ગાંધીધામઃ મહિના અગાઉ ચોરાયેલા 6.64 લાખના સોનાના દાગીના કબજે
મચ્છુનગરના બંધ મકાનમાંથી ચોરી કરનાર ખારીરોહરનાં શખ્સને સીસીટીવીના આધારે ઝડપી પોલીસે દાગીના પરત અપાવ્યાં
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીધામનાં મચ્છુનગર વિસ્તારમાં આવેલા બંધ મકાનમાં કોઈ અજાણ્યા ઈસમો મેઈન દરવાજાનું તાળું તોડી ઘરમાં કબાટની તિજોરીનું લોક તોડી તેમાં રાખેલા રૂપિયા ૬.૬૪ લાખની કિંમતનાં સોના - ચાંદીના દાગીના ચોરી કરી લઇ ગયા હતા. જેમાં ફરિયાદીએ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. જે બનાવમાં પોલીસે ગુનો નોંધી મચ્છુનગર વિસ્તારમાં આવેલા અલગ અલગ સીસીટીવી કેમેરા ચકાસી ચોરી કરનાર શખ્સની ઓળખ કરી ચોરી કરનાર ૩૩ વર્ષીય આરોપી યુનુસ ઉર્ફે મોન્ટી કાસમ નિગામણા (રહે. ખારીરોહર ગાંધીધામ)ને કંડલા વિસ્તારમાંથી ઝડપી પાડયો હતો. જેમાં પોલીસે પકડાયેલા શખ્સનાં ખારીરોહર ખાતે તપાસ કરતા તેના ઘરમાંથી ચોરી કરેલા સોના - ચાંદીનાં દાગીના મળી આવ્યા હતા. જેથી પોલીસે ચોરી કરેલા તમામ સોના - ચાંદીનાં દાગીના કબ્જે કરી ચોરીનાં ગુનાનો ભેદ ઉકેલી લીધો હતો. ગાંધીધામ કોર્ટનાં હુકમ બાદ તેરા તુજકો અર્પણ અભિગમ અંતર્ગત ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ચોરીમાં ગયેલા તમામ સોના - ચાંદીનાં દાગીના મૂળ માલિક ફરિયાદીને પરત સોંપવામાં આવ્યા હતા.