લેન્ડ બ્રોકરને હનિ ટ્રેપમાં ફસાવી રૃપિયા પડાવનાર ગેંગ ઝડપાઇ
સુરતના હનિ ટ્રેપના બે ગુનામાં પણ આરોપીની સંડોવણી : અગાઉ પણ પકડાયા હતા
વડોદરા,ફેસબૂક પર ફેક એકાઉન્ટ બનાવી લેન્ડ બ્રોકરનો સંપર્ક કરી યુવતીએ મકાનના કામ માટે મળવા માટે બોલાવ્યો હતો. ત્યારબાદ યુવતીના સાગરીતોએ ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચમાંથી આવ્યા હોવાનું જણાવી બ્રોકરને ધમકાવી રૃપિયા પડાવી લીધા હતા. હનિ ટ્રેપના આ ગુનામાં પોલીસે યુવતી અને તેના ત્રણ સાગરીતોને ઝડપી પાડયા છે.
આણંદ જિલ્લાના નાપાડ તાલુકાના તળપદ ગામે રહેતા અને જમીન મકાન લે-વેચનો ધંધો કરતા જયકુમાર મુકેશકુમાર પટેલે કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ફેસબૂક પર ફેક એકાઉન્ટ બનાવી જીયા પટેલ નામ ધારણ કરી યુવતીએ મારો સંપર્ક કર્યો હતો. તેણે મકાનના કામ માટે મને આજવા ચોકડી પાસે બોલાવતા હું ગયો હતો. ત્યાં યુવતીના સાગરીતોએ મને ડરાવી ધમકાવી કારમાં ઉઠાવી ગયા હતા. મને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ગેંગે મારી પાસેથી સોનાની વીંટી અને રોકડા મળી ૧.૪૫ લાખ પડાવી લીધા હતા. આ ગુનામાં ડીસીપી ઝોન - ૩ એલ.સી.બી.ના પી.એસ.આઇ. બી.જી.વાળાએ ડીસીપી અભિષેક ગુપ્તાની સૂચના મુજબ, હ્યુમન સોર્સ, ટેકનિકલ સોર્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી (૧) વૈશાલી મૌલિકભાઇ પૂજારા (૨) માયાભાઇ ભગુભાઇ શેયડા (બંને રહે. વરાછા, સુરત) (૩) કલ્પેશ દિલસુખભાઇ અગ્રાવત (૪) વિનોદ ગોરધનભાઇ અગ્રાવત તથા (૫) અજય કિશોરભાઇ અગ્રાવત ( તમામ રહે. રાજકોટ)ને ઝડપી પાડયા હતા. ઉલ્લેખનીય છે કે, આરોપીઓ સુરતના સારોલી અને કતાર ગામ પોલીસ સ્ટેશનના બે ગુનામાં વોન્ટેડ છે. તેમજ અગાઉ પણ આરોપીઓ હનિ ટ્રેપના ગુનામાં પકડાયા હતા.
૭૨ કલાક અને ૧,૭૦૦ કિ.મી.ની દોડધામ પછી ગેંગ પકડાઇ
વડોદરા,પોલીસે આરોપીઓના મોબાઇલ નંબરના આધારે તપાસ શરૃ કરી ડેટા કલેક્ટ કર્યા હતા. પોલીસને આરોપીઓનું લોકેશન મળ્યું હતું. પોલીસની ટીમ તાબડતોબ રાજકોટ પહોંચી ગઇ હતી. પરંતુ, પોલીસ ત્યાં પહોંચે તે પહેલા જ આરોપીઓ રાજકોટ છોડીને અમદાવદા જતા રહ્યા હતા. પોલીસ અમદાવાદ પહોંચી તે પહેલા આરોપીઓ ત્યાંથી પણ ફરાર થઇ ગયા હતા. સતત ૭૨ કલાકની દોડધામ અને ૧,૭૦૦ કિ.મી.ની દોડધામ પછી પોલીસને ગેંગ પકડવામાં સફળતા મળી હતી.
આરોપી વિનોદે ફેક ફેસબૂક એકાઉન્ટ બનાવ્યું હતું
વડોદરા,પોલીસની તપાસમાં એવી વિગતો પ્રકાશમાં આવી હતી કે, આરોપી વિનોદ ટેકનિકલ નોલેજ ધરાવતો હતો. તેણે જ જીયા પટેલ નામનું ફેક ફેસબૂક એકાઉન્ટ બનાવી ફરિયાદીનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીને જાળમાં ફસાવ્યા પછી તેણે ગેંગના અન્ય સાગરીતોને જાણ કરતા વૈશાલીને તૈયાર કરવામાં આવી હતી. ત્રણ આરોપીઓ રાજકોટથી અને બે આરોપીઓ સુરતથી આવ્યા હતા. ગુનાને અંજામ આપ્યા પછી આરોપીઓ રાજકોટ ભાગી ગયા હતા.
વડોદરામાં બીજા શિકારની શોધમાં આવ્યા અને પકડાઇ ગયા
સોનાની વીંટી રાજકોટના સોનીને વેચી દીધી
વડોદરા,આરોપીઓનું પગેરૃં મેળવવા માટે પોલીસ સતત લોકેશનના આધારે તેઓનો પીછો કરતી હતી. છેલ્લે ગઇકાલે આ ગેંગ વડોદરામાં અન્ય શિકારની તલાશમાં વાઘોડિયા રોડ વૈકુંઠ સોસાયટીની પાછળ ભેગી થઇ હતી. પોલીસની ટીમ લોકેશનના આધારે ત્યાં પહોંચી હતી. સ્થળ પર નંબર પ્લેટ વગરની કાર મળી આવતા પોલીસે તેઓને ઝડપી પાડયા હતા. આરોપીઓ પાસેથી પોલીસે રોકડા ૧.૦૬ લાખ કબજે કર્યા છે. જ્યારે સોનાની વીંટી રાજકોટના સોનીને વેચી દીધી હોવાનું જણાવ્યું હતું.
સૌથી વધારે ૩૦ હજાર રૃપિયા કલ્પેશના ભાગે આવ્યા હતા
વડોદરા,વૈશાલી રેસ્ટોરન્ટ ચલાવે છે. આરોપી માયાભાઇએ તેને પૈસાની લાલચ આપી આ ગુનામાં સામેલ કરી હતી. કલ્પેશ પાસે ૩૦ હજાર, માયા પાસે ૨૭ હજાર, અજય પાસે ૨૬ હજાર અને વિનોદ પાસે ૨૩ હજાર આવ્યા હતા. વૈશાલીને વડોદરા આવ્યા પછી પૈસા આપવાના હતા. પરંતુ, તે પહેલા જ પોલીસે તેઓને ઝડપી પાડયા હતા. કપુરાઇ પોલીસ સ્ટેશનના પી.આઇ. ડી.સી.રાઓલે આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.