બરેલી નજીક અકસ્માતમાં મૃતક બન્ને યુવાનના ભાવનગરમાં અંતિમ સંસ્કાર
- લખનૌ દિલ્હી હાઈ-વે પર ઉત્તર પ્રદેશના બરેલી નજીક અકસ્માત થયો હતો
- પરિવારના સભ્યોની આંખોમાંથી ચોધાર આંસુઓની વચ્ચે બન્ને યુવાનોની અંતિમ યાત્રા નિકળી
ભાવનગર શહેર અને જિલ્લામાં આઘાત સાથે અરેરાટી પ્રસરાવતા બનાવની પ્રાથમિક વિગત એવી છે કે, ભાવનગર શહેરના સુભાષનગર ભગવાનેશ્વર મહાદેવ મંદિરેથી ગત તા.૨૨ ફેબુ્રઆરીના રોજ બે ખાનગી લક્ઝરી બસ પ્રયાગરાજ મહાકુંભ, અયોધ્યા, હરિદ્વાર તથા ઉજ્જૈનના પ્રવાસે નિકળી હતી. જેમાં ભાવનગર શહેરના વિવિધ યાત્રાળું મુસાફર જોડાયા હતા. બસ તેના નિયત રૂટ પર પ્રવાસમાં હતી. દરમિયાનમાં, ગઈ કાલે વહેલી સવારે અંદાજે ૫.૩૦ કલાકના સુમારે બન્ને ખાનગી લક્ઝરી બસ લખનૌ દિલ્હી હાઈ-વે પર ઉત્તર પ્રદેશના બરેલી નજીક પહોંચી હતી ત્યારે અકસ્માતે આગળ જઈ રહેલા ટ્રેક્ટર ટ્રોલી પાછળ ઘુસી ગઈ હતી.
આ અકસ્માતના પગલે મુસાફરી કરી રહેલાં યજ્ઞોશભાઈ હસમુખભાઈ બારૈયા (ઉવ.૨૮, રહે કરચલિયાપરા, શિવનગર, ભાવનગર) તથા આશિષભાઈ ઘનશ્યામભાઈ ગોહિલ (ઉવ.૨૮, રહે.સુભાષનગર, ભાવનગર)ના મોત નીપજ્યા હતા.
ગત મોડી રાત્રીના સમયે બંને યુવાનોના મૃતદેહ ભાવનગર આવવા માટે એમ્બ્યુલન્સ વાટે રવાના થયા હતા અને આજે સાંજના સમયે ભાવનગર આવી પહોંચ્યા હતા. બન્ને યુવાનોના મૃતદેહ ઘરે પહોંચતા પરિવારના સભ્યો ચોધાર આંસુએ રડી પડયા હતા. પરિવારજનોની આંખોમાં ચોધાર આંશુઓ વચ્ચે મૃતક યુવાનોના અંતિમ યાત્રા નિકળી હતી અને અંતિમ સંસ્કાર કરાયા હતા.
અત્રે ઉલ્લેખનીય છેકે, અકસ્માતમાં ઘવાયેલ હિતેષભાઈ આહિર તથા હિતેષભાઈ વેગડ (રહે. બન્ને ભાવનગર) હાલ હાસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.