Gandhi jayanti 2023 : દાદાનું છીનવાયેલું મકાન પિતાને મળ્યું, ને તેમાં ગાંધીજીનો જન્મ થયો

પોરબંદર સ્થિત બાપુનાં જન્મસ્થાનનો ભૂતકાળ પણ અજબગજબ

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
Gandhi jayanti 2023 : દાદાનું છીનવાયેલું મકાન પિતાને મળ્યું, ને તેમાં ગાંધીજીનો જન્મ થયો 1 - image


Gandhi jayanti 2023 : દુનિયામાં બહુ ઓછા વ્યક્તિઓ એવા થયા છે કે જેની નોંધ સમગ્ર જગતના લેખકો, રાજપુરુષોએ લીધી હોય એવા મહાત્મા ગાંધીજીની આજના એમના જન્મદિને એમના પૂર્વજોની નીડરતા અને નમક હલાલીની વાતો કરવી છે. બહુ ઓછા લોકો જાણે છે કે ગાંધીજીના પૂર્વજોનું મૂળ વતન કુતિયાણા હતું એ નાતે જ શામળદાસ ગાંધી જે ગાંધીજીના સગાભાઈ લક્ષ્મીચંદ ગાંધીના દીકરા હતા તેમને જૂનાગઢ રાજ્યના સ્વીકારી આરઝી હકૂમતના વડા બનાવવામાં આવ્યા હતા. ગાંધી કુળની આઠ જેટલી પેઢીના વ્યક્તિઓએ પોરબંદર રાજ્યમાં ફરજ બજાવી હતી, જેમાં લાલજી ગાંધી કુતિયાણાના ખોખર તથા અમરના સરવાણીના કામદાર તરીકે નોકરીમાં રહેલા જ્યાં લીમડા ચોકમાં તેમનું મકાન હતું જ્યાં તેમના કુળદેવી પણ હતા એવું કહેવાય છે. 

ગાંધી પરિવારમાં ઓતમચંદ ગાંધી કોણ હતા ?

ગાંધી પરિવારમાં ઓતમચંદ ગાંધી એવા નીડર અને રાજ્યને વફાદાર પુરુષ નીવડેલા કે જેની નોંધ ઇતિહાસને સુવર્ણપાને કોતરાઈ ગઈ છે. ઓતમચંદ હરજીવન ગાંધીએ પોરબંદરના મહારાણા ખીમાજીના દીવાન નિમાયેલા અને રાજ્યને કરજમાંથી બહાર કાઢેલ, રાજ્ય ગીરો મુકાઈ ગયેલ તેમાંથી છૂટું કરાવેલ. પરંતુ ઓતમચંદ ગાંધી અને મહારાણી રૂપાળીબાને ખીમા કોઠારીને દેહાંતદંડ કરવાની વાત માંથી વાંધો પડતા મહારાણીએ ઓતમચંદ ગાંધીના મકાન સીલ કરાવ્યા ત્યારે રાજ્ય છોડી ઓતમચંદ કુતિયાણા આવતા રહેલા. આ વાતની સમગ્ર કાઠિયાવાડને ખબર પડી ત્યારે જૂનાગઢના નવાબને થયું આવો બુદ્ધિશાળી દીવાન ગોત્યે જડે નહી તો બોલાવો એને જૂનાગઢના રાજ દરબારમાં અને માનપાન આપી તેમની સેવા લઈએ.

ઓતમચંદ ગાંધી તો જૂનાગઢની કચેરીમાં આવ્યા અને નવાબને ડાબા હાથે સલામ ભરી ત્યાં તો તરત જ રાજ દરબારીઓએ કહ્યું આમ કેમ ? નવાબે પૂછ્યું કે તમે આમ કેમ કર્યું ? ત્યારે આ લુણરખા માણસે કહેલું કે જે રાજ્ય સાથે વાંધો પડતા હું ભલે નીકળી ગયેલ પણ જે જમણા હાથે મહારાણાને   એકવાર સલામ કરી હોય તે હાથે હવે બીજાને સલામ કરાઈ નહીં આથી આપને ડાબા હાથે સલામ ભરી છે. નવાબને થયું આનું ભાગ્ય હજુ ઉઘડ્યું નથી તો દીવાન નહિ કુતિયાણાના વહીવટદાર બનાવી દયો. જેના દીકરા એટલે કે કરમચંદ ગાંધી જેણે જૂનાગઢમાં સવંત 1903 સુધી જામદારખાનામાં નોકરી કરી હતી. રૂપાળીબાના સમયમાં ઓતમચંદને વાંધો પડેલ પણ પછીથી કરમચંદ ગાંધીને રાણા વિકમાતજીએ બોલાવી એનું મકાન પરત આપી જોઈન્ટ કારભારી બનાવેલા, જે મકાનમાં ગાંધીજી તા.2/10/1869ના રોજ જન્મ્યા. એ મકાનનો આવો ઇતિહાસ છે.પછીથી કરમચંદ ગાંધી પોરબંદરના દીવાન બનેલા પણ ભોજરાજજી ઉર્ફે વિક્માતજીએ યુવરાજ માધવસિંહજીને કુછંદે ચડાવનાર હજૂરી લક્ષ્મણ ખવાસના નાક કાન કપાવી નાખતા કરમચંદનું મન પોરબંદર ઉપરથી ઉતરી ગયું અને તેઓ રાજકોટ જતા રહેલા.

કરમચંદ ગાંધી વિષેની વાતો 

કરમચંદ ગાંધી રૂપિયા 300ના પગારે બાવાજીરાજના સમયમાં રાજકોટના દીવાન બન્યા. કરમચંદ ગાંધીની આવડત નેકટેકી પ્રમાણિકતાને જોઈ વાંકાનેરના રાજસાહેબ બનેસિંહજીએ તેમને રાજકોટ રાજ્ય પાસેથી પોતાના દીવાન તરીકે માંગી લીધા. બાવાજીરાજ કહે સાવ નહીં આપું તમારું ગાડું પાટે ચડાવી દે એ માટે ત્રણ વર્ષ આપું છું પણ અમારા દીવાન હોવાનો હક્ક ચાલુ રાખું છું.

  Gandhi jayanti 2023 : દાદાનું છીનવાયેલું મકાન પિતાને મળ્યું, ને તેમાં ગાંધીજીનો જન્મ થયો 2 - image

આવા રાજભક્ત ગાંધીજીના પૂર્વજો....

આથી કરમચંદ ગાંધી વાંકાનેર દીવાન તરીકે ગયા તો ખરા પણ કેટલીક શરતો રાજ્ય પાસે મૂકી જો તે નહીં પાળો તો હું તરત જ નોકરી છોડી દઈશ અને રાજ્યે મને ત્રણ વર્ષનો પગાર આપવો પડશે રાજ્ય કહે કબુલ છે. કરમચંદ ગાંધી વાંકાનેર આવ્યા અને 11 મહિનામાં જણસી હરરાજ કરવાના પ્રસંગમાંથી રાજય સાથે વાંધો પડતા તે ત્યાંથી તરત જ દીવાનપદ છોડી દેવાનું જાહેર કર્યું. ત્યારે વાંકાનેર રાજયે તો શિગરામ બાંધીને ત્રણ વર્ષના પગારની કોથળીઓ ભરી શિગરામના નીચેના ખાનામાં મૂકાવી દીધી, જેમાં એક કોથળી   શિગરામમાં અંદર ગાદીની નીચે મૂકાવેલી. કરમચંદ બેઠા તો નોકર પરશોતમને પૂછ્યું. આ શું ગાદી નીચે લાગે છે જે નીચે મૂક્યું છે. પરશોતમએ કહ્યું આપનો ત્રણ વર્ષનો પગાર બનેસિંહજી આપ્યો છે. તરત જ કરમચંદે કોથળીઓ શિગરામમાંથી બહાર કઢાવી કે આપણે હરામનો પગાર ન લેવાય. રાજસાહેબે કહ્યું ખુશીથી આપું છું લઈ લ્યો મારા જેવો વગર માંગ્યે દેનાર નહીં મળે, ત્યારે આ નીડર વણીકે સામો જવાબ વાળેલો કે આપના જેવા રાજા મહારાજા તો પરમ પરમાત્માએ આપ્યુ હોય એટલે દેનારા મળી રહે, પણ મારા જેવો મિસ્કીન તાબેદાર કોઈ વાર જ મળશે.   કરમચંદ ગાંધીએ રાજકોટ આવી રાજકોટ રાજ્યની દીવાનગીરી પાછી સંભાળેલી. આ કુળે શાસકોને પણ વટથી ખુમારીથી સાચી વાતો જણાવી, નહીં કે ખુશામતીથી પોતાનું પદ જાળવવું. આવા રાજભક્ત ગાંધીજીના પૂર્વજો હતા.



Google NewsGoogle News