વિધિનું નાટક કરી એકના ડબલ તેમજ એકના દસ ગણા રૂપિયા કરવાનું કહી મહિલાઓને ઠગતી ગેંગ ઝડપાઈ
Vadodara : વડોદરા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં મહિલાઓને વિશ્વાસમાં લઈ વિધિનું નાટક કરી એકના ડબલ તેમજ એકના દસ ગણા રૂપિયા કરી આપવાના નામે ઠગાઈ કરતી વડોદરા અને પાદરા ની ટોળકીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ઝડપી પાડી છે. પોલીસે ટોળકીના છ સાગરિતોને ઝડપી પાડી તેમને જુદા જુદા પોલીસ સ્ટેશનમાં સોંપવાની તજવીજ હાથ ધરી છે. જે પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા હશે તે પોલીસ દ્વારા આ ટોળકીને રિમાન્ડ પર લઈ વધુ પૂછપરછ કરવામાં આવશે.
ટોળકી દ્વારા મોટાભાગે મહિલાઓને જ ટાર્ગેટ કરવામાં આવતી હતી
પોલીસમાં જણાવ્યા પ્રમાણે, ઠગાઈ કરતી ટોળકી દ્વારા ધાર્મિક વૃત્તિની મહિલાઓ પરિચયમાં આવે એટલે તેમને વાતોમાં ફસાવવામાં આવતી હતી. ટોળકી ના સાગરીતો દ્વારા જુદા જુદા હિન્દુ નામો ધારણ કરવામાં આવતા હતા. તેઓ મહિલાઓના ભોળપણ નો લાભ લઇ એકના ડબલ તેમજ એકના દસ ગણા કરી આપવાની મોટી મોટી વાતો કરતા હતા. જેથી તેમની વાતોમાં આવી જતી મહિલા બચતના રૂપિયા ધરી દેતી હતી.
મોર છાપ નોટ, ત્રણ આંકડાની નોટ અને માતાજીની છાપ વાળા સિક્કાનો ઉપયોગ કરતા હતા
ઠગ ટોળકી દ્વારા મહિલાઓને વિશ્વાસમાં લેવા માટે માતાજીના સિક્કા નો ઉપયોગ કરવામાં આવતો હતો. આ ઉપરાંત તેઓ ત્રણ આંકડા લખેલખેલટો અને મોર છાપ નોટોનો પણ ઉપયોગ કરતા હતા. આવા સાધનો ઉપર તાંત્રિક વિધિ કરવામાં આવતી હતી.
સ્ટીલના ડબ્બામાં રૂપિયા મુકાવી તાળું મારતા, રૂપિયા ગાયબ અને નાળિયેર હાથમાં આવતા હતા
પોલીસના જણા પ્રમાણે, ઠગ ટોળકી દ્વારા વિધિ કરાવ્યા બાદ સ્ટીલના ડબ્બામાં રૂપિયા મુકાવી તાળું મારવામાં આવતું હતું,અને મહિલાને એક કે બે મહિના સુધી વિધિ કરવાનું કહેતા હતા. ત્યારબાદ મહિલા ને જરૂર પડે અથવા તો સમય બાદ ડબ્બો ખોલે તો તેમાંથી નાળિયેર નીકળતા હતા. જેથી મહિલા તેનો સંપર્ક કરે તો થતો ન હતો.
ઠગોએ કોની પાસે, કઈ રીતે અને કેટલા રૂપિયા પડાવ્યા
ઠગ ગેંગ દ્વારા ટૂંકા ગાળામાં વડોદરા તેમાં તેની આસપાસના વિસ્તારોમાં છ મહિલાઓને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું.(૧) અમદાવાદી પોળની મહિલાને દસ ગણા રૂપિયા કરી આપીશું તેમ કહી રૂ.30 હજાર ડબ્બામાં મુકાવ્યા હતા. તેમણે જ્યારે ડબ્બો ખોલ્યો ત્યારે ત્રણ નાળિયેર નીકળ્યા હતા. (૨) દંતેશ્વરની મહિલાને બે લાખની સામે ચાર લાખ કરી આપવાનું કહી ડબ્બામાં બે લાખ મુકાવ્યા હતા. મહિલાને જરૂર પડતા તાંત્રિક નો સંપર્ક કર્યો હતો પરંતુ તેનો મોબાઇલ બંધ આવતો હતો. મહિલા ડબ્બો ખોલ્યો તો તેમાંથી બે નાળિયેર નીકળ્યા હતા. (૩) દંતેશ્વરની અન્ય એક મહિલાને બોરસદ બોલાવી વિધિ કરવાના નામે ડબ્બામાં સાડા ત્રણ લાખ મુકાવ્યા હતા. અઠવાડિયા પછી ડબ્બો ખોલ્યો તો તેમાં ત્રણ નાળિયેર હતા. (૪) બાપોદની વૈકુંઠ સોસાયટીમાં રહેતી મહિલા પાસે માતાજીનો સિક્કો હશે તો દસ ગણા રૂપિયા કરી આપીશ કેમ કહી વિધિના 6500 લીધા હતા. મહિલાએ 1 લાખ રૂપિયા મુકાવતા ઠગોએ દસ લાખ થઈ જશે એમ કહી ૭૦ હજાર બીજા પડાવ્યા હતા. મહિલા ડબ્બો ખોલ્યો તો એક લાખ ગાયબ હતા. આવી રીતે ટોળકી એ બોડેલી તેમજ મંજુસર ખાતે પણ બે જણાને ફસાવી રૂપિયા પડાવ્યા હતા.
ભાગ પાડવા માટે ભેગા થતા જ પોલીસ ત્રાટકી, 6 જણા પાસે 8.57 લાખ ની મતા કબજે
મહિલાઓને ઠગી લેતી ટોળકી ના સાગરીતો નવલખી કમ્પાઉન્ડમાં ભાગ પાડવા માટે ભેગા થયા હોવાની માહિતી મળતા ક્રાઈમ બ્રાન્ચની ટીમ દરોડો પાડી છ જણાને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડેલાઓમાં (૧) પ્યારે સાહેબ ઉર્ફે પ્યારો જીવાભાઈ રાઠોડ (ભોજ ગામ પાદરા) (૨) કાળુ ઉર્ફે અશોક ફતેસિંહ સોલંકી (એકતા નગર, તાંદલજા) (૩) ઈરફાન ઉર્ફે મહેશ મુસ્તુફા દિવાન (કોઠીયાપુરા,તાંદલજા)(૪) સિરાજ ઉર્ફે લાલો ફતેસિંહ સોલંકી (ભોજ ગામ, પાદરા)(૫) મકબુલશા અબ્દુલશા દિવાન (ગઢબોરીયાદ નસવાડી) અને (૬) અનવર કરી મોબાઇલ ગરાસીયા (નવાપુરા, ડભોઇ, વડોદરા) નો સમાવેશ થાય છે. પોલીસે ટોળકી પાસે 6.75 લાખ રોકડા, સોનાની એક ચેન, 9 મોબાઈલ, 3 ટુવિલર, મોર છાપ વાળી દસ રૂપિયાની ચાર નોટ, ત્રણ આધારકાર્ડ, આરસી બુક અને પાનકાર્ડ મળી કુલ 8.57 લાખની મતા કબજે કરી હતી.