Get The App

શાપરમાં પેટ્રોલપંપના માલિકને છરી બતાવી લૂંટી લેનાર ટોળકી ઝડપાઈ

Updated: Dec 8th, 2024


Google NewsGoogle News
શાપરમાં પેટ્રોલપંપના માલિકને છરી બતાવી લૂંટી લેનાર ટોળકી ઝડપાઈ 1 - image


પેટ્રોલપંપના કર્મચારીએ જ ટીપ આપી હતી

આરોપીઓમાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોરનો સમાવેશતમામ મુદ્દામાલ કબજે

રાજકોટ : ગોંડલ રોડ પર આવેલા ઓમ પેટ્રોલીયમના ભાગીદાર હર્ષદભાઈ હરિભાઈ કાલરીયા (ઉ.વ.પ૬, રહે. એકલાન્ટીસ એપાર્ટમેન્ટ, કાંગશીયાળી)ને ગઈકાલે શાપરમાં છરી બતાવી, એકટીવા અને રૃા. એક લાખની લૂંટ ચલાવનાર ટોળકીના ચાર સભ્યોને રાજકોટ રૃરલ પોલીસે ગણતરીના સમયમાં ઝડપી લીધા હતા. પેટ્રોલપંપના કર્મચારીએ જ ટીપ આપી લૂંટ કરાવી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે હર્ષદભાઈ ગઈકાલે રાત્રે નવેક વાગ્યાની આસપાસ પેટ્રોલપંપેથી વકરાની રકમ લઈ પોતાના એકટીવા પર ઘરે જઈ રહ્યા હતા ત્યારે શાપર-વેરાવળમાં જ એકટીવા પર ઘસી આવેલા ત્રણ શખ્સો  તેના એકટીવા આગળ પોતાનું એકટીવા આડું નાખી, છરી બતાવી, છરી મારવાની ધમકી આપી, એકટીવા, તેની ડેકીમાં રાખેલા રૃા.૧.૦પ લાખ રોકડા ઉપરાંત મોબાઈલની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

ગંભીર એવી આ ઘટનામાં એલસીબીના પીઆઈ વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ અંદાજે ડઝનેક ટીમો બનાવાઈ હતી. શાપરના પીઆઈ આર.બી. રાણા ઉપરાંત એસઓજીની ટીમો પણ તપાસમાં લાગી હતી. જુદી-જુદી દિશા અને એંગલ પર તપાસ કર્યા બાદ આખરે પોલીસે લૂંટમાં સંડોવાયેલા શાહરૃખ અકબરઅલી અન્સારી (ઉ.વ.રર, રહે. પ્રણામી ચોક, રાજકોટ) અને પેટ્રોલપંપમાં જ નોકરી કરતા રાહિલ હમીરભાઈ નારેજા (ઉ.વ.૧૯, રહે. રસુલપરા શેરી નં.૧૭, કોઠારીયા સોલવન્ટ) ઉપરાંત કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોરને ઝડપી લીધા હતા.

આ તમામ આરોપીઓ પાસેથી પોલીસે લૂંટી લીધેલા રૃા.૧.૦પ લાખ રોકડા, એકટીવા, મોબાઈલ ફોન, આરોપીઓનું એકટીવા અને સ્વીફટ કાર કબજે કરી હતી. એલસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે રાહિલે જ તેના શેઠ અંગે અન્ય આરોપીઓને ટીપ આપી હતી. જેના આધારે આરોપી શાહરૃખ અને કાયદાના સંઘર્ષમાં આવેલા બે કિશોરે એકટીવા પર જઈ આ લૂટ ચલાવી હતી.

આરોપીઓ ગોંડલ રોડ પરથી સ્વીફટ કારમાં જતા હતા ત્યારે ઝડપી લેવાયા હતા. જેથી તે કાર પણ કબજે કરવામાં આવી છે.


Google NewsGoogle News