ગાંધીનગરના મગોડીમાં દહેગામવાળી! ભૂમાફિયાઓએ 40 મકાનો વેચી માર્યા, હવે તપાસના ધમધમાટ
Magodi village land scam: દહેગામ બાદ હવે ગાંધીનગરના મગોડી પંચાયત હસ્તકનું 40થી 50 મકાનો ધરાવતા આખે આખા ફળિયાનો જ ભુમાફિયાઓ દ્વારા વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. 47 વર્ષથી આ ચાર વિઘા જગ્યામાં મકાનો આવેલા છે અને ગ્રામજનો વસવાટ કરે છે. ત્યારે આ ચાર વિઘા જમીનનો વેચાણ દસ્તાવેજ થઈ જતા ગ્રામજનો દ્વારા લડત ચલાવવામાં આવી રહી છે. આ મામલે રજુઆતને ધ્યાને લઈને વહિવટી તંત્ર દ્વારા તપાસના અંતે ખોટી રીતે જમીન વેચનાર ભૂમાફિયા સામે ગુનો નોંધવાનું નક્કી કરવામાં આવ્યું છે.
જાણો શું છે સમગ્ર મામલો
ગાંધીનગર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ભૂમાફિયાઓ દ્વારા ખાનગી સર્વે નંબરની અથવા તો ગામતળની જમીનોના વેચાણ દસ્તાવેજ કરવાનો કારસો ચાલી રહ્યો છે. વર્ષો જુનો મકાનો અને અન્ય સ્થાવર મિલકતો હોવા છતાં પણ આવી જમીનને ખુલ્લી જમીન બતાવીને તેને વેચી દેવામાં આવે છે. દહેગામ તાલુકાના જુના પહાડયા, કાલીપુર તથા રામાજીના છાપરાની ખાનગી સર્વે નંબરની જમીન બારોબાર વેચી દેવામાં આવી છે ત્યારે ગાંધીનગર તાલુકાના મગોડી ગામમાં પણ ભૂમાફિયાઓએ આખેઆખું ફળીયું વેચી દીધું છે.
40થી 50 મકાનોમાં છેલ્લા 47 વર્ષથી રહેતાં પરિવારોને એકાએક બેઘર કરી દેવાનું પદ્ધતિસરનું ષડયંત્ર ભૂમાફિયાઓ દ્વારા રચવામાં આવ્યું છે. જે અંતર્ગત વેચાણ દસ્તાવેજ પણ આ ચાર વિધા જમીનનો થઈ ગયો છે. આવી સ્થિતિમાં સ્થાનિકોએ વહિવટી તંત્રમાં અપીલ પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો: દહેગામનું ગામ વેચી મારવાના કેસમાં ગાંધીનગર પોલીસે 2ની ધડપકડ કરી, 5 ફરાર
ઉલ્લેખનીય છે કે,ગાંધીનગરના દહેગામના જુના પહાડિયા ગામના અમુક લોકો એ આખા ગામનો સોદો કરી નાખ્યો હતો. આ લોકોએ ધ્વારા ગામ વેચી દેવાનું હોવાની ઘટના બાદ આજે ગાંધીનગર LCB- લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધડપકડ કરી છે. જ્યારે મુલસાણા ગામે પાંજરાપોળની 20 હજાર કરોડની કિંમતી જમીન ગેરકાયદે રીતે બિલ્ડરોને પધરાવી મસમોટુ જમીન કૌભાંડ આચરવામાં આવ્યુ છે. જેમાં ભાજપના મોટાગજાના નેતાઓથી માંડીને બિલ્ડરોની જગજાહેર મીલીભગત છે. મહત્ત્વની વાત એ છે કે, સમગ્ર જમીન કૌભાંડની તપાસ ચાલી રહી છે. ત્યારે પૂર્વ કલેક્ટર એસ.કે.લાંગા જેલમાં છે, બીજી તરફ આ જમીન પર બિલ્ડરો બેફામ રીતે બાંધકામ કરી રહ્યાં છે.