ગાંધીનગર 45, અમરેલી, સુ.નગર, વડોદરા અમદાવાદ,ભાવનગર શહેરોમાં 44 સે.પાર
ચૂલેથી ઉતારેલી તાવડી જેવી ધગધગતી ગુજરાતની ધરતી : જૂનાગઢ 43.5 રાજકોટ 43 સાથે સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં ગરમીનો પ્રકોપ : હળવદ રણકાંઠામાં 45 સે. તાપમાને લોકો- અગરિયા ત્રાહિમામ પોકારી ગયા
રાજકોટ, : ગુજરાતમાં તાપમાનનો પારો સતત ઉપર ચડવા લાગ્યો છે અને ડામરરોડ અને સીમેન્ટ રોડ જાણે આગ પ્રગટાવેલા ચૂલા પરથી ઉતારેલી તાવડી હોય તેમ ધગધગી ઉઠયા હતા. મૌસમ વિભાગ અનુસાર સૌથી વધુ તાપમાન ગાંધીનગરમાં 45 સે. તથા અમદાવાદ, વલ્લભવિદ્યાનગર, વડોદરા, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગરમાં તાપમાન 44થી 45 સે. રહ્યું હતું જ્યારે રાજકોટ સહિતના સ્થળોએ પણ 43થી 44 સે.વચ્ચે સમગ્ર સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં અસહ્ય અગનવર્ષાનો અહેસાસ થયો હતો.
રાજ્યમાં અસહ્ય તાપથી બચવા લોકોએ બપોરથી સાંજ સુધીના સમયમાં એ.સી.ઓફિસોમાં કે ઘરોમાં પૂરાઈ રહેવાનું પસંદ કર્યું હતું અને રાજમાગો પર કુદરતી સંચારબંધી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. પેટ સંબંધી રોગોથી માંડીને ચક્કર,બ્લડપ્રેસર, ત્વચાના રોગો વધ્યા છે. તબીબોએ,તંત્રોએ લોકોને ભારે તડકાંના સમયમાં બહાર નીકળવાનું ટાળવા અને મહત્તમ પાણી પીવા અપીલ કરી છે.
ગીરનાર પર્વતમાળા વચ્ચે આવેલા જુનાગઢમાં આજે સિવિયર હીટવેવ ફરી વળ્યો હતો જ્યાં પારો 43.5 સે.એ પહોંચી ગયો હતો અને લોકોએ આભમાંથી અગનવર્ષા થતી હોવાનો અહેસાસ કર્યો હતો. સુરેન્દ્રનગર,ભાવનગર, પોરબંદર, બનાસકાંઠા, આણંદ, સુરત અને વલસાડ જિલ્લામાં નોર્મલી હોય તેનાથી વધુ તાપમાન સાથે હીટવેવ ફરી વળેલ છે.
હળવદના રણકાંઠા વિસ્તારમાં ૪૫ સે.તાપમાને ગરમીએ હાહાકાર મચાવ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી આગ ઝરતી ગરમીમાં કામ કરતા મીઠાના અગરિયાઓની હાલત અત્યંત કફોડી બની ગઈ હતી અને સમગ્ર પંથકમાં જનજીવનને વ્યાપક માઠી અસર પહોંચી હતી. અમરેલીમાં આજે પણ 44.6 સે.તાપમાને શરીર દઝાડતો તાપ વરસ્યો હતો. લોકો ગરમીથી બચવા છાંયડો શોધતા હતા અને ઠંડા પીણાનો સહારો લેતા હતા.
આશ્ચર્યની વાત એ છે કે રણપ્રદેશથી ઘેરાયેલા કચ્છ કરતા પણ ગુજરાતના અમદાવાદ,રાજકોટ,વડોદરા, ભાવનગર જેવા સીમેન્ટ કોંક્રિટના જંગલો બની રહેલા મહાનગરોમાં વધુ તાપમાન નોંધાય છે. આજે ભૂજમાં મહત્તમ 41.2, કંડલા એરપોર્ટ પર 42.5 સે. તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં સૌથી ઓછુ તાપમાન આજે દ્વારકામાં 32.1 અને સોમનાથ વેરાવળમાં 33.2 સે. નોંધાયું હતું. અનેય મહુવા,ભાવનગર, સુરત સહિત દરિયાકાંઠા આવેલા સ્થળોએ પારો ઉંચો રહ્યો હતો.