ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં ડીજે પાર્ટીમાં ભાવિ ડૉક્ટરો ઝૂમ્યા, દર્દીઓ થયા હેરાન-પરેશાન, વીડિયો વાયરલ થતાં શરુ થઈ તપાસ
Gandhinagar Civil Hospital DJ Party : મેડિકલ કૉલેજ કે હૉસ્પિટલમાં ધ્વની પ્રદૂષણ કરી શકાતું નથી કારણ કે તે સાયલન્ટ ઝોન હોય છે. સિવિલ હૉસ્પિટલમાં સ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકાયેલો છે. ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ગુજરાત મેડિકલ ઍન્ડ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી સંચાલિત (GERMS) સિવિલ હૉસ્પિટલના કેમ્પસમાં આવેલા ઓડિટોરિયમ નજીક મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓ દ્વારા કલ્ચરલ ઇવેન્ટ યોજાઈ હતી. જેમાં મેડિકલના વિદ્યાર્થીઓએ ડીજે પાર્ટી કરી હતી.
ગાંધીનગર સિવિલ હૉસ્પિટલના કેમ્પસમાં ડીજે પાર્ટી યોજાતાં હૉસ્પિટલ તંત્ર આખું વિવાદમાં આવ્યું છે. તો મેડિકલ વિદ્યાર્થીઓની ડીજે પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તપાસનો ધમધમાટ શરુ થયો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર ઘટનાના તપાસના આદેશ અપાયા છે. રિપોર્ટના આધારે પગલાં લેવામાં આવશે.
વીડિયો વાયરલ થયા બાદ લેવાયા પગલાં
સિવિલમાં ડીજે પાર્ટીનો વીડિયો વાયરલ થયા બાદ મોટી કાર્યવાહીના સમાચાર મળી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગાંધીનગર સિવિલ હૉસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ નિયતી લાખાણી પાસેથી રાજીનામું લઈ લેવાયું છે. જ્યારે હૉસ્પિટલના ડીન શોભના ગુપ્તાને સસ્પેન્ડ કરી દેવાયા હોવાની માહિતી મળી રહી છે. જણાવી દઈએ કે, મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓ દ્વારા જ હૉસ્પિટલના દર્દીઓને સારવાર અપાતી હોય છે. પરંતુ આ જ વિદ્યાર્થીઓ મનમાની માટે ડીજે પાર્ટી કરતાં હોવાનું સામે આવ્યું છે.
ગાંધીનગર સિવિલ હૉસ્પિટલના કેમ્પસમાં DJ પાર્ટીનું આયોજનમેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓએ કલ્ચર ઇવેન્ટના નામે નિયમો નેવે મુક્યા #Gandhinagarnews #gandhinagarcivilhospital @gandhinagarcity @sanghaviharsh @dgpgujarat pic.twitter.com/2D4HQefQ94— news (@v181989) September 24, 2024
હૉસ્પિટલમાં દાખલ દર્દીઓ હેરાન થયા
સિવિલ હૉસ્પિટલ કેમ્પસમાં સ્પીકર વગાડવાની મંજૂરી આપવામાં આવેલ ન હોવા છતાં મેડિકલ કૉલેજમાં કલ્ચરલ ઇવેન્ટમાં ડીજે પાર્ટી યોજવામાં આવી હતી. જેને લઈને સિવિલ હૉસ્પિટલ કેમ્પસમાં નિયમનો ભંગ થયો છે. જે અંગે સિવિલ હૉસ્પિટલ અને મેડિકલ કૉલેજના કર્મચારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. જ્યારે બીજી તરફ રાત્રિના સમયે મોટા અવાજમાં ડીજે પાર્ટીનું આયોજન થતાં હૉસ્પિટલમાં દાખલ દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.