ગાંધીનગરમાં મેટ્રોની કામગીરીના લીધે મુખ્ય રોડ ત્રણ મહિના માટે રહેશે બંધ, જાણી લો વૈકલ્પિક રૂટ
Image:X |
Gandhinagar News: ગાંધીનગરમાં હાલ મેટ્રો અને અંડરપાસ સહિત ગટરલાઇન-પાણીની લાઇનના કામ ચાલતા હોવાને કારણે ગમે ત્યારે ગમે તે માર્ગ બંધ કરી દેવામાં આવે છે. જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. હાલ સેક્ટર 21-22 ખાતે ચ રોડ ખાતે અંડરપાસ બનવાનો હોવાથી મહત્ત્વનો ચ માર્ગ બંધ કરી દેવાયો છે. ત્યારે હવે ચ-5થી ઘ-5 સર્કલ સુધીનો એક તરફનો માર્ગ ત્રણ મહિના માટે મેટ્રોના કારણે બંધ કરવામાં આવશે.
પ્રતિબંધિત રૂટ
ગાંધીનગર જિલ્લા મેજિસ્ટ્રેટ દિગંત બ્રહ્મભટ્ટે આ વિશે જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ મેટ્રો પ્રોજેક્ટ ફેઝ-2ની કામગીરી માટે ચ-5 સર્કલથી ઘ-5 સર્કલ ખાતે (P17/02 થી P17/33) સુધી રેલિંગની કામગીરીના કારણે 3 મહિના સુધીના સમયગાળા માટે બંધ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ વિદ્યાર્થિની-વિધવાઓને ટિકિટમાં રાહત, નવા બસ ટર્મિનસ...: AMTSના બજેટમાં વચનોની લહાણી
ડાયવર્ઝન રૂટ
- જાહેરનામાં અનુસાર મુસાફરો માટે ડાયવર્ઝન રૂટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં રોડ નંબર-5 ઉપર સેક્ટર 17/22 કટથી ચ-5 તરફ જતાં રોડ ઉપર મેટ્રો રેલવેનું કામ થતું હોવાથી એક તરફનો રોડ બંધ કરવામાં આવ્યો છે. જેથી, ઘ-5 સર્કલથી રોડ નંબર-5 (ચ-5) તરફ જવા માટે સેક્ટર 17/22 કટથી જમણી બાજુ વળી સામે બનાવેલા રોડ ઉપર સિંગલ લાઇનમાં જઈ ચ-5 તરફ જઈ શકાશે.
- સેક્ટર-17/22 કટથી ચ-5 સર્કલ સુધીનું કામ પૂર્ણ થયા પછી ચ-5 સર્કલથી સેક્ટર-17/22ના કટ સુધી જતાં રોડ ઉપર મેટ્રો રેલવેનું કામ શરુ છે. જેથી સેક્ટર-17/22થી ચ-5 સર્કલ સુધી એક તરફનો રોડ બંધ કરવામાં આવ્યો હોવાથી સદર જગ્યાએ ચ-5 સર્કલથી સામે બનાવેલા રોડ ઉપર સિંગલ લાઇનમાં જઈ સેક્ટર-17/22 કટથી ડાબી બાજુ વળી ઘ-5 સર્કલ તરફ જઈ શકાશે.
- ચ-5 સર્કલથી સેક્ટર-17/22 કટ સુધીનું કામ પૂર્ણ થયા બાદ સેક્ટર-17/22 કટથી ઘ-5 સર્કલ સુધી મેટ્રો રેલવેનું કામ કરવામાં આવશે. જેથી સેક્ટર-17/22 કટથી ઘ-5 સર્કલ તરફ એક તરફનો રોડ બંધ કરવામાં આવતો હોવાથી ચ-5 સર્કલ તરફથી આવતાં વાહનો સેક્ટર-17/22 કટથી સામે બનાવેલા રોડ ઉપર સિંગલ લાઇનમાં જઈ ઘ-5 સર્કલ તરફ જઈ શકશે.
- સેક્ટર-17/22 કટથી ઘ-5 સુધીનું કામ પૂર્ણ થયા બાદ ઘ-5 સર્કલથી સેક્ટર-17/22 કટ સુધીનું મેટ્રો રેલવેનું કામ કરવામાં આવશે. પરંતુ, ત્યાં રોડ ઉપર શોપિંગમોલ તથા દવાખાના, તેમજ બૅન્ક આવેલી હોવાથી રાતના સમયે કામ કરવામાં આવશે અને ઘ-5 સર્કલથી સેક્ટર-17/22 કટ સુધી રાત્રિ દરમિયાન એક સાઇડનો રોડ બંધ કરવામાં આવશે. જેથી ઘ-5 સર્કલથી સામે બનાવેલા રોડ ઉપર સિંગલ લાઇનમાં જઈ સેક્ટર-17/22 કટથી ચ-5 સર્કલ જઈ શકશે. આ રોડ ઉપર શોપિંગ મોલ, દવાખાના, બૅન્ક વગેરે હોવાના કારણે ટ્રાફિક માર્શલ રાખવામાં આવશે. જેથી રોડ ઉપર કોઈપણ વાહન પાર્ક ન થાય અને ટ્રાફિક જામની સમસ્યા ન ઉદ્ભવે તેની પણ તકેદારી રાખવામાં આવશે.