હોટલોમાં પાર્ક કરેલી ટ્રકોમાંથી ડીઝલ ચોરતી કચ્છની ગેંગ મોરબીમાં પકડાઈ
- લાલપુર પાસે ૭૫૦ લિટર ડીઝલ લૂંટાયાના બનાવને ભેદ ઉકેલાયો
- અજાણ્યા શખ્શો કચ્છી ભાષા બોલતા હોવાથી જાગેલી શંકા સાચી ઠરી, સીસીટીવી ફુટેજના આધારે સ્કોર્પીયોમાંથી બેની ધરપકડ, કુલ ૧૦ લાખનો મુદામાલ કબ્જે
રાજકોટના રહેવાસી સંજયભાઈ ગોવિંદભાઈ ચાવડા(ઉ.વ.૩૮) ડીઝલ લૂંટનો ભોગ બન્યા હતા. તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨/૧ના રાત્રીના ત્રણેક વાગ્યાના અરસામાં લાલપુર ગામની સામે વિજય ટ્રાન્સપોર્ટ ઓફિસની સામે ડ્રાઈવરનો ટ્રક પાર્ક કરીને સુતા હતા ત્યારે સફેદ કલરની સ્કોર્પીયોમાં ૩૫-૪૦ વર્ષના ત્રણ અજાણ્યા શખ્શો જેઓ કચ્છી ભાષા બોલતા હતા તેઓ આવ્યા હતા અને ટ્રકોની ડીઝલની ટાંકીઓમાંથી ડીઝલ કાઢવા જતા હતા ત્યારે ડ્રાઈવરો જાગી ગયા હતા અને પ્રતિકાર કર્યો હતો તેમ છતાં આ શખ્શોએ છરી બતાવીને ધમકાવીને બે ગાડીમાંથી આશરે ૫૫૦ લીટર ડીઝલની ચોરી કરી હતી. બીજા ટ્રાન્સપોર્ટવાળાની ટ્રકમાંથી પણ ડીઝલ કરી એમ કુલ ૭૫૦ લિટર ડીઝલની લૂંટ ચલાવાઈ હતી. આ અંગે પોલીસમાં ફરિયાદ થયા બાદ એલ.સી.બી.ના પી.આઈ. એમ.પી.પંડયાના માર્ગદર્શન હેઠળ સીસીટીવી ચેક કરતા સફેદ કલરની સ્કોર્પીયો નંબર જી.જે.૧૨ સીજી ૨૨૧૮ વાળી મોરબીના નજરબાગ પર રફાળેશ્વર ગામ તરફ જવાના રસ્તે નજરે પડી હતી. અહીંના રસ્તા પર ઓમકેન કારખાના બહાર સ્કોર્પીયો ઉભેલ હોવાની બાતમી મળતા જ પોલીસે સ્થાનિકે દોડી જઈને તપાસ કરતા ગાડીમાં બેઠેલા બે શખ્શોએ ડીઝલની લૂંટ કરી હોવાની કબુલાત કરી લીધી હતી.
આરોપી આમદ ઉર્ફે ભાભો સીદીકભાઈ સમા(૩૦) રે. નાના દીનારા, જામા મસ્જિદ પાસે તેમજ શીવકુમાર હરીસીંગ કરણ(૩૦) રે. જુના મકનસર તા.મોરબીને પકડી પાડીને તાલુકા પોલીસ મથકે સોંપાયા હતા. જયારે, લૂંટના આ બનાવમાં હનીફ ઓસમાણ સમા રે.મોટા બાંધા .તા.ભુજ અને અબુબકર રમજાન સમા રે. મોટા દીનારા અને મજીદ તૈયબ સમા રે. નાના દીનારાની સંડોવણી ખુલવા પામી છે. તેમને ધરપકડ કરવાની બાકી છે.
પોલીસે લૂંટ કરેલ ૭૫૦ ડિઝલ જેની કિંમત ૬૭,૫૦૦ અને સ્કોર્પીયો (૫ લાખ) , બોલેરો પીકઅપ જી.જે.૩ એવી ૭૬૯૫(૩ લાખ) અને ઈકો ગાડી જી.જે.૩૬ એસી ૨૩૮૦( બે લાખ) છરી ભરવાના ખાલી કેરબા, પાઈપ અને બે મોબાઈલ મળીને કુલ ૧૦,૭૪,૫૮૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.
મજીદ સામે 14, આમદ સામે 11 અને અબુબકર સામે નોંધાયેલા ૫ ગુનાઓ
પકડાયેલા આરોપી અને જેમની સંડોવણી ખુલી છે તે ડીઝલ લૂંટના બનાવના આરોપીઓ નામચીન ગુનેગાર છે. આમદ ઉર્ફે ભાભો સીદીક સમા સામે કચ્છના વિવિધ પોલીસ મથકે ૧૧ ગુનાઓ નોંધાયેલા છે તેવી જ રીતે જેમને પકડવાના બાકી છે તેવા આરોપી મજીદ તૈયબ સમા સામે કચ્છના વિવિધ પોલીસ મથકે ૧૪ ગુનાઓ નોંધાયા છે તો ૩ ગુનામાં વોન્ટેડ છે.અબુબકર રમજાન સમા પાંચ ગુનાઓ હેઠળ પકડાઈ ચૂકયો છે. એક ગુનામાં વોન્ટેડ છે. હનીફ ઓસમાણ સમા ભચાઉ વિસ્તારના એક ગુનામાં પકડાયો છે.
હાઈવે પર છરી બતાવીને ડીઝલ ચોરવાની મોડસ ઓપરેન્ડી
પકડાયેલા આરોપીઓ સહિતનાઓ લાંબા સમયથી રાત્રીના સમયે હાઈવે પર તેમજ હોટલોમાં પાર્ક કરેલ ટ્રકની ડીઝલ ટાંકીઓના ઢાંકણા ખોલીને તેમાંથી ડીઝલની ચોરી કરતા અને જો કોઈ ડ્રાઈવર જાગી જાય અને પ્રતિકાર કરે તો છરી બતાવીને ધમકાવીને પણ ડીઝલની લૂંટ ચલાવતા હતા.