સુરતના ગણેશ મંડળે ચિલ્ડ્રન બેંકની નોટનો ઉપયોગ કરી સજાવ્યો પંડાલ, અયોધ્યાના શ્રી રામજીની અવતારમાં કરી છે બાપ્પાની સ્થાપના
Surat Ganesh Utsav Special : સુરતના સૌરાષ્ટ્રીયન બહુમતીવાળા એવા પુણા વિસ્તારના એક ગણેશ મંડળે ચિલ્ડ્રન બેંકની નોટનો ઉપયોગ કરીને આખો ગણેશ મંડપ સજાવ્યો છે. આ મંડળ દ્વારા ડેકોરેશન માટે કોઈ પણ પ્રોફેશનલ પાસે કામગીરી કરાવવાના બદલે મંડળના સભ્યોએ જ ડેકોરેશન કર્યું છે. પોતના સભ્યોની કળા બહાર આવે અને ખોટા ખર્ચ ન થાય તથા મંડળની એકતા જળવાઈ રહે તે માટે પોતે જ ડેકોરેશન કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ મંડપમાં અયોધ્યાના શ્રી રામજીની કૃતિમા થઈ છે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે.
સુરત શહેરના કોટ વિસ્તાર સાથે સાથે સૌરાષ્ટ્રીયન વિસ્તારોમાં પણ ગણેશજીનો તહેવાર જામ્યો છે. સુરતના વરાછા-પુણા અને કતારગામ વિસ્તારમાં અનેક ગણેશ મંડપમાં યુનિક થીમ પર શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. જેમાં પુણા વિસ્તારમાં આવેલી ઇશ્વરનગર સોસાયટી વિ.2 ના ખોડીયાર યુવક મંડળ દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. આ મંડળની એક ખાસિયત એવી છે કે તેઓએ ડેકોરેશન માટે કોઈ પ્રોફેશનલ વ્યક્તિને કામગીરી સોંપી નથી
મંડળના સભ્ય મૌનિક વધાસીયા કહે છે, છેલ્લા બે મહિનાથી અમારા મંડળ દ્વારા ગણેશજીની સ્થાપના પહેલા તૈયારી કરવામાં આવી હતી. અમારા મંડળ દ્વારા આ વખતે જુદી થીમ પર ગણેશ મંડપ સજાવવાનો નિર્ણય કર્યો હતો. તેમાં અમે ચિલ્ડ્રન બેંકની નોટનો ઉપયોગ કરવાનું નક્કી કયું હતું. અમારા મંડળના અનેક સભ્યોએ આ નોટમાંથી જુદી-જુદી ડિઝાઈન બનાવીને આખા મંડપમાં તેને સજાવવામાં આવી છે. પાંચ થી સાત હજાર જેટલી નોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પોતે કામગીરી કરવા પાછળનું કારણે તેઓ કહે છે, હાલના વ્યસ્ત સમયમાં સોસાયટીમાં રહેતા લોકો પણ ભેગા થઈ શકતા નથી. પરંતુ બાપ્પાના મંડપને શણગારવાનો હોવાથી સભ્યો પોતે સમય કાઢતા હતા અને રોજ ભેગા થતાં હતા. એક બીજાના વિચારો તથા ટેલેન્ટ પણ બહાર આવે છે. આ ઉપરાંત સોસાયટીના લોકોની એકતા થવા સાથે ખર્ચની પણ બચત થાય.