભુરો સુમરા (3) અબ્દુલહનાન અબ્દરેમાન થઇમ (4) જુબેર સુમારભાઇ ઝાખરા (5) અબ્દુલ જુમાભાઇ નોતીયાર (6) સુરજ ગ્યાનચંદ્ર ગુપ્તા (7) મામદ ચનેસર સુમરા (8) મુસ્તાક ઉરસ નોતીયાર (9) ઇરફાન યુનુશભાઇ વાઘેલાને મુદ્દામાલ સાથે પકડી પાડે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલા નવ આરોપીઓની સઘન પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ લોકોએ ભેગા મળીને ગત 5 ફેબ્રુઆરીના રોજ સુરતના એક વ્યક્તિને ડુપ્લીકેટ સોનાની લગડી બતાવી સસ્તા ભાવમાં સોનાની લગડી વેચાવાની લાલચ આપી હતી. 100 ગ્રામની લગડીની કિંમત 6 લાખ પ્રમાણે બે સોનાની લગડીની કિંમત 12 લાખમાં વેચવાનું નક્કી કર્યું હતું. ત્યારબાદ આ વ્યક્તિને વલસાડ જિલ્લાના ડુંગરી, રોલા વિસ્તારમાં આવેલી હોટલ પાસે બોલાવી રોકડા રૂ.9,80,0000 ભરેલી બેગ લઇ લીધી હતી અને સોનાની લગડી પણ ન આપી છેતરપિંડી આચરી હોવાનું સ્વિકાર્યું હતું.
આવી હતી આરોપીઓની મોડસ ઓપરેન્ડી
પકડાયેલા આરોપીઓ ભેગા મળી ઇલેકટ્રોનિક માધ્યમો દ્વારા સસ્તા સોનાના બિસ્કીટોની લોભામણી જાહેરાતો આપી તેમજ રૂ.2000/- ના દરની રદ થઇ ગયેલી ચલણી નોટો આપી તેના બદલામાં રૂ.500/- ના દરની 50 ટકા લેખે ચલણી નોટો લેતા હતા. આ ઉપરાંત ચિલ્ડ્રન બેન્કની નોટોના બંડલો બનાવી તેના ઉપર નીચે અસલ ભારતીય ચલણી નોટો રાખી અસલ તરીકે ઉપયોગ કરી અલગ અલગ જગ્યાએ માણસોને બોલાવતા હતા. આરોપીઓ તેઓની અલગ અલગ ફોર વ્હીલરમાં રહી એક કારમાં ભોગ બનનારને બેસાડી તેની પાસેથી પૈસા લઇ બીજી કારમાંથી વસ્તુ મળી જશે તેમ કહી ઉતારીને જતા રહેતા હતા. આ દરમિયાન ગેંગના અન્ય માણસો અલગ કારમાં આવી પોલીસ તરીકેની ખોટી ઓળખ બતાવી છેતરપીંડી આચરતા હતા.
એક આરોપી હત્યાના ગુનામાં વચગાળાના જામીન પરથી ફારર હતો
પકડાયેલા આરોપી ઇરફાન યુનુશભાઇ હુસેનભાઈ વાઘેલાનો હત્યાના ગુનામાં અમરેલીની જેલમાં કેદ હતો. જે ગત 11 ફેબ્રુઆરીના રોજ વચગાળાના જામીન પર જેલની બહાર આવ્યા બાદ તે ફરાર થઇ ગયો હતો.