ગાંધીધામમાં યુવાનને ઓનલાઈન વેપારમાં નફાની લાલચ આપી 22.68 લાખની ઠગાઈ
અજાણ્યા મોબાઈલ નંબર ધારકે એપ્લીકેશન ડાઉનલોડ કરાવી છેતરપિંડી કરી
ગાંધીધામના સેકટર- ૭માં રહેતા અને પ્રાઇવેટ નોકરી કરતા લક્ષ્મણ ગાભાભાઈ ગચાએ ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીને ગત ૨૯ નવેમ્બર ૨૦૨૪નાં તેમનાં મોબાઈલ પર એક અજાણ્યા વોટસેએપ નંબર પરથી સ્વર્ણા રાજેશ નામની મહિલાએ મેસેજ કરી હેલ્જબર્ગ ડાયમંડ નામની એપ્લીકેશન પર ઘર બેઠા રૂપિયા કમાવવાની લાલચ આપી હતી. જેમાં અજાણી મહિલાએ ફરિયાદીને ડાયમંડ જવેલરીના ટેન્ડરમાં વેચાણ કરવા અને એપ્લીકેશનમાં પ્રોફિટ અપાવવાની લાલચ આપી ફરિયાદીને વિશ્વાસમાં લઇ તેના પાસે મોબાઈલમાં એપ ડાઉનલોડ કરાવી તેમાં ફરિયાદીનાં નામનું રજીસ્ટ્રેશન કરાવી અને ફરિયાદીને એપમાં બાય અને ડિપોઝીટનું ટ્રેડિંગ કરતા શીખવાડી તેમાં વધુ રૂપિયા કમાવવાની લાલચ આપી હતી. જેમાં ફરિયાદીએ પ્રથમ એક હજાર રૂપિયા નાખી ટ્રેડિંગ ચાલું કરતા ફરિયાદીને પ્રથમ ૮ હજાર રૂપિયાનું નફો મળ્યો હતો. જેથી ફરિયાદી લાલચમાં આવી અને એક અજાણ્યા નંબર પરથી આવેલા દિલ્હીનાં શખ્સે ફરિયાદીને જણાવ્યા મુજબ ફરિયાદીએ એપમાં બતાડેલા અલગ અલગ ખાતામાં પોતાના કુલ રૂ. ૨૩,૦૮,૪૧૦ જમા કરાવી દીધા હતા. રૂપિયા જમા કરાવ્યા બાદ એપ માંથી કુલ રૂ. ૩૯,૫૮૭ રૂપિયા વિડ્રોલ થયા હતા જ્યારે બાકીનાં કુલ રૂ. ૨૨,૬૮,૮૨૩ વિડ્રોલ થયા ન હતા અને મોબાઈલમાં એપ્લિકેશન બંધ થઇ ગઈ હતી. જેથી ફરિયાદીએ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી.