ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત બાદ દહેગામમાં માથાકૂટ, બે જૂથોએ મોડી રાતે સામ-સામે પથ્થરમારો કર્યો
Gandhinagar Stone Pelting: ભારતે રવિવારે (9 માર્ચ) ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને વિક્રમ સર્જ્યો હતો. આ દરમિયાન આખો દેશ જ્યારે જશ્ન મનાવી રહ્યો હતો, ત્યારે અમુક અસામાજિક તત્ત્વો પણ સક્રિય બન્યા હતાં. ગુજરાતના ગાંધીનગરના દહેગામમાંથી મોડી રાત્રે ઉજવણી દરમિયાન બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. જેમાં બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતાં અને 15 થી વધુ વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ ખેડૂતોને 'પાણીચોર' ગણાવતી સરકાર પોતે 'કામચોર', નર્મદાની 6000 કિ.મી. કેનાલનું કામ બાકી
શું હતી સમગ્ર ઘટના?
દહેગામના કસ્બા વિસ્તારમાં ભારતની ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન અમુક અગમ્ય કારણોસર બે જૂથો વચ્ચે બબાલ થઈ હતી. આ બબાલ બાદ એકાએક પથ્થરમારાની ઘટના બની હતી. બાદમાં અસામાજિક તત્ત્વો દ્વારા આસપાસ રહેલાં વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. જેમાં 15 થી વધુ વાહનોને ગંભીર રીતે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. સમગ્ર ઘટનામાં બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક ધોરણે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
આ પણ વાંચોઃ ગુજરાતના CMને એક જ સમાજને રાજી કરવામાં રસ...! દલિત, ક્ષત્રિય, કોળી, ઠાકોરનું શું વાંક?
સમગ્ર બાબતની પોલીસને જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર બાબતે પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.