રાજકોટમાં ગેંગ વોર, યુવાન ઉપર ફાયરિંગ : ત્રણ આરોપી સકંજામાં
- કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે વધુ એક વખત સવાલો ઉઠાવતી ઘટના
- મકરસંક્રાંતિએ યુવતીના પ્રશ્ને થયેલી માથાકૂટમાં જંગલેશ્વરની ગેંગે પેંડા ગેંગના સભ્યને પગમાં ગોળી ધરબી દીધી
રાજકોટ : રાજકોટમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગયાનો અહેસાસ કરાવતી વધુ એક ઘટના બની છે. ગેંગવોરની આ ઘટનામાં પેંડા ગેંગના સભ્ય ઉપર આજે વહેલી સવારે પુનિતનગર મેઇન રોડ પર કારમાં આવેલા ચાર શખ્સોએ ફાયરિંગ કર્યું હતું. આ ઘટના અંગે તાલુકા પોલીસે આર્મ્સ એક્ટ અને ખૂનની કોશિષ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. એક આરોપીની પોલીસે અટકાયત કર્યા બાદ બીજા બે શકમંદ આરોપીઓને પણ સકંજામાં લીધા હતાં.
શહેરમાં પોલીસની ઓસરી ગયેલી ધાકને કારણે માથાભારે તત્વો, ગુનેગારો અને લુખ્ખાઓ બેલગામ બન્યા છે. પરિણામે કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સામે સવાલો ઉઠાવતી ઘટનાઓ છાશવારે બને છે. પેંડા ગેંગનો સભ્ય પરિક્ષિત ઉર્ફે પરેશ ઉર્ફે પરીયો રાજુભાઈ બડદા (ઉ.વ.૨૪, રહે. કર્મચારી સોસાયટી શેરી નં. ૩, પુનિતનગર, ૧૫૦ ફૂટ રિંગ રોડ) આજે વહેલી સવારે મિત્રો સાથે પુનિતનગર મેઇન રોડ પર હતો ત્યારે વર્ના કારમાં ધસી આવેલા સમીર ઉર્ફે મુરગો, સોહીલ ભાણો, તેના ભાઈ અને અજાણ્યા શખ્સે ફાયરિંગ કર્યું હતું.
જેમાં પરિક્ષિતના પગમાં ગોળી વાગી જતાં તેને હોસ્પિટલે ખસેડાયો હતો. આ ઘટનાને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે અને હોસ્પિટલે દોડી ગયા હતા. ઘટનાની ગંભીરતા ધ્યાને લઇ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તત્કાળ આરોપીઓને પકડવાની સૂચના આપતા ક્રાઇમ બ્રાંચ, એસઓજી અને સ્થાનિક પોલીસની ટીમોએ દોડધામ શરૂ કરી છે.
આ અંગે ડ્રાઇવિંગ કરતાં પરિક્ષિત ઉર્ફે પરેશે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આજે વહેલી સવારે ચારેક વાગ્યે ઉઠીને કામ પર જવા રવાના થયો હતો. વહેલી સવારે પાંચેક વાગ્યાની આસપાસ પુનિતનગર મેઇન રોડ પર આવેલા મામા સાહેબના મંદિર આગળ પ્રતાપસિંહના ઘોડાના તબેલાની બાજુમાં રોડ પર પહોંચ્યો ત્યારે મિત્રો પ્રતાપસિંહ જાડેજા, યશ રસિકભાઈ બકરાણીયા અને સતીષ નાગજીભાઈ સોલંકી ઉભા હતા. જેથી તેમની સાથે ઉભો રહી ગયો હતો.
ચારેય વાતો કરતા હતા ત્યારે પાણીના ટાંકા તરફથી સફેદ કલરની વર્ના કાર આવી હતી. જે તેમનાથી થોડે દૂર ઉભી રહી હતી. કારમાં જોતાં ડ્રાઇવિંગ સીટ ઉપર સમીર ઉર્ફે મુરગો બેઠો હતો, તેની બાજુમાં અજાણ્યો શખ્સ બેઠો હતો, પાછળની સીટમાં સોહીલ ભાણો અને તેનો ભાઈ નવાઝ બેઠા હતા. સમીર ઉર્ફે મુરગાએ તેને પોતાની પાસે બોલાવતા તે તેમની તરફ જવા આગળ વધતો હતો ત્યારે અચાનક મુરગાએ તેની પાસેથી રહેલી બંદૂક તેની તરફ તાંકી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.
જે ગોળી તેના ડાબા પગમાં ગોઠણથી ઉપરના ભાગે વાગતા ત્યાં જ નીચે પડી ગયો હતો. ઉભા થઇને જોતાં ચારેય આરોપીઓ કારમાં ભાગી ગયા હતા. તેને પગમાંથી લોહી નીકળતું હોવાથી મિત્રો તેને કારમાં સિવિલે લઇ ગયા હતા. આ બનાવ પાછળનું કારણ એવું છે કે તેના મિત્રની પત્નીના ઘરે તે જતો હતો ત્યારે ત્યાં સોહીલ ઉર્ફે ભાણો પણ આવતો હતો. તે વખતે સોહીલે તેને મિત્રના પત્નીના ઘરે આવવાની ના પાડી ઝઘડો કરતાં તેણે તેને મારકૂટ કરી હતી. જેનો ખાર રાખી તેની ઉપર ફાયરિંગ કર્યું હતું.
ગત મકરસંક્રાંતિના દિવસે ગોકુલધામ વિસ્તારમાં બનેલી આ ઘટના અંગે એક મહિલાએ એવી ફરિયાદ નોંધાવી હતી કે તે પોતાના ઘરે મિત્ર સોહીલ સાથે હતી ત્યારે આરોપીઓ પરીયો ગઢવી (જેની ઉપર આજે ફાયરિંગ થયું તે), મેટીયો ઝાલા, યાસીન ઉર્ફે ભૂરો અને અજાણ્યા શખ્સે તેને બહાર બોલાવી, તેનો હાથ પકડી, તેની પાસે બિભત્સ માગણી કરી હતી. એટલું જ નહીં તેની સાથે ઝપાઝપી કરી તેનું ટીશર્ટ પણ ફાડી નાખ્યું હતું. તેનો મિત્ર સોહિલ વચ્ચે પડતાં ચારેય આરોપીઓએ તેની ઉપર ધોકા અને છરી વડે હુમલો કર્યો હતો. જેમાં સોહિલને ચારેક ફ્રેક્ચર જેવી ઇજા થઇ હતી.
પાછળથી આ કેસમાં માલવિયાનગર પોલીસે એટ્રોસિટીની કલમ પણ ઉમેરી હતી. આ કેસમાં પરેશ ઉર્ફે પરિક્ષિતની માલવિયાનગર પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને જેલહવાલે કરવામાં આવ્યો હતો. અંદાજે પાંચેક દિવસ પહેલા જ તે જેલમાંથી જામીન ઉપર બહાર આવ્યા બાદ અગાઉના ઝઘડાનો ખાર રાખી તેની ઉપર જંગલેશ્વરની ગેંગે ફાયરિંગ કર્યું હતું.