ગાંધીધામ : કાર્ગો ઝુંપડામાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો
એલોપેથીક દવાઓ અને મેડિકલ સાધનો સહીત કુલ ૨.૦૩ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયા
પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ કચ્છ એસ. ઓ. જી ની ટીમને બાતમી મળી હતી કે, ગાંધીધામનાં કાર્ગો પી. એસ. એલ ઝુંપડામાં મૂળ મધ્યપ્રદેશનો હાલે અંજારનાં વરસામેડી રહેતો સતિષ પૂર્ણમાસીપ્રસાદ સહાની દુકાન ભાડે રાખી તેમાં એલોપેથીક દવાઓ અને મેડિકલ સાધનો વડે કોઈ પણ ડોક્ટરની ડિગ્રી વગર લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો છે. જે બાતમી આધારે પોલીસે કાર્ગો પી. એસ.એલ વિસ્તારમાં દરોડો પાડી કોઈ પણ પ્રકારની ડોક્ટરની ડિગ્રી વગર કે પ્રેક્ટિસ કર્યા વગર ભાડાની દુકાનમાં ગેરકાયદે દવાખાનું ચાલાવતા આરોપી સતીશ સહાનીને ઝડપી પાડયો હતો. જેમાં પોલીસે આરોપીની કબ્જાની દુકાનમાંથી એલોપેથીક દવાઓ અને મેડિકલ સાધનો જેની કુલ કિંમત રૂ. ૨,૦૩,૫૩૨નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. તો બીજી તરફ આ કાર્ગો વિસ્તારમાં બોગસ ડોકટરોનો રાફડો ફાટયો છે. જેમાં છેલ્લા એક મહિનામાં પોલીસે કાર્યવાહી કરી ૩ થી ૪ બોગસ ડોક્ટરને ઝડપી પણ પાડયા છે. છતાં અમુક મોટા માથાનાં આશીર્વાદથી ચાલતી બોગસ ક્લિનિકો પર પોલીસનાં હાથ પહોંચતા ન હોવાની ચર્ચા આ વિસ્તારમાં ચર્ચાઈ રહી છે.