કુરિયરમાં ડ્રગ્સના નામે ડિજિટલ એરેસ્ટ કરી 32.50 લાખ પડાવનાર ગેંગ ઝડપાઈ
Vadodara : વડોદરામાં થોડા સમય પહેલા પાર્સલમાં ડ્રગ્સ હોવાના નામે જિલ્લાના એક આરોગ્ય અધિકારીને ડિજિટલ એરેસ્ટ કરી 32.50 લાખ પડાવી લેવાના કિસ્સામાં સંડોવાયેલા ચાર સાગરીતોને ઝડપી પાડવામાં વડોદરા પોલીસને સફળતા મળી છે.
વડોદરા જિલ્લા પંચાયતમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર સાથે થોડા સમય પહેલા ડિજિટલ એરેસ્ટનો બનાવ બન્યો હતો. જેમાં બેંગકોક ખાતે મોકલેલા પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહી ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યા હતા.
તબીબને વિશ્વાસમાં લેવા માટે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ તેમજ સીબીઆઇના નામના પત્રો પણ મોકલવામાં આવ્યા હતા. જેથી તપાસમાં સહયોગના નામે તબીબના એકાઉન્ટમાંથી 32.50 લાખ ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા. આ રકમ તપાસ પૂરી થતાં જ પરત કરવાની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ પરત કરી ન હતી. ઉપરોક્ત રકમ તબીબીના ભાઈની હોવાથી તેમને એટેક પણ આવી ગયો હતો.
આ બનાવ અંગે વડોદરા સાયબર સેલે બોગસ કંપનીના નામે એકાઉન્ટ ખોલનાર મુંબઈના બે ઠગ તેમજ આઈ એકાઉન્ટમાંથી જેને કમિશન પેટે રકમ ચૂકવાઇ છે તે બે સાગરીત મળીને કુલ ચાર જણાને ઝડપી પાડ્યા છે. જેમાં કંપનીના ડિરેક્ટર તરીકે ઓળખ આપનાર (1) ઈબનુસિયાદ પી. અબ્દુલ સલિમ (2) અસરફ અલવી (બંને રહે નવી મુંબઈ, ધંધો રીયલ એસ્ટેટ) (3) રૂપિયા ટ્રાન્સફર કરી આપનાર પ્રિન્સ મહેન્દ્ર રવિપુરા (કામરેજ, સુરત) અને (4) રૂપિયા મેળવનાર ધીરજ લીંબાભાઇ ચોથાણી (નિકોલ અમદાવાદ) નો સમાવેશ થાય છે. પોલીસે તમામ રકમ કબજે કરી લીધી છે.