સશસ્ત્ર સેના ધ્વજ દિવસ નિમિતે રૃા.74.35 લાખનું ભંડોળ એકત્ર
- દેશના સૈનિકો માટે સુરતીઓનો ફાળો, મ્યુનિ.એ રૃા.12.28 લાખ, પોલીસ તંત્ર તરફથી રૃા.9.56 લાખનો ફાળો અપાયો
સુરત
દેશની રક્ષા માટે ઝઝુમતા સૈનિકોના લાભાર્થે શહેરીજનો, સરકારી કચેરીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, કંપનીઓએ ઉદાર હાથે દાન કરતા રૃા.૭૪.૩૫ લાખનું ભંડોળ એકત્ર થયુ છે. જેમાં સૌથી વધુ સુરત મહાનગર પાલિકા દ્વારા રૃા.૧૨.૨૮ લાખ આપવામાં આવ્યા છે.
દર વર્ષે સાતમી ડિસેમ્બરના રોજ દેશભરમાં સશસ્ત્ર સેના ધ્વજ દિન ઉજવાય છે. દેશની સુરક્ષા અને અખંડિતતા માટે અડીખમ રહેનારા વીર યોદ્વાઓનું અભિવાદન કરાય છે. સાથે જ સુરત શહેરમાં દર વર્ષે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ નિમિતે ભંડોળ એકત્ર થાય છે. વર્ષ ૨૦૨૨-૨૩ના વર્ષમાં શહેરમાંથી રૃા.૭૪.૩૫ લાખનું ભંડોળ એકત્ર કરાયુ હતુ. સુરતના આ દાનવીરો તેમજ સંસ્થાઓને સ્મૃતિ ચિહન એનાયત કરવા માટે જિલ્લા સેવાસદન ખાતે કાર્યક્રમ યોજાયો હતો. સીટી પ્રાંત ઓફિસર વિક્રમ ભંડારીએ સૌ નાગરિકોને સ્વૈચ્છીક રીતે આગળ આવી ઉદાર હાથે ફાળો આપવા અપીલ કરી હતી.
સુરત મહાનગર પાલિકા દ્વારા સૌથી વધુ ૧૨.૨૮ લાખનું માતબર દાન આપ્યુ છે. ત્યારબાદ પોલીસ અધિક્ષક કચેરી અઠવાલાઇન્સ દ્વારા રૃા.૬.૦૪ લાખ તેમજ પોલીસ કમિશ્નર કચેરી દ્વારા રૃા.૩.૫૨ લાખ તેમજ હજીરાની કંપનીઓ દ્વારા ઉદાર હાથે ફાળો આપતા તમામને સ્મૃતિ ચિન્હ એનાયત કરાયા હતા.