Get The App

ગઢડાના ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાળુઓની હોડી પલટી, બચાવવા ગયેલા વ્યક્તિનું મૃત્યુ

Updated: Sep 2nd, 2024


Google NewsGoogle News
ગઢડાના ત્રિવેણી સંગમમાં શ્રદ્ધાળુઓની હોડી પલટી, બચાવવા ગયેલા વ્યક્તિનું મૃત્યુ 1 - image


Accident: ગઢડા તાલુકાના અલૌકિક ત્રિવેણી સંગમ પાર કરીને મહાદેવના દર્શનાર્થે ગયેલા વ્યક્તિની હોડી પલટી જતાં અફરાતફરી સર્જાઈ હતી. જેમાં બચાવવા માટે ગયેલાં 58 વર્ષના વ્યક્તિનું મોત નીપજ્યું હતું.

ગઢડા તાલુકાના ચોસલા, અનિડા, માંડવા, ખીજડીયા અને ગઢાળઈ ગામ ફરતે અલૌકિક ત્રિવેણી સંગમ રચાય છે. અહીં કાળુભાર, સીતાપરી અને રસનાળી એમ ત્રણ નદીઓના સંગમ કાંઠે પુરાતન બેલનાથ મહાદેવનું મંદિર આવેલું છે. અહીં શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શન માટે જતા હોય છે. આ મંદિર નદીની વચ્ચોવચ આવેલું હોવાથી ગ્રામજનો દ્વારા નાની હોડીની વ્યવસ્થા કરવામાં આવી છે. આ દરમિયાન અકસ્માતે હોડી ડૂબી જતાં સામાકાંઠે ઊભા વ્યક્તિઓને બચાવવા માટે નદીમાં ઝંપલાવતા પરગજુ વ્યક્તિનું નદીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું.

આ પણ વાંચોઃ અમદાવાદમાં 19 વર્ષીય નર્સે સાબરમતીમાં કૂદીને કર્યો આપઘાત, ફોનમાંથી મળેલા દસ્તાવેજો આધારે કરી ઓળખ

આ મંદિરે પહોંચવા માટે નદી વચ્ચેથી થોડુ અંતર કાપવુ પડે તેવો રસ્તો હોવાથી આવા ગમન માટે બંને છેડે વર્ષોથી વાયર બાંધી એક હોડીની વ્યવસ્થા રાખવામાં આવી છે. આ પુરાતન મંદિરે આજુબાજુના ગામ અનિડા, ચોસલા, ખીજડીયા, ગઢાળી, વનાળી, સાંજણાવદરના ભક્તો મોટી સંખ્યામાં આવતા હોય છે. શ્રાવણ માસના અંતિમ દિવસે વહેલા સવારે આઠ વાગ્યા આજુબાજુ ગઢાળીના એક પરિવારના ચાર સભ્યો આ હોડીમાં બેસીને મંદિરે જઈ રહ્યા હતાં. 

આ દરમિયાન અકસ્માતે હોડી હાલકડોલક થઈને ડૂબતા તેમાં સવાર વ્યક્તિ નદીમાં પડી જતા અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાનાં પગલે અકસ્માત જોનાર સામાકાંઠે ઉભેલા પૂર્વ ગઢાળી ગામના 58 વર્ષીય હરપાલસિંહ ભવાન‌સિંહ ગોહિલ નાવડીમાં બેઠેલા ચાર વ્યક્તિને બચાવવા માટે નદીમાં પડતા વમળમાં ફસાઈ ગયાં. જેના કારણે હરપાલસલિંહનું આકસ્મિક મૃત્યુ થતાં લોકોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. આ ઘટનાના પગલે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર તેમજ પોલીસ સિહતના અધિકારીઓ દોડી આવ્યા હતાં.


Google NewsGoogle News