Get The App

શહેર સ્વચ્છ તો બાપ્પા મસ્ત..! સુરતીઓમાં ગણેશજીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓનું સોસાયટીઓમાં જ વિસર્જન કરવાનો ટ્રેન્ડ

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
શહેર સ્વચ્છ તો બાપ્પા મસ્ત..! સુરતીઓમાં ગણેશજીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓનું સોસાયટીઓમાં જ વિસર્જન કરવાનો ટ્રેન્ડ 1 - image


Surat Ganesh Visarjan : સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં વિસર્જન પર પ્રતિબંધ મુકાયો ત્યાર બાદ મોટાભાગના ગણેશ આયોજકો સાથે સાથે ઘરે ગણેશજીની સ્થાપના કરતા લોકો ઘર આંગણે કે ગણેશ મંડપમાં જ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરે છે. તેમાં પણ શહેરની અનેક રહેણાંક સોસાયટીમાં ગણેશજીની સ્થાપના કર્યા બાદ વિસર્જન પણ સોસાયટીમાં જ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ ગણેશજીના આર્શીવાદ રહે તે માટે ભક્તોએ બાપ્પાની પ્રતિમાનું વિસર્જન કરીને તેની માટીનો ઉપયોગ ગાર્ડનમાં ફૂલ છોડ ઉગાડવા માટે કરવામાં આવ્યો છે. 

સુરત શહેરમાં થોડા વર્ષો પહેલા ઘર આંગણે જ ગણેશ વિસર્જન માટે શરૂ થયેલો ટ્રેન્ડ દર વર્ષે વધી રહ્યો છે. સુરત શહેરમાં આ વર્ષે 75 હજારથી વધુ નાની મોટી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. તેમાં ઘણાં વર્ષોથી માટીની પ્રતિમા માટે જાગૃતિ અભિયાન ચાલતું હોવાથી મોટાભાગના રહેણાંક સોસાયટીમાં પાંચ ફૂટથી નાની પ્રતિમા અને તે પણ માટીની પ્રતિમા હોય તેવો આગ્રહ રાખવામાં આવ્યો હતો. 

છેલ્લા ઘણા સમયથી લોકોમાં આવેલી જાગૃતિના કારણે સંખ્યાબંધ સોસાયટીના રહીશો પોતાની સોસાયટીમાં જ ગણેશજીની સ્થાપના કરે છે અને વિસર્જન યાત્રા અને વિસર્જન પણ સોસાયટીમાં જ કરી રહ્યાં છે. જેના કારણે તંત્ર પરનું ભારણ પણ ઓછું થઈ રહ્યું છે. શહેરની સંખ્યાબંધ સોસાયટીઓમાં આજે સવારે ગણેશજીની પૂજા કર્યા બાદ સોસાયટીના રહીશોએ સોસાયટીમાં જ ધામધૂમ પૂર્વક શ્રીજીને વિદાય યાત્રા કાઢી હતી. સોસાયટીઓમાં જ વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કોઈ ભક્તોએ મોટા તપેલામાં તો કોઈએ પવાલી તો કોઈએ ટબમાં બાપ્પાની પ્રતિમાનું વિસર્જન કર્યું હતું. તો કેટલીક જગ્યાએ ભક્તોએ જાતે જ ટેબલ અને તાડપત્રી કે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને બાપાની પ્રતિમાની સાઈઝ પ્રમાણે પોતે જ કૃત્રિમ તળાવ બનાવ્યા હતા તેમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામા આવ્યું હતું. બાપાની કૃપા કાયમ રહે તે માટે અનેક લોકોએ ઘર આંગણે વિસર્જન કરીને પ્રતિમાની માટીને ઘરના કુંડા કે સોસાયટીના ગાર્ડનના વૃક્ષ છોડમાં મૂકી દેવામાં આવી છે.


Google NewsGoogle News