ગણેશોત્સવ વિશેષ: સુરતમાં ગણેશ મંડળે બનાવ્યા 75 કિલો ઘીના ગણપતિ, બાપ્પા માટે 3 ટનના ACની સગવડ
Ganesh Mahotsav Special Surat : ભારતીય તહેવારોમાં અનેક વિવિધતા જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં શિવરાત્રી દરમિયાન સુરત સહિત ભારતના હજારો મંદિરમાં શંકર ભગવાનને ઘીના કમળ ચઢાવવામાં આવતા હોય છે. જેથી ભક્તોએ ઘીમાંથી બનેલા શંકર ભગવાનની પ્રકૃતિ જોઈ હશે, પરંતુ પહેલીવાર સુરતમાં ગણેશોત્સવમાં ઘીના ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવી છે. સુરતના કોટ વિસ્તારમાં એક ગણેશ આયોજકે 75 કિલો ઘીનો ઉપયોગ કરી પ્રતિમા બનાવડાવી છે, તેને કાચની પેટીમાં મુકવામાં આવી છે.
સુરત શહેરમાં ગણેશોત્સવની દબદબાભેર શરૂઆત થઈ છે અને શહેરમાં હજારોની સંખ્યામાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. સુરત શહેરમાં પ્લાસ્ટર ઓફ પેરીસ, માટી સહિત અનેક વસ્તુઓમાંથી ગણેશજીની પ્રતિમાનું નિર્માણ કરી તેની પૂજા કરવામાં આવી રહી છે. પરંતુ શહેરના કોટ વિસ્તારમાં આવેલા મંછરપુરા કોલસાવાડમાંમમાં ગણેશ મંડપમાં ગણેશજીની પ્રતિમા માટે એક અનોખો પ્રયોગ કર્યો છે. આ મંછરપુરા યુવક મંડળ દ્વારા આ વર્ષે ઘીમાંથી ગણપતિજીની પ્રતિમાનું નિર્માણ કરવાનો નિર્ણય કર્યો હતો.
ગ્રુપના સભ્યોએ વિચાર મૂક્યો ત્યારે ઘીમાંથી શ્રીજીની પ્રતિમા કઈ રીતે બનાવવી અને દસ દિવસની જાળવણી કઈ રીતે કરવી તેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ ગણેશજીની પ્રતિમાનું મોલ્ડ શોધવામાં આવ્યો હતો. આ મંડળે આ પ્રતિમા બનાવવા માટે 75 કિલો ઘીનો ઉપયોગ કર્યો હતો. ઘણા દિવસોની મહેનત બાદ કલાકારોએ ઘીની ગણેશજીની પ્રતિમા બનાવી છે, તેની સાથે રામલલ્લાની પ્રતિમા પણ બનાવી છે.
ગણેશ ચતુર્થીના દિવસ પહેલાં ઘીની પ્રતિમા પર કલર કામ કરીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ દસ દિવસ માટે બાપ્પાની પ્રતિમા પહેલા દિવસે છે તેવી જ રાખવા માટે કાચની પેટી બનાવવામા આવી છે. આ કાચના બોક્સમાં એસી ચલાવવામાં આવી રહ્યું છે. ત્રણ ટનનું એસી 24 કલાક ચલાવવામાં આવે છે તેના કારણે ઘીની પ્રતિમા ઓગળતી નથી. આ એક યુનિક કોન્સેપ્ટ છે તેથી લોકો માટે આ પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.
ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કઈ રીતે કરવું તે માટે બ્રાહ્મણનું માર્ગદર્શન મેળવાશે
સુરતના કોટ વિસ્તાર એવા મંછરપુરા કોલસાવાડમાં 75 કિલો ઘીનો ઉપયોગ કરીને જેવી રીતે શિવરાત્રીમાં કમળ બનાવાવમાં આવે છે તેવી રીતે ગણેશજીની પ્રતિમા બનાવવામાં આવી છે. આ પ્રતિમાની કાળજી માટે સતત એસી ચલાવવામાં આવી રહ્યું છે પરંતુ હવે આનંદ ચૌદસે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કઈ રીતે કરવું તે અંગે બ્રાહ્મણનું માર્ગદર્શન મેળવવામાં આવી રહ્યું છે. આમ તો મંડળના કેટલાક સભ્યો એવો વિચાર ર જુ કરી રહ્યાં છે કે, શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરીને જે ઘી રહેશે તેને મંદિરમાં દીવા માટે ઉપયોગમાં આવે તેમ કરી શકાય. જોકે, હજી સુધી મંડળ દ્વારા ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કઈ રીતે કરવું તે અંગે બ્રાહ્મણનું માર્ગદર્શન મેળવીને વિસર્જન કરવામાં આવશે.