દહેગામનું જૂના પહાડિયા ગામ જ બારોબાર વેચી દેવાના કેસમાં સરકાર જાગી, 8 સામે નોંધી તપાસ શરૂ
Juna Pahadiya Village Was Sold Illegally: દહેગામ તાલુકાના જૂના પહાડિયા ગામનો દસ્તાવેજ કરીને બારોબાર આખે આખું વેચી નાખવાના મામલે સમગ્ર રાજ્યમાં હોબાળો મચી ગયો હતો. ત્યારબાદ સરકારે સફાળા જાગીને આ દિશામાં તપાસ હાથ ધરી છે. હાલ આ મામલે ગેરકાયદે રીતે જમીન વેચનારા અને જમીન ખરીદનારા જસદણના શખસ સહિત આઠ લોકો સામે ગુનાઇત ષડયંત્ર રચવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે.
અત્યાર સુધી જમીન મકાનના બરોબર દસ્તાવેજના કૌભાંડો બહાર આવતા હતા, પરંતુ આ વખતે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના જૂના પહાડિયા નામના આખા ગામનો જ વેચાણ દસ્તાવેજ થઈ જતા અધિકારીઓ પણ હેબતાઈ ગયા છે. આ મામલે ગ્રામજનોએ દહેગામ મામલદાર કચેરીમાં જઇ વિરોધ પ્રદર્શન કરતાં પ્રાંત અધિકારીઓ સહિત જૂના પહાડિયા ગામ પહોંચ્યા હતા. ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ આખરે આ મામલે દસ્તાવેજ કરી આપનારા કહેવાતા જમીન માલિકો અને જમીન ખરીદનારા જસદણના ખેડૂત સામે ગુનો દાખલ કરવાનો નિર્ણય લેવાયો હતો.
પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ
દહેગામ સબ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા વિશાલ મણિભાઈ ચૌધરીએ ફરિયાદ નોંધાવી હતી કે, જૂના પહાડિયા સીમના નવા સર્વે નંબર 142, જૂનો સર્વે નંબર 106નો વેચાણ દસ્તાવેજ તેમની કચેરીમાં 13મી જૂનના રોજ આવ્યો હતો. ત્યાર પછી રૂબરૂમાં આ જમીનનો દસ્તાવેજ કરાયો હતો. જો કે આરોપીઓએ આ ગામમાં 80 જેટલા મકાનો હોવા છતાં તેનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો અને તેના ફોટા પણ બતાવ્યા ન હતા. સર્વે નંબરના આધારે ખુલ્લી જમીનના ફોટા રજૂ કરી પ્રક્રિયા પૂરી કરી દેવાઈ હતી, જેના પગલે રખિયાલ પોલીસ મથકમાં આઠ વ્યક્તિ સામે ગુનાઇત ષડયંત્ર તેમજ નોંધણીકરણની અધિનિયમની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે. જેને લઈ હવે પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.
આ પણ વાંચો: વાહ રે ગુજરાત! દહેગામ તાલુકાનું આખે આખું ગામ બારોબાર વેચાઇ ગયું, જાણો સમગ્ર મામલો
હવે વેચાણ દસ્તાવેજ રદ કરવા પણ નિર્ણય લેવાશે
એક જ સર્વે નંબર ઉપર વસેલા દહેગામના જૂના પહાડિયા ગામને વેચાણ દસ્તાવેજ થઈ જતા ગ્રામજનોની ચિંતામાં વધારો થયો છે. આ મામલે હાલ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે, પરંતુ તેનાથી ગ્રામજનોની સમસ્યાનો અંત આવતો નથી. તેથી હવે આગામી સમયમાં આ ગામનો વેચાણ દસ્તાવેજ રદ કરવાની પણ જિલ્લા તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાશે તેમ લાગી રહ્યું છે.
વેરો ભરતા નાગરિકોની મિલકતોની હવે રેવન્યુ રેકર્ડમાં નોંધ કરાવો
જૂના પહાડિયા ગામના એક જ સર્વે નંબરના મૂળ માલિકના વારસદારો દ્વારા ગામને બારોબાર દસ્તાવેજ કરાવી દેવામાં આવ્યો હતો. ત્યારે પચાસ વર્ષથી અહીં રહેતા અને ગ્રામ પંચાયતને વેરો ભરતા નાગરિકોના મકાન મામલે હવે રેવન્યૂ રેકોર્ડમાં નોંધ કરવાની માંગણી ઉઠી છે. એટલું જ નહીં, આ સર્વે નંબરનાં દસ્તાવેજ રદ કર્યા બાદ તે સર્વે નંબરમાં ગામના મકાનનો ઉલ્લેખ કરી જગ્યા પ્રમાણે ફાળવી આપવાની પણ માંગણી કરાઈ છે.
ગામ વેચનારા અને ખરીદનારા આરોપીઓના નામ
દહેગામના જૂના પહાડિયા ગામનો વેચાણ દસ્તાવેજ કરી દેનાર પહાડિયા ગામના કાંતાબેન ભીખાજી ઝાલા, કોકિલાબેન ભીખાજી ઝાલા, વિનોદકુમાર ભીખાજી ઝાલા, પલીબેન જશુજી ઝાલા, જયેન્દ્રકુમાર જશુજી ઝાલા, નેહાબેન જસુજી ઝાલા, એક સગીરા તેમજ જમીન ખરીદનારા રાજકોટના જસદણના અલ્પેશ લાલજી હિરપરા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.