વડોદરામાં ગણેશ ભક્તોએ વહેલી સવાર સુધી આપી વિદાય, કોર્પોરેશનના 8 કૃત્રિમ તળાવમાં 14,617 મૂર્તિઓનું વિસર્જન
Ganesh Visarjan 2024 : વડોદરામાં દસ દિવસનું આતિથ્ય માણીને ગણેશજીએ ભક્તિ ભાવ સભર માહોલમાં ગઈકાલે વાજતે ગાજતે વિદાય લીધી હતી. વડોદરા શહેરમાં શ્રીજી વિસર્જન માટે કોર્પોરેશન દ્વારા 8 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા હતા. આ તમામ તળાવ ખાતે આજે વહેલી સવાર સુધી વિસર્જન વિધિ ચાલુ રહી હતી. છેલ્લું મૂર્તિનું વિસર્જન પૂર્ણ થયું ત્યારે કુલ મૂર્તિઓનો આંકડો 14,617 થયો હતો. આમ, અનંત ચતુર્થીના દિવસે આટલી જંગી સંખ્યામાં મૂર્તિઓ વિસર્જિત કરાઈ હતી. જેમાં સૌથી ઊંચી મૂર્તિઓની સાથે-સાથે નાના કદની મૂર્તિઓનો પણ સમાવેશ થતો હતો.
વડોદરા કોર્પોરેશન દ્વારા લેપ્રસી મેદાન, ખોડીયાર નગર ચાર રસ્તા, દશામા તળાવ, ભાયલી, નવલખી, હરણી, સમા લિંક રોડ, એસ.એસ.વી.પી અને માંજલપુર તળાવનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શહેરમાં નિઝામપુરા તેમજ ગોત્રી નજીક એક કુંડ બનાવવામાં આવ્યો હતો. જ્યારે રેસકોર્સ સર્કલ નજીક ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા કુંડ તૈયાર કરાયો હતો. આ ત્રણે સ્થળે પણ શ્રીજીની નાના કદની માત્ર માટીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. એ બધાનો આંકડો ગણીએ તો સહેજે 20,000 પર પહોંચી જાય તેમ છે. મધ્ય રાત સુધી શ્રીજીની વિસર્જન સવારીઓ વાજતે ગાજતે રોડ પર નીકળતી જોવા મળી હતી. શ્રીજી વિસર્જન વિધિ વિના વિઘ્ને પાર પડે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચાંપતો બંદોબસ્ત રાખ્યો હતો. વિસર્જન યાત્રાના રૂટ ઉપર અર્ધ લશ્કરી દળો સહિત 6,500 જેટલા પોલીસ જવાનો પણ ગોઠવી દેવાયા હતા. ઘણા રસ્તાઓ બંધ કરી દીધા હતા અને ઘણા સ્થળે નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા હતા. વિસર્જન યાત્રા દરમિયાન કંટ્રોલ રૂમમાંથી બંદોબસ્ત પર નજર રાખવા 700 બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરાયો હતો.