ભરૃચમાં જેટકોના ખોદકામમાં ગેસ લીકેજથી શાળાના વિદ્યાર્થીઓમાં ગભરાટ
પાઇપલાઇનમાં ભંગાણ બાદ ગેસ ચાલુ સ્કૂલમાં ફેલાતા વિદ્યાર્થીઓને રજા આપી દેવી પડી
ભરૃચ તા.૧૯ ભરૃચના મક્તમપુર વિસ્તારમાં જેટકો દ્વારા ખોદકામ દરમિયાન ગેસ લીકેજ થતા માત્ર ૧૦ મીટરની હદમાં આવેલી સ્કૂલના આશરે ૭૦૦ વિદ્યાર્થીઓને ગેસની દુર્ગધથી શાળા સંચાલકો ખુલ્લા મેદાનમાં લઇ ગયા બાદ રજા આપી દેતા તમામના માથે જીવનું જોખમ ટળ્યું હતું.
ભરૃચના પૂર્વ વિસ્તારમાં મક્તમપુર પાટિયાથી યુનિવર્સલ સ્કૂલ સુધી આરસીસી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે જે રોડ વાહન વ્યવહાર માટે બંધ છે અને એક જ રસ્તો ચાલુ છે. આ રસ્તા પર જેટકો કંપનીનું કામ ચાલું હતું અને જેસીબીથી ખોદકામ સમયે ગુજરાત ગેસની લાઇનમાં મોટું ભંગાણ થતાં ગેસ પવનમાં પ્રસરી માત્ર ૧૦ મીટર દૂર આવેલી યુનિવર્સલ એક્સપરિમેન્ટલ સ્કૂલમાં જતાં વિદ્યાર્થીઓને ગેસની અસર શરૃ થઇ ગઇ હતી.
શાળામાં શિક્ષણ કાર્ય શરૃ હતું ત્યારે જ ગંભીર ઘટના બનતા સંચાલકો અને શિક્ષકો ૭૦૦ જેટલા વિદ્યાર્થીઓને તાત્કાલિક સ્કૂલની પાછળ આવેલા ખુલ્લા મેદાનમાં લઇ ગયા હતાં. જો કે ગેસની અસર ઓછી નહી થતાં આખરે તમામ વિદ્યાર્થિઓને શાળામાંથી રજા આપી દેવામાં આવી હતી.
આ અંગે શાળાના આચાર્ય મુસ્તાક મલેકે જણાવ્યું હતું કે કોઇપણ પ્રકારની સેફ્ટી વગર કામ થતું હતું જેસીબીવાળાએ ગેસ લાઇનમાં ભંગાણ કર્યું છતાં પણ શાળાને જાણ કરી ન હતી અને વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મૂક્યા હતાં.