વિદેશની ઘેલછામાં રૂ. એક કરોડ સુધીનો ખર્ચ માથે પડ્યો, મોટા ભાગના ત્રણેક મહિનામાં જ ગયા હતા
Gujarat News: ગેરકાયદે અમેરિકા ગયેલા વ્યક્તિઓને હાલ ભારત પરત મોકલવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગર જિલ્લાના પણ 17 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. જે આજે ફ્લાઇટ મારફતે ગાંધીનગર પહોંચી જશે. મોટાભાગના વ્યક્તિઓ છેલ્લાં એકથી ત્રણ મહિના દરમિયાન જ અમેરિકા પહોંચ્યા હતાં. જોકે, આ તમામના પરિવારજનોએ હાલ આ વિશે વાત કરવાનું ટાળ્યું છે.
33માંથી 12 લોકો ગાંધીનગરના
ગુજરાતમાં 37 વ્યક્તિઓ પૈકી 17 તો ગાંધીનગર જિલ્લાના માણસા અને કલોલ તાલુકાના વતની છે. મોટાભાગના વ્યક્તિઓના પરિચિત અથવા તો સગાઓ અમેરિકામાં વસવાટ કરી રહ્યાં છે. જેમની પ્રગિતિ જોઈને આ લોકોએ પણ અમેરિકા જવાનું પસંદ કર્યું હતું અને તે માટે જમીન વેચી તેમજ દેવું કરી એજન્ટ્સને પૈસા આપી અમેરિકા પહોંચ્યા હતાં. સ્થાનિકોના જણાવ્યાં અનુસાર, પરત આવેલાં તમામ વ્યક્તિઓ એકથી ત્રણ મહિના દરમિયાન ગામ છોડીને અમેરિકા જવા માટે નીકળ્યાં હતાં. આ દરમિયાન મેક્સિકો બોર્ડર પાસે તેમને પકડી લેવામાં આવ્યાં હતાં અને આટલાં સમય સુધી તેઓને ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતાં.
ગાંધીનગર જિલ્લાના કલોલ અને માણસામાં છેલ્લાં ઘણાં સમયથી અમેરિકા મોકલવા માટે ખાસ પ્રકારના એજન્ટ કામ કરી રહ્યા છે. જે વ્યક્તિ દીઠ 75 લાખ રૂપિયાથી એક કરોડ રૂપિયાની રકમ વસૂલી રહ્યા છે. ત્યારબાદ લોકોને અમેરિકા પહોંચાડવા માટે અલગ-અલગ દેશોમાં થઈને લઈ જવામાં આવતા હોય છે. માણસા તાલુકાના બોરુ ગામનો એક પરિવાર એક મહિના અગાઉ જ અમેરિકા ગયો હતો અને ત્યાં પકડાઈ ગયા બાદ હવે તેમને પરત મોકલી દેવામાં આવ્યા છે. આ લોકોમાંથી ઘણાંના માતા-પિતા તો આ વિશે કશું જાણતા જ નથી તો અમુક પરિવારજનો પોતાના મકાન બંધ કરીને સગા-સંબંધીઓને ત્યાં જતા રહ્યાં છે. હાલ આ મામલે સરકારે તપાસ હાથ ધરી છે જેમાં ગેરકાયદે રીતે અમેરિકા મોકલતાં એજન્ટ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચોઃ PHOTOS : અમેરિકાથી ડિપોર્ટ થયેલા ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા, જુઓ તસવીરોમાં
બે વર્ષ અગાઉ ડીંગુચાનો પરિવાર બરફમાં થીજી જઈ મોતને ભેટ્યો હતો
હાલમાં અમેરિકાથી માણસા અને કલોલના વ્યક્તિઓને પરત મોકલી દેવામાં આવ્યા છે ત્યારે આજથી બે વર્ષ અગાઉ 19 જાન્યુઆરી 2022ના રોજ કેનેડા અને અમેરિકાની બોર્ડર વચ્ચે કલોલ તાલુકાના ડીંગુચા ગામનો પરિવાર પણ ગેરકાયદે અમેરિકા પહોંચવાની લ્હાયમાં બરફમાં થીજી મોતને ભેટ્યો હતો. જેમાં ડીંગુચા ગામના જગદીશ પટેલ તેની પત્ની વૈશાલી દીકરી વિહંગી અને પુત્ર ધાર્મિકનો સમાવેશ થતો હતો. આ પરિવાર પણ અમેરિકા જવા માટે કરોડો રૂપિયા એજન્ટ મારફતે ખર્ચીને પહોંચ્યો હતો પરંતુ, ખૂબ જ ઠંડી અને બરફને કારણે પરિવારને મોત મળ્યું. અમેરિકાની પોલીસ દ્વારા તેમના મૃતદેહોને બરફમાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં.