બાપ્પાના પ્રસાદમાં હવે ફેન્સી ટ્રેન્ડ, સમયની સાથે ગણેશજીના પંડાલમાં રેડીમેડ છપ્પન ભોગ પ્રસાદની એન્ટ્રી
Ganesh Utsav Special : સુરત શહેરમાં હવે ગણેશોત્સવની ધીમે-ધીમે જમાવટ થઈ રહી છે. શહેરના મોટા ભાગના ગણેશ મંડળમાં શ્રીજીની સ્થાપના કરી હોય ત્યાં દસ દિવસમાંથી એક દિવસ છપ્પન ભોગ પ્રસાદ બાપ્પાને ધરાવવામાં આવે છે. પરંતુ હવે સમયની સાથે આ છપ્પનભોગ પ્રસાદ ફેન્સી તથા રેડીમેડ મળતો થયો છે. ગણેશોત્સવ દરમિયાન શહેરના અનેક વિસ્તારમાં મીઠાઈની દુકાન કે અન્ય દુકાનદારો હવે ડેકોરેશન કરેલો છપ્પન ભોગનું વેચાણ કરી રહ્યા છે.
સુરત શહેરમાં ગણેશોત્સવ દરમિયાન એક દિવસ છપ્પન ભોગ ધરાવવાની પ્રથા આજે પણ અકબંધ જોવા મળે છે. જોકે, સમયની સાથે સાથે બાપ્પાને ઘરાવાવમા આવતા છપ્પનભોગનાં રંગ રૂપ બદલાયા છે. છેલ્લા કેટલાક વખતથી હવે બાપ્પાનો છપ્પન ભોગ રેડીમેડનો ટ્રેન્ડ શરૂ થયો છે. તેના કારણે વેપારીઓ અને વ્યસ્ત રહેતા બાપ્પાના ભક્તો બન્ને ફાયદો થઈ રહ્યો છે. સુરતના મીઠાઈના વિક્રેતાઓ સાથે અન્ય કેટલાક લોકો પણ છપ્પન ભોગનું વેચાણ કરે છે. આજ કાલ તો છપ્પન ભોગને ડેકોરેશન કરવાનો ટ્રેન્ડ પણ શરૂ થયો છે. પહેલા લોકો જુદી-જુદી દુકાનેથી મીઠાઈ તથા અન્ય વસ્તુઓ થોડી થોડી ખરીદીને છપ્પન ભોગ તૈયાર કરતા હતા. પરંતુ બાપ્પાના ભક્તો પાસે હાલ સમયનો અભાવ છે તેથી આવા વેપારીઓ એક ટોપલી, ટ્રે કે અન્ય રીતે 56 મીઠાઈ-વાનગી તૈયાર કરીને છપ્પન ભોગ તૈયાર કરી વેચાણ કરી રહ્યા છે. મોટાભાગના નાના મંડળ આ છપ્પન ભોગ બાપાને ધરાવતા હોય વેપારીઓને વેપારમાં તડાકો થઈ રહ્યો છે.