Get The App

RTEમાં એડમિશન અપાવવા માટે ટોળકી સક્રિય, પૈસા ફેંકો એટલે પ્રવેશ પાક્કો

ગરીબ-મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને પ્રવેશના ઉદ્દેશની ઐસીતૈસી

Updated: Mar 12th, 2024


Google NewsGoogle News
RTEમાં એડમિશન અપાવવા માટે ટોળકી સક્રિય, પૈસા ફેંકો એટલે પ્રવેશ પાક્કો 1 - image



- લાખોની આવક, લકઝુરીયસ ઘર-ગાડી, તગડું લાઇટબીલ હોય છતા પુણા, વરાછા, નાના-મોટા વરાછામાં સક્રિય ટોળકી સેટીંગ કરી નાંખે છે

- મામલતદાર કચેરીના સ્ટાફને ફોડીને ખેલ થતો હોવાની ચર્ચા : શિક્ષણાધિકારી કચેરીની ટીમ દ્વારા તમામ દસ્તાવેજોની બારીકાઇથી તપાસ કરાશે

                સુરત

આરટીઇમાં પ્રવેશ કાર્ય શરૃ થાય તે પહેલા તો બોગસ, ઓછી આવક- આંગણવાડી સર્ટિફિકેટ તૈયાર કરવા માટે પુણા, વરાછા, નાના-મોટા વરાછા સહિતના વિસ્તારોમાં ટાઉટોની ટોળકી સક્રિય થઇ ગઇ છે. આ ટોળકી વાલી ગમે તેટલા મહેલમાં, કે લાખો-કરોડોના ઘરોમાં રહેતા હોય તો પણ ૧ લાખ કે તેનાથી ઓછી આવકના દાખલા બનાવી આપતી હોવાથી મામલતદાર કચેરીના સ્ટાફ પર લગામ ખેંચવાની તાતી જરૃર છે.

આગામી ૧૪ મી માર્ચ થી રાઇટ ટુ એજયુકેશન એકટ ( આરટીઇ ) હેઠળ પ્રવેશ કાર્ય શરૃ થઇ રહ્યુ છે. આ પ્રવેશ માટે બે મહત્વના દસ્તાવેજો એક તો વાલીની આવક અને બીજુ બે વર્ષ સરકારી આંગણવાડીમાં ભણ્યા હોય તો અગ્રીમતા આપવામાં આવે છે. આ બન્ને મહત્વના દસ્તાવેજો બનાવટી કે પછી અસલી બનાવવા માટે સુરત શહેરના પુણા, વરાછા, નાના-મોટા વરાછા, ઉધના સહિતના વિસ્તારોમાં મોટા પાયે ટાઉટોની ટોળકી સક્રિય છે. આ ટોળકી વાલી ભલેને પચાસ લાખ કે એક કરોડના ઘરમાં રહેતા હોય, વર્ષે દહાડે મસમોટુ વીજળી બીલ આવતુ હોય કે પછી  લકઝરી કાર હોય તો પણ વાલીની એક લાખની આવકનો દાખલો બનાવી આપે છે. આ અંગે શિક્ષણવિદો વધુમાં જણાવે છે કે વાલીએ બસ રૃપિયા તૈયાર રાખવાના. તમામ બોગસ કે અસલી દસ્તાવેજો આ ટોળકી તૈયાર કરીને આપે છે. ઓછી આવકના દાખલા માટે મામલતદાર કચેરીના સ્ટાફ સાથે રીતસરની સાંઠગાંઠ હોય છે. જેના કારણે મનફાવ તેમ દાખલા બનાવી આપવામાં આવે છે. અને પછી આ દાખલાના આધારે આરટીઇમાં પ્રવેશ મળે છે. અને ખરેખર જે ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારને પ્રવેશની જરૃર હોય છે. તેમને પ્રવેશ મળતો નથી.

આથી આરટીઇમાં પ્રવેશનું મુળ આવકના દાખલા છે. અને આ આવકના દાખલા પહેલા તલાટી પાસે પછી નાયબ મામલતદાર પાસે તૈયાર થતા હોવાથી ઓછી આવકના દાખલાની ચાલી રહેલી પ્રવૃતિ બંધ કરાવવા માટે આ સ્ટાફ પર કડકાઇ રાખવી જરૃરી છે.

આવકના બોગસ દાખલા મળશે તો તુરંત જ પ્રવેશ રદ કરી દેવાશેઃ સુરત જિલ્લા શિક્ષણાધિકારી

આ વર્ષે સુરત જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ આરટીઇના પ્રવેશને લઇને ખાસ વોચ રાખી રહી છે. અને ટીમ દ્વારા ઉંડાણ પૂર્વક તપાસ પણ થશે. ભૂતકાળમાં બોગસ, ઓછી આવકના દાખલાઓ મળી આવ્યા હતા. તો પરિવાર સુરતમાં રહેતો હોવાછતા આંગણવાડી સર્ટિફિકેટ જુનાગઢ, ભાવનગર , અમરેલીમાંથી લાવીને પ્રવેશ મેળવ્યાનુ ધ્યાને આવ્યુ હતુ.આથી આ વર્ષે પણ આ તમામ દસ્તાવેજોનું બારીકાઇથી નિરીક્ષણ કરવામાં આવશે. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારના જણાવ્યા મુજબ આરટીઇમાં પ્રવેશને લઇને બોગસ દાખલા કે આંગણવાડી સર્ટિફિકેટ લઇને ગરબડ ગોટાળા મળી આવશે તો તુરંત જ પ્રવેશ રદ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પુણા, કતારગામ, ઉધના મામલતદાર કચેરીમાં મોટા પાયે ટાઉટો સક્રિય

સુરત શહેરની મામલતદાર કચેરીઓમાંથી પુણા, કતારગામ,ઉધના માં મોટાપાયે ટાઉટોની ટીમ સક્રિય થઇ છે. અને આ ટાઉટો રૃપિયા લઇને આરટીઇનું એડમીશન કરાવી આપવા સુધીની ગેરન્ટી આપતા હોય છે. અને વાલીઓ પાસે મોટી રકમ ખંખેરતા છે. જો કે ટાઉટોની મામલતદાર કચેરીમાં પણ ભારે સાંઠગાંઠ હોવાનું ચર્ચાઇ રહ્યુ છે. 


Google NewsGoogle News