ગણેશોત્સવ : કુંભમેળાના શાહી સ્નાનના પાણી સાથે દેશની 10 પવિત્ર નદીઓના પાણીને અભિમંત્રિત કરી સુરતના કૃત્રિમ તળાવમાં ગણેશ વિસર્જન શરૂ
Surat Ganesh Visarjan : સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં એન.જી.ટીના આદેશ બાદ ગણેશ વિસર્જનની પ્રક્રિયા બંધ કરવામા આવી છે અને પાલિકા કૃત્રિમ તળાવ બનાવી તેમાં વિસર્જન પ્રક્રિયા કરી રહી છે. પરંતુ વર્ષોથી નદીમાં વિસર્જન કરનારા લોકોને થોડો વસવસો રહે છે તેથી લોકોની લાગણીને ધ્યાને રાખીને સુરતના એક કૃત્રિમ તળાવમાં દેશની જુદી-જુદી નદીના નીર લાવીને તેને ઉમેરી કૃત્રિમ તળાવના પાણીનો પવિત્ર કરી તેમાં વિસર્જન કરવામા આવે છે. આજે વિસર્જનની શરૂઆત સાથે જ અડાજણના રામજી ઓવારા ખાતે પાલિકાના પદાધિકારીઓએ તળાવમાં નદીના જળ ઉમેરી શ્રીજીની પ્રતિમાના વિસર્જનની શરૂઆત કરાવી હતી.
સુરતમાં અન્ય તહેવાર જેમ ગણેશોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ સુરતમાં 70થી 80 હજાર જેટલી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. આજે વિસર્જન યાત્રા દરમિયાન પાંચ ફૂટ કે તેનાથી નાની પ્રતિમાનું વિસર્જન પાલિકાએ બનાવેલા 21 કૃત્રિમ તળાવમાં કરવામાં આવે છે. જોકે, એનજીટીના નિયમના કારણે કૃત્રિમ તળાવમાં વિસર્જન કરાતું હોવાથી તાપીમાં વિસર્જન ન કર્યાનો વસવસો ગણેશ ભક્તોને રહે છે. તેમની આ મૂંઝવણ અડાજણ ગામના યુવાનોએ દૂર કરી દીધો છે.
રામજી ઓવારા પર વિસર્જનની કામગીરી સાથે સંકળાયેલા અડાજણના સુરેશ પટેલ કહે છે, અડાજણ ઓવારા પર વર્ષોથી વિના મુલ્યે વિસર્જનની કામગીરી કરવામા આવતી હતી તાપીમાં વિસર્જન બંધ થતાં અહીં બનાવેલા કૃત્રિમ તળાવમાં અમારા ગામના યુવાનો વિસર્જનની કામગીરી કરી રહ્યાં છે. ગણેશ ભક્તોની લાગણી સાચવવા સાથે કૃત્રિમ તળાવમાં વિસર્જન પહેલા પવિત્રતા જળવાઈ રહે તે માટે કુંભમેળાના શાહી સ્નાનનું પાણી સાથે દેશની 10 નદીના પાણીને અભિમંત્રિત કરી રામજી ઓવારાનાં કૃત્રિમ તળાવમાં ઉમેરાયું હતું, આ તળાવમાં તાપી નદી ઉપરાંત ગંગા, યમુના, સરસ્વતી, સિંધુ, કાવેરી, નર્મદા, શિપ્રા, ગોમતી, ગોદાવરીના જળને શાસ્ત્રોક્ત પૂજા કરીને તળાવમાં ઉમેર્યું હતું. ત્યારબાદ કૃત્રિમ તળાવમાં ઉમેરી વિસર્જન શરૂ કર્યું
પાલિકાના પદાધિકારીઓએ તળાવમાં નદીના જળને ઉમેર્યા બાદ કૃત્રિમ તળાવ આસપાસ સફાઈ કામગીરી કરી લોકોને સ્વચ્છતા જાળવવા સંદેશો આપ્યો
સુરતના રામજી ઓવારો ખાતેના કૃત્રિમ તળાવમાં શાહી સ્નાન વખતના પાણી સાથે દેશની દસ નદીના જળ ઉમેરીને પાલિકાના પદાધિકારીઓએ વિસર્જન પ્રક્રિયા શરૂ કરાવી હતી. ત્યારબાદ વિસર્જન યાત્રા કે વિસર્જન વખતે કૃત્રિમ તળાવની આસપાસ કે શહેરમાં કચરો થાય તો તેની સફાઈમાં લોકો પણ સહકાર આપે તેવા હેતુથી શાસકોએ રામજી ઓવારા ખાતેના કૃત્રિમ તળાવ ખાતે ભેગા થયેલા કચરાની સફાઈ કરી અને લોકોને પણ સફાઈ માટે નો સંદેશો આપ્યો હતો.