BIG NEWS : રાજ્ય સરકારની જાહેરાત, વર્ષ 2005 પહેલાના કર્મીઓને મળશે OPSનો લાભ

Updated: Oct 6th, 2024


Google NewsGoogle News
BIG NEWS : રાજ્ય સરકારની જાહેરાત, વર્ષ 2005 પહેલાના કર્મીઓને મળશે OPSનો લાભ 1 - image


Gandhinagar Cabinet Meeting : આજે (6 ઓક્ટોબર 2024) ગાંધીનગર ખાતે સચિવાલયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મોટા નિર્ણયો લેવાયા છે. કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં જગદીશ વર્મા અને બચુ ખાબડ હાજર રહ્યા. જેમાં તેમણે કેબિનેટના મહત્ત્વના નિર્ણયોની જાહેરાત કરી છે. વર્ષ 2005 પહેલાં ફિક્સ પગારમાં ભરતી થયેલા રાજ્ય સરકારના કર્મચારીઓને જૂની પેન્શન યોજના (OPS)નો લાભ મળશે તેવી રાજ્ય સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. 60,254 કર્મચારીઓને સીધો લાભ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. આ સિવાય કર્મચારીઓને 7માં પગારપંચનો પણ હવે લાભ મળશે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે માહિતી આપી છે.

2005 પહેલાના કર્મચારીઓને મળશે OPSનો લાભ : ઋષિકેશ પટેલ

પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, આજે (રવિવાર) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગુજરાત સરકાર દ્વારા રાજ્ય સરકારના વિવિધ કર્મચારી મંડળોની રજૂઆતો સાંભળી હતી. 60,254 કર્મચારીને સીધો ફાયદો થાય તે માટે નિર્ણય લેવાયો છે. તારીખ 01-04-2005થી જેઓ નોકરી લાગ્યા હતા એમને પાંચ વર્ષનો લાભ ના મળતો હોવાનું લખ્યાં છતાં પણ આવા કર્મચારીઓની નિમણૂક થઈ હતી અને પાછળથી કાયમી થયા હતા તેમને  જૂની પેન્શન યોજના (OPS)નો લાભ આપવાનો નિર્ણય કર્યો છે. નિયમિત નિમણૂક થઈ ગઈ હોય કે નિમણૂક પ્રક્રિયા થઈ ગઈ હોય એને આ લાભ મળશે. આ કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે. તેમને ઉચક મુસાફરી ભથ્થું 7માં પગારપંચ પ્રમાણે આપવામાં આવશે. તાત્કાલિક અસરથી સ્વીકારવામાં આવેલ મુદ્દાઓથી સરકારને 200 કરોડ રૂપિયાનો બોજો પડશે. હવે જે બાકીના મુદ્દા બાકી રહી ગયા છે જે આગળ વધારે અભ્યાસ કરી, કમિટી બેસી ખૂબ ઝડપથી નિર્ણય લેવાની સૂચના આપવામાં આવી છે. ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આનું ભારણ કેટલું આવશે તે નક્કી નથી પણ એનો પરિપત્ર સરકાર જલ્દી કરશે. ફિક્સ પે મુદ્દે મંત્રીએ જણાવ્યું કે ફિક્સ પેનો કોર્ટમાં મુદ્દો છે, તેનો નિર્ણય આવ્યા બાદ સરકાર કાર્યવાહી કરશે.

આ પણ વાંચો : રસ્તાના અભાવે પ્રસૂતાનું મોત: હાઈકોર્ટની ફટકાર બાદ સરકારે છોટાઉદેપુરના તુરખેડા ગામનો રોડ કર્યો મંજૂર

કેબિનેટ બેઠકમાં નીચે મુજબની ચાર રજૂઆતોનો સૈધ્ધાંતિક સ્વીકાર કરાયો

  • ઉચક બદલી મુસાફરી ભથ્થું/વય નિવૃત્તિ સમયનું ઉચક મુસાફરી ભથ્થું સાતમા પગાર પંચ પ્રમાણે આપવું.
  • ચાર્જ એલાઉન્સ બેઝિક પગારના 5 કે 10 ટકા આપવામાં આવે છે, જે સાતમા પગાર પંચ મુજબ આપવું.
  • મુસાફરી અને દૈનિક ભથ્થાના દર સુધારવા.
  • વય નિવૃત્તિ-અવસાન ગ્રેજ્યુઇટીની રકમમાં વધારો કરવો.

મંત્રી મંડળની કેબિનેટ બેઠકમાં લેવાયા મહત્ત્વપૂર્ણ નિર્ણયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રી મંડળની કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારના હજારો કર્મચારીઓના હિતલક્ષી મહત્ત્વપૂર્ણનિર્ણય કરાયા છે. મંત્રી મંડળની બેઠક બાદ આ નિર્ણયો અંગે પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કર્મચારીઓના પ્રશ્નોનું સકારાત્મક નિરાકરણ આવે તે સંદર્ભે મંત્રી મંડળના સભ્યોની કમિટી રચવામાં આવી હતી. આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ, સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા અને પંચાયત રાજ્ય મંત્રી બચુ ખાબડની સમિતિએ કર્મચારી મંડળના હોદ્દેદારો સાથે મેરેથોન બેઠકો યોજી હતી, જેના પરિણામે આજે કર્મચારીઓના વિવિધ પ્રશ્નોનું આજે સુખદ સમાધાન આવ્યું અને આ મહત્ત્વના નિર્ણયો લેવાયા છે.

'ફિક્સ પગારમાં નિમણૂક મેળવનારા કર્મચારીઓને મળશે લાભ'

તેમણે જણાવ્યું હતું કે, તા. 01/04/2005 પહેલા ફિક્સ પગારમાં નિમણૂક મેળવનાર કર્મચારીઓની નિમણૂક હુકમની શરતો અનુસાર તેમની ફિક્સ પગારની સેવા, નિવૃત્તિ વિષયક લાભો તથા અન્ય લાભો માટે પાત્ર ગણાશે નહીં, તેવો ઉલ્લેખ હતો. જે તે કર્મચારીઓએ આ બાબતે લેખિતમાં બાહેંધરી પણ આપી હતી. તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા સહાનુભૂતિપૂર્વક કર્મચારી અને તેમના પરિવારજનોના હિતાર્થે આ લાભો રાજ્યના આવા 60 હજારથી વધુ કર્મચારીઓને આપવાનો સૈધ્ધાંતિક રીતે સ્વીકાર કરવામાં આવ્યો છે.

'અંદાજિત 60,245 જેટલા અધિકારી-કર્મચારીઓનો સમાવેશ'

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારમાં વિવિધ સંવર્ગના જે અધિકારી-કર્મચારીઓ નવી પેન્શન યોજનાના અમલની તારીખ 01/04/2005 પહેલા ફિક્સ પગારમાં નિમણૂક કરવામાં આવેલ હોય અને તેમની નિયમિત નિમણૂક તા. 01/04/2005 પછી થઇ હોય અથવા તા. 01/04/2005 પહેલા ભરતી પ્રક્રિયા પૂર્ણ થઇ ગઈ હોય પરંતુ વહીવટી કારણોસર તેમની નિમણૂક તા. 01/04/2005 પછીની હોય તેવા તમામને મળીને અંદાજીત 60,245 જેટલા અધિકારી-કર્મચારીઓને જૂની પેન્શન યોજના સ્વીકારવા માટે વન ટાઇમ વિકલ્પ આપવાની રજૂઆત વિવિધ કર્મચારી મંડળો દ્વારા કરવામાં આવી છે. જેનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો છે.

'ઉચક મુસાફરી ભથ્થું સાતમા પગાર પંચ પ્રમાણે મળશે'

આ સિવાય ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, કર્મચારી મંડળો દ્વારા ઉચક બદલી મુસાફરી ભથ્થુ તેમજ વય નિવૃત્તિ સમયનું ઉચ્ચક મુસાફરી ભથ્થુ સાતમાં પગાર પંચ પ્રમાણે અમલમાં લાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી. આ ઉપરાંત ચાર્જ એલાઉન્સ જે અત્યારે બેઝીક પગારના 5 કે 10 ટકા આપવામાં આવે છે, તેને 7માં પગાર પંચ મુજબ આપવામાં આવે, મુસાફરી ભથ્થુ અને દૈનિક ભથ્થાના દર સુધારવામાં આવે તેમજ વય નિવૃત્તિ અને અવસાન ગ્રેજ્યુઇટીની રકમમાં વધારો કરવાની બાબતોને લગતી રજૂઆતો રાજ્ય સરકારને મળી હતી.

આ પણ વાંચો : હવે ડાકોરમાં પણ ગુંજશે હરિહરનો સાદ, આવતીકાલથી દર્શનાર્થીઓને મળશે વિનામૂલ્યે ભોજન-પ્રસાદ

મહત્ત્વનું છે કે, ગાંધીનગરમાં રાજ્ય સરકારની મંત્રીમંડળની બેઠક દર બુધવારે યોજવામાં આવે છે. જોકે આ વખતે રવિવારે કેબિનેટ યોજાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારમાં પ્રથમવાર રવિવારે સચિવાલયમાં કોઈપણ એજન્ડા વગર કેબિનેટ બેઠક યોજવામાં આવતા રાજકીય અને વહીવટી તંત્રમાં ચર્ચા વ્યાપી છે. જોકે, આજની કેબિનેટ બેઠક મળે તે પહેલા ગઈકાલે અચાનક રાજ્ય કર્મચારી મહામંડળ-સંયુક્ત મોરચાના આગેવાનો સ્વર્ણિમ સંકુલ પહોંચ્યા હતા. જ્યારબાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા અને મુખ્ય સચિવ રાજકુમાર સામાન્ય વહીવટ, નાણાં સહિતના વિભાગોના સચિવો વચ્ચે દોઢ કલાક સુધી બેઠક ચાલી હતી.

આ બેઠક બાદ ઋષિકેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં વર્ષ 2005માં સરકાર નોકરીમાં જોડાયેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજના મુદ્દે લાભ મળશે તેવા સંકેતો આપ્યા હતા. આ સહિત 7માં પગારપંચના પડતર પ્રશ્નો અંગે પણ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવા અંગે વાત કરી હતી. જોકે, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં સરકારી કર્મચારીઓના સંગઠનના હોદ્દેદારો અને મંત્રીઓ પણ સચિવાલયમાં હાજર રહ્યાં હતા. 


Google NewsGoogle News