Get The App

ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમથી ગાંધીનગર સચિવાલયના કર્મચારીઓને વાંધો, પદ્ધતિ રદ્દ કરવા મુખ્યમંત્રીને રજૂઆત

Updated: Jan 29th, 2025


Google News
Google News
ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમથી ગાંધીનગર સચિવાલયના કર્મચારીઓને વાંધો, પદ્ધતિ રદ્દ કરવા મુખ્યમંત્રીને રજૂઆત 1 - image


Digital Attendance System : ગુજરાત સરકારે તાજેતરમાં જ પરિપત્ર બહાર પાડી ગાંધીનગર સચિવાલયના તમામ વિભાગો અને અન્ય સરકારી કચેરીમાં ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમને લાગુ કરાશે, ત્યારે ગુજરાત સરકારે ઈન્ટીગ્રેટેડ સિક્યુરિટી એક્સેસ એન્ડ મેન મેનેજમેન્ટ સિસ્ટમ (IWDMS) દાખલ કરવાનું નક્કી કર્યું છે. તે માટે ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમની વ્યવસ્થા દાખલ કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી. તેવામાં ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમથી ગાંધીનગર સચિવાલયના કર્મચારીઓને વાંધો હોવાથી પદ્ધતિ રદ્દ કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.

ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમનો નિર્ણય 

ગાંધીનગર સચિવાલય અને અન્ય સરકારી કચેરીઓમાં કાર્યરત સામાન્ય વહીવટ વિભાગના 27 જાન્યુઆરી, 2025ના પરિપત્રથી સચિવાલય સંકુલના તમામ વિભાગો, કર્મયોગી ભવન અને ઉદ્યોગ ભવનની સરકારી કચેરીઓ અને કલેક્ટર અને DDO કચેરી, ગાંધીનગર ખાતે અધિકારી-કર્મચારીઓની હાજરી માટે 01 ફેબ્રુઆરી, 2025થી ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમનો અમલ કરવાનો નિર્ણય કરાયો છે.

આ પરિપત્ર બાબતે ગાંધીનગર સચિવાલય સંકુલના કર્મચારીઓના ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસિએશન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આ પરિપત્ર કર્મચારી-અધિકારીઓના હિતોને સંલગ્ન બાબત હોવા છતાં આ નીતિમાં મુખ્ય સ્ટેક હોલ્ડર્સ એવા સરકારના કર્મચારીઓ કે કર્મચારી મંડળો સાથે કોઈપણ પ્રકારનો સંવાદ કરવામાં આવ્યો નથી. આ નીતિ એકતરફી રીતે જાહેર કરતાં એસોસિએશન દ્વારા સખત વાંધો અને વિરોધ દર્શાવાયો. 

આ પણ વાંચો: VIDEO: ગુજરાત પોલીસે ડ્રોન ઉડાવીને ચોરની ઝડપી પાડ્યો, DGPએ વીડિયો સોશિયલ મીડિયામાં કર્યો પોસ્ટ

કર્મચારીઓના એસોસિએશન દ્વારા જણાવ્યું કે, 'આ પરિપત્રની સામે એસોસિએશન આ નીતિની સમીક્ષા કરી સચિવાલયમાં હાલ હાજરી માટે સુચારૂ વ્યવસ્થા ઈન્ટીગ્રેટેડ સિક્યોરિટી એક્સેસ કંટ્રોલ એન્ડ મેન મેનેજમેન્ટ સિસ્ટમને યથાવત રાખવા રજૂઆત કરી છે.'

કર્મચારીઓના એસોસિએશને મુખ્યમંત્રીને રજૂઆત કરી

તેમણે મુખ્ય મંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે કે, ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમથી કર્મચારીના અંગત ડિવાઈસના લોકેશન, કેમેરા જેવી વિભિન્ન મંજૂરીઓથી કર્મચારીઓની ગોપનિયતા વિરુદ્ધ સર્વેલન્સ સિસ્ટમ સમાન છે, કર્મચારીઓ જ્યારે રાજ્યના વિકાસમાં કર્મયોગીની ભૂમિકા ભજવી કચેરી સમય બાદ મોડે સુધી રોકાઇને પણ પ્રતિબદ્ધતાથી નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવતા હોય છે, ત્યારે આવા એકતરફી નિર્ણયો કર્મચારીના નૈતિક મનોબળને નબળું પાડનારા અને માનસિક રીતે હતોત્સાહિત કરનારા છે. આ નીતિમાં કર્મચારીઓના અંગત માલિકીના સ્માર્ટ ફોનને તેમની સહમતિ ધ્યાને લીધા વિના ફરજીયાતપણે સરકારી કામે ઉપયોગમાં લેવાથી કર્મચારી માટે અસુવિધાજનક તેમજ આ નીતિ સંપૂર્ણરીતે રીતે અયોગ્ય છે. આ સિસ્ટમથી કર્મચારીના અંગત ડેટા-લોકેશન મોનિટરીંગ થર્ડ પાર્ટી એપ્લિકેશનના માધ્યમથી કલેક્ટ થશે અને કર્મચારીઓના મૂળભૂત અધિકારનો ભંગ થશે.'

આ પણ વાંચો: ગુજરાતમાં ફરી ખેડૂતો માટે ચિંતાના સમાચાર, સાત જિલ્લામાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી

એસોસિએશન દ્વારા માંગણી કરવામાં આવી છે કે આ નીતિથી તાબાના મહિલા કર્મચારીઓના લોકેશન અને કેમેરાથી ફેસ એટેન્ડન્સ વગેરેના ડેટાના ઉપયોગથી તેમની હેરાનગતિ થવાની શક્યતાઓ છે. આથી આ એસોસિએશન આ ડિજિટલ એટેન્ડન્સ સિસ્ટમ દાખલ કરવાનો સંપૂર્ણ વિરોધ દર્શાવે છે અને હાજરી માટેની હાલની ઈન્ટીગ્રેટેડ સિક્યોરિટી એક્સેસ કંટ્રોલ એન્ડ મેન મેનેજમેન્ટ સિસ્ટમ જાળવી રાખવા વિનંતી કરે છે.

Tags :
Digital-Attendance-SystemGandhinagarGujarat

Google News
Google News