ગાંધીનગર સિલિન્ડર બ્લાસ્ટ બનાવ: ફાયરમેનના પરિવારને રૂ.10 લાખની સહાય, પદાધિકારીઓએ કુલ રૂ.25 લાખથી વધુની કરી મદદ
Gandhinagar News : ગાંધીનગરના સેક્ટર 4માં બગીચા પાસે આવેલા સુલભ શૌચાલય નજીકના ઝુંપડામાં 11 એપ્રિલ, 2025ના રોજ આગ લાગી હતી. ઘટનાસ્થળે ફાયર વિભાગની ટીમ પહોંચીને આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. એટલામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ફાયરના મહાવીરસિંહ ચૌહાણ, રણજિત ઠાકોર, વિપુલ રબારી અને ભૂપેન્દ્ર પટેલ એમ ચાર જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમાં રણજિત ઠાકોર નામના જવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે આજે શુક્રવારે (25 એપ્રિલ, 2025) રણજિત ઠાકોરના બેસણાના દિવસે મહાનગરપાલિકાએ તેમના પરિવારને રૂ.10 લાખની આર્થિક સહાય જાહેરાત કરી છે.
રણજિત ઠાકોર પરિવારને કુલ રૂ.25 લાખથી વધુની સહાય
મળતી માહિતી મુજબ, ગાંધીનગરના સેક્ટર 4માં સિલિન્ડર બ્લાસ્ટ થવાથી ગંભીર રીતે ઘાયલ થવાના કારણે ફાયરમેન રણજિત ઠાકોરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે આજે શુક્રવારે રણજિત ઠાકોરના બેસણાના દિવસે મહાનગરપાલિકાએ તેમના પરિવારને રૂ.10 લાખની આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે. આ સાથે મેયર મીરાબહેન પટેલે વ્યક્તિગત રીતે રૂ.1 લાખની સહાય આપી કરી છે. જ્યારે ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગભાઈ વ્યાસે રૂ.51,000ની સહાય આપી છે.
આ ઉપરાંત, મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વૈચ્છિક રીતે રણજિત ઠાકોરના પરિવારને રૂ.6.65 લાખનું યોગદાન આપ્યું છે, ત્યારે કાઉન્સિલરો, અધિકારીઓ, પદાધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રૂ.25 લાખથી વધુની રકમ તુલસીપત્ર તરીકે આપી હતી.
આ પણ વાંચો: અમદાવાદથી ગાંધીનગર સચિવાલય સુધી મળશે મેટ્રો, રવિવારથી શરુ થશે આ સેવા
શું હતી સમગ્ર ઘટના?
ગાંધીનગરના સેક્ટર 4માં બગીચા પાસે આવેલા સુલભ શૌચાલય નજીકના ઝુંપડામાં 11 એપ્રિલ, 2025એ આગ લાગી હતી. આગની ઘટનાને લઈને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી અને ફાયર બ્રિગેડની ટીમ આગ બુઝાવવા ઝુંપડા તરફ ગઈ એટલામાં ગેસ સિલિન્ડર ફાટયો હતો. આ દુર્ઘટનામાં ધડાકાભેર ફાટેલા સિલિન્ડરને કારણે આગ બુઝાવવા ગયેલા ચાર ફાયર જવાનો દાઝ્યા હતા, જેથી તાત્કાલિક તેમને સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા. જ્યારે 18 એપ્રિલ, 2025ના રોજ ફાયર બ્રિગેડનો રણજિત ઠાકોરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.