ગાંધીધામ : બે ટ્રાન્સપોર્ટરનાં કન્ટેનર અને ટ્રેઈલરનું 31 લાખ ભાડું ન ચૂકવી ઠગાઇ
રાજકોટની કંપની અને શખ્સ વિરુદ્ધ બે અલગ અલગ ગુનો નોંધાયો
ગાંધીધામનાં શક્તિનગરમાં રહેતા ધીરજ સત્યપાલ શર્માએ ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, રાજકોટ રહેતા આરોપી યોગેન્દ્ર માલુ અને રાજ એન્ડ કંપનીના માલિકને ફરિયાદીએ ગત ૧૨ માર્ચ ૨૦૨૨ થી ૨૮ એપ્રિલ ૨૦૨૨ દરમિયાન પોતાની કંપની આઈ.એચ એ લોજીસ્ટીકમનાં ૪૭ કન્ટેનર ભાડા પર દીધા હતા.જેમાં ૪૭ પૈકી ૧૫ કન્ટેનરના ભાડા પેટે બાકી નિકળતા રૂ. ૨૪,૪૪,૯૧૫ આરોપી યોગેન્દ્ર માલુ અને રાજ એન્ડ કંપનીના માલિકે ફરિયાદીની કંપનીને ચૂકવ્યા ન હતા. જેમાં ફરિયાદીએ બે આરોપી સાથે ફોન પર અવાર નવાર સંપર્ક કરી અને પોતાની કંપનીનાં બાકી નીકળતા રૂપિયા ચૂકવી આપવાનું જણાવ્યા છતાં બે આરોપીઓએ ફરિયાદીની કંપનીનાં કન્ટેનરનાં ભાડા ન ચૂકવી ફરિયાદીની કંપની સાથે વિશ્વાસઘાત કર્યો હતો. જેથી ફરિયાદીએ તેમના વિરુદ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તો બીજી બાજુ ગાંધીધામનાં વોર્ડ ૧૦એ માં રહેતા રામકૃષ્ણ રસીકલાલ ઠક્કરે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીની ગાંધીધામનાં સુભાષનગરમાં આવેલી ઓમ સી ટ્રાન્સ નામની ટ્રાન્સપોર્ટ કંપનીસે રાજકોટનાં યોગેન્દ્ર માલુ અને રાજ એન્ડ કંપનીનાં માલિકને પોતાની ટ્રાન્સપોર્ટનાં ૩૨ ટ્રેઈલર ગત ૧૧ માર્ચ ૨૦૨૨ થી ૨ એપ્રિલ ૨૦૨૨ દરમિયાન ભાડા પર આપ્યા હતા. જેમાં ફરિયાદીનાં ટ્રેઈલરનું અલગ અલગ તારીખનાં પોતાના ટ્રેઈલરનાં ભાડા પેટે કુલ રૂ. ૬,૮૬,૪૦૦નું બીલ યોગેન્દ્ર માલુ અને રાજ એન્ડ કંપનીને આપ્યું હતુ. જેમાં બે આરોપીઓ ફરિયાદીનાં કંપનીનું બીલ આજ દિવસ સુધી આપ્યું ન હતુ અને ફરિયાદીની કંપની સાથે ઠગાઇ આચરી હતી. જેથી ફરિયાદીએ બે આરોપી વિરુદ્ધ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.