વડોદરામાં જુના ઝઘડાની અદાવતે મામા ભાણેજ પર માથાભારે ટોળકીનો હુમલો
Vadodara Crime : વડોદરા પાણીગેટ વિસ્તારમાં રહેતા મામા ભાણેજ મછલી પકડતા હતા. તે દરમિયાન ત્રણ શખ્સો તેમની પાસે ધસી આવ્યા હતા અને અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી તમને માર માર્યો હતો. ત્યારબાદ લોખંડની પાઇપ ડિસમિસ અને હોકી સ્ટીક થી હુમલો કર્યો હતો. જેથી બંને ઇજાગ્રસ્તને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. મામાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં શાક માર્કેટ પાસે રહેતા ભગતભાઈ ભીખાભાઈ વાઘેલાએ ફરિયાદ ફરિયાદ નોંધાવી છે કે જે ઓક્ટોબરના રોજ બપોરના સમયે બાવચાવાડ રામગઢ ચોકડી આરતીબેનના મકાનની સામે પાણી ભરેલા ખાડામાં માછલીઓ પકડવા માટે હું અને મારો ભાણિયો સુનિલભાઈ કસ્તુરભાઈ વાઘેલા ગયા હતા. ત્યાં બપોરના આશરે પોણા ચારેક વાગ્યાના સુમારે માછલી પકડતા હતા. તે વખતે પાણીગેટ કુંભારવાડા કેળાની વખાર પાસે રહેતો સાગર કૈલાશ વાઘેલા તથા અર્જુન ઉર્ફે ભયલું મુકેશ વાધેલા તથા આકાશ ઠાકોર મોટરસાયકલ ઉપર ધસી આવ્યા હતા. જેમાં સાગર વાઘેલા મારી પાસે આવી મને કહેવા લાગ્યો હતો કે તું કેમ દાદાગીરી કરે છે. ત્યારબાદ મારી સાથે ઝઘડો કરતો હતો જેથી મારી સાથેનો સુનિલે તેને ઝઘડો કરવાની ના પાડતા સાગર સાથે આવેલ અર્જુન ઉર્ફે ભયલું તથા આકાશ ઠાકોર બન્ને સાગરનું ઉપરાણું લઈ અમારી સાથે વધુ ઝઘડો કરી દોઢેક વર્ષ પહેલા જન્માષ્ટમીના તહેવારમાં થયેલ ઝઘડાની જુની અદાવત રાખી ગાળો આપી આજે તો તને પતાવી દેવો છે તેમ જણાવી માર માર્યો હતો. આ સાગરે લોખંડની પાઇપ વડે મારી તથા સુનિલ પર હુમલો કર્યો હતો. અર્જુન અણીદાર ડીસમીસ અને આકાશ હોકી થી હુમલો કર્યો હતો. ત્યારબાદ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી સ્થળ પરથી ભાગી ગયા હતા. આજુબાજુના લોકો એમ્બ્યુલન્સમ બન્નેને સારવાર માટે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે ખસેડ્યા હતા.