ડુમસના કિડીયા બેટમાં ગણેશજીની પ્રતિમાની સ્થાપના કર્યા વિના અનોખી રીતે ઉજવાય છે ગણેશોત્સવ
સુરત શહેરમાં ગણેશ ઉત્સવના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગણેશ ભક્તો શહેરના જુદા જુદા મંડળમાં જઈને દર્શન કરવા જઈ રહ્યા છે. પરંતુ સુરતના અનેક ગણેશ ભક્તો ડુમસના દરિયા ના કિડીયા બેટમાં સ્વયંભૂ ગણેશજીના મંદિરે દર્શન કરવા જાય છે. જોકે, આ ગણેશજીનું મંદિર દરિયાની વચ્ચે આવ્યું હોવાથી દરિયો પાર કરવો પડે છે. જોકે, ડુમસના એક મંડળના સભ્યોએ ગણેશ ભક્તોની આ મુશ્કેલી દૂર કરી દીધી છે. આ મંડળના સભ્યો ગણેશ ભક્તોની અનોખી સેવા કરી રહ્યાં છે. ગણેશ ઉત્સવ દરમિયાન મંડળના સભ્યો મંદિરે જવા માટે વિના મુલ્યે બોટમાં દર્શન કરાવે છે આ મંડળના સભ્યો ના કારણે ગણેશ ઉત્સવ દરમિયાન ગણેશ ભક્તો દરિયાની મધ્યમાં આવેલા ગણેશજીના દર્શન સરળતાથી કરી શકે છે.
સુરતમાં 80 હજારથી વધુ ગણેશજીની પ્રતિમા ની સ્પના કરીને ગણેશોત્સવની ઉજવણી સુરતીઓ કરી રહ્યાં છે. પરંતુ સુરતના ડુમસ વિસ્તારમાં કિડીયા બેટ વિસ્તારમાં ગણેશજીની પ્રતિમા ની સ્થાપના કર્યા વિના જ અનોખી રીતે ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સુરતના ડુમસ વિસ્તારમાં દરિયાની વચ્ચે કીડિયાબેટ નામનો બેટ આવ્યો છે. આ બેટમાં સ્વયંભૂ એવા દાંડા ગણેશજી નું મંદિર છે આ મંદિર સ્વયંભૂ હોવા સાથે મંદિરનું સત્ પણ ઘણું છે તેવું ગામ લોકો કહે છે. આ મંદિરમાં કોઈ પૂજારી નથી પરંતુ ડુમ્મસના જલારામ ફળિયામાં રહેતા દરિયા ખેડુઓ સમય અંતરે જઈને ગણેશજીની પૂજા અર્ચના કરે છે.
સામાન્ય દિવસોમાં આ મંદિરે ગણેશજીના દર્શન કરવા હોય તો ભક્તો માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દરિયાની મધ્યમાં આ મંદિર આવ્યું છે. જેના કારણે મંદિરે જવા માટે બોટ દ્વારા દરિયો પાર કરવો પડે છે. જેને કારણે સામાન્ય દિવસોમાં ભાગ્યે જ કોઈ ભક્તો દાદા ના દર્શન માટે જાય છે. પરંતુ હાલમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે અનેક ગણેશ ભક્તો કિડીયા બેટ વિસ્તારમાં સ્વયંભૂ પ્રગટ થયેલા ગણપતિજીના દર્શન કરવાની ઈચ્છા ધરાવે છે. પરંતુ મંદિર દરિયાની વચ્ચે બેટ પર આવ્યું હોય વિધ્નહર્તાના દર્શન કરવા માટે અનેક વિધ્નો આવે છે. પરંતુ ગણેશ ભક્તોના વિધ્નો અને મૂંઝવણ દૂર કરવાનું કામ ડુમસના જલારામ ફળિયાના જલારામ મંડળના સભ્યો દ્વારા કરવામાં આવી રહ્યું છે.
શ્રીજીના ભક્તો પોતાના વાહન લઈને ડુમસના જલારામ ફળિયા સુધી તો પહોંચે છે પરંતુ ત્યાર બાદ દરિયો પાર કરવું બોટ વિના અશક્ય છે. આ અશક્ય કામને જલારામ મંડળના સભ્યો આસાન કરી દે છે અને અહીં આવતા તમામ ભક્તોને પોતાની બોટ મારફતે કિડીયા બેટ સુધી વિના મુલ્યે લઈ જાય છે. આટલું જ નહી પરંતુ બોટમાંથી ઉતરીને મંદિર સુધી જવા માટેનો રસ્તો પણ તેમને બતાવી મંદિર સુધી લઈ પણ જાય છે.
ગણેશ ભક્તોને ગણેશ મંદિર સુધી લઈ જવા માટે વિના મુલ્યે બોટ કેમ આપવામાં આવે છે તેના જવાબમાં જલારામ મંડળના સભ્ય વિવેક ખલાસી કહે છે,આ દરિયો અમારા દેવ છે. દરિયા ને કારણે અમારી રોજી રોટી છે અને દરિયાની વચ્ચે ગણપતિદાદા સ્વયંભૂ બિરાજમાન થયા છે ત્યારે તેમના ભક્તો ને દર્શન અમે વિનામૂલ્યે કરાવીએ છીએ અને એવું કરીને અમે દરિયાનું અને દાદા નું ઋણ ચૂકવીએ છે તેવું અમને લાગે છે.
દર્શન આવતા ગણેશ ભક્તો આ મંડળના સભ્યોનો આભાર માનતા કહે છે, હાલમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ગણપતિજીના દર્શનનો મહિમા છે.આ મંદિરે દર્શન કરવા જવું મુશ્કેલ છે પરંતુ આ મંડળના સભ્યો વિના મુલ્યે બોટમાં ગણપતિ મંદિર સુધી લઈ જાય છે અન દર્શન કરીને પાછા ડુમસ સુધી મુકી જાય છે તેના કારણે અમને દર્શન કરવાનો મોકો મળી રહ્યો છે.
બેટ પર મળેલી પ્રતિમા વિસર્જન કર્યા બાદ ફરી વૃક્ષ નીચે જ આવી ગઈ હતી
ડુમસના કિડીયા બેટ ખાતે આવેલા દાંડા ગણેશજી સ્વયંભૂ પ્રગટ થયા હોવાનું ગામ લોકો કહે છે, જલારામ મંડળના અગ્રણી પ્રતિક ખલાસી કહે છે, અમારા બાપદાદાઓ કહેતા હતા કે કિડીયા બેટ પર એક જમણી સૂંઢ વાળી પ્રતિમા વૃક્ષ નીચે જોવા મળી હતી. જેના કારણે એક વ્યક્તિએ તેને દરિયામાં વિસર્જિત કરી દીધી હતી. થોડા દિવસ બાદ ફરીથી ખલાસીઓ બેટ પર ગયાં ત્યારે ફરીથી એ પ્રતિમા વૃક્ષ નીચે જ આવી ગઈ હતી. તેના થોડા દિવસ બાદ અન્ય ખલાસીઓ ગયાં હતા તેઓએ પણ આ પ્રતિમા દરિયામાં વિસર્જિત કરી દીધી હતી પરંતુ આશ્ચર્ય વચ્ચે આ પ્રતિમા ફરીથી આ વૃક્ષ નીચે જ બિરાજમાન થઈ ગઈ હતી.
જેના કારણે ખલાસીઓએ ભેગા થઈને આ વૃક્ષ નીચે જ બાપ્પા નું સ્થાન છે અને બાપ્પા અહી જ બિરાજમાન થવાની ઈચ્છા રાખે છે તેથી આ સ્વયંભુ ગણેશજીની પ્રતિમા ની સ્થાપના આ વૃક્ષ નીચે જ કરવામા આવી હતી. આ જગ્યા બેટ છે અને દરિયા વચ્ચે છે તેથી કોઈ પુજારી પુજા કરી શકે તેમ ન હોવાથી પુજારી રાખવામા આવ્યા નથી. પરંતુ ડુમસના ખલાસીઓ સમયાંતરે મંદિરે આવે છે અને બાપ્પાની પુજા અર્ચના કરી જાય છે. પહેલા વૃક્ષ નીચે પ્રતિમા હતી પરંતુ હવે એક સ્ટ્રકચર બનાવી પતરા મુકવામાં આવ્યા છે અને પુજા કરવામાં આવે છે.
ગણેશોત્સવ દરમિયાન બેટ પર બે હજારથી વધુ લોકો માટે ભંડારો થાય છે
સુરતના ડુમસ દરિયાની વચ્ચે આવેલા કિડીયા બેટ પર આવેલા દાંડા ગણેશજીના મંદિરે ગણેશોત્સવ દરમિયાન એક દિવસ ભંડારો રાખવામાં આવે છે. આ ભંડાર માં બે હજારથી પચ્ચીસો જેટલા લોકો ભાગ લે છે. આ બધા લોકોને જલારામ મંડળના સભ્યો પ્રસાદી પીરસે છે. નાનકડા ટાપુ પર પાણીની સુવિધા નથી તેવી જગ્યાએ આ મંડળના સભ્યો સમગ્ર ભોજન સામગ્રી બહારથી લાવે છે અને ત્યાં રસોઈયા રસોઈ બનાવે છે અને ભંડારામાં આવેલા લોકોને પ્રસાદી આપવામાં આવે છે. ડુમસ થી બેટ સુધી બોટમાં સામગ્રી લાવવામાં આવે છે જ્યારે ત્યાંથી સભ્યો ઉચકીને બે કિલોમીટર દૂર મંદિરે લઈ જાય છે. આ ઉપરાંત બે હજાર જેટલા ભક્તો આવે છે તેમને ડુમસથી બેટ સુધી બોટમાં વિના મુલ્યે લાવવા અને લઈ જવામા આવે છે.
બેટ થી બે કિલોમીટર દૂર કાદવવાળા રસ્તા પર ચાલીને જવું પડે છે
સુરતના ડુમસના કિડીયા બેટ પર આવેલા વિધ્નહર્તા એવા દાડા ગણેશ મંદિર સુધી જવા માટે ભક્તોએ અનેક વિધ્નો પાર કરવા પડે છે. ડુમસ થી જલારામ મંડળના ભક્તો દરિયો પાર કરાવી કિડીયા બેટ પર લઈ તો જાય છે પરંતુ કિનારા પર ઉતરે ત્યાર બાદ દાંડા ગણેશ મંદિર સુધી જવા માટે બે કિલોમીટર સુધી કાદવ કીચડ વાળા રસ્તા પર ચાલતા જવું છે ત્યાર બાદ મંદિરે વિધ્નહર્તાના દર્શન કરી શકાય છે.