કન્ટેનરમાં ચોરખાનું બનાવીને દારૃના જથ્થાની હેરાફેરી ઝડપાઇ
હરિયાણાના બે શખ્સો અને કરજણના કલ્લા ગામના એક શખ્સ મળી ત્રણની રૃા.૬૨.૩૪ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ
વડોદરા, તા.10 હરિયાણાથી એક ચોરખાનામાં દારૃનો જથ્થો છુપાવીને કરજણના શખ્સને સપ્લાય કરવા આવેલું એક કન્ટેનર ખટંબા ગામની સીમમાં વિરાટ એસ્ટેટ પાસેથી જિલ્લા પોલીસે ઝડપી પાડી કુલ રૃા.૬૨.૩૪ લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી.
આ અંગેની વિગત એવી છે કે રાજસ્થાન પાસિંગના એક કન્ટેનરમાં બનાવેલા ચોરખાનામાં દારૃનો મોટો જથ્થો ભર્યો છે અને આ કન્ટેનર હાલ શંકરપુરારોડ, વિરાટ એસ્ટેટની બાજુમાં ઊભું છે તેવી બાતમીના આધારે વરણામા પોલીસ સ્ટાફે સ્થળ પર જઇ તપાસ કરતાં કન્ટેનર મળ્યું હતું અને તેની કેબિનમાં બે શખ્સો તેમજ બહાર એક શખ્સ ઊભેલો જણાયો હતો.
પોલીસે અંદર બેસેલ બંને શખ્સોના નામ પૂછતાં રાસીદ અસરખા મેવ (રહે.મવાસી મહોલ્લો, સિરોલી, જિલ્લો મેવાત, હરિયાણા) અને અહસાન આકીબ ફકીર (રહે.રિસોલી, તા.ગુલાલતા, તા.મેવાત, હરિયાણા) તેમજ બહાર ઊભેલા શખ્સનું નામ કામિલહુસેન મહેબુબભાઇ ચૌહાણ (રહે.કલ્લા, તા.કરજણ) જાણવા મળ્યું હતું. ત્રણેને સાથે રાખી કન્ટેનરની પાછળ તપાસ કરતાં ચોરખાનામાંથી વિવિધ બ્રાંડની દારૃની ૬૪૭ બોટલો મળી હતી.
દારૃના જથ્થા અંગે કોઇ આધાર પુરાવા નહી હોવાથી પોલીસે ત્રણેની ધરપકડ કરી દારૃનો જથ્થો, હાઇ સ્ટેબિલિટિ ઝિંક, કાપડના રોલ, બે મોબાઇલ અને કન્ટેનર મળી કુલ રૃા.૬૨.૩૪ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે દારૃનો જથ્થો ભરેલું કન્ટેનર હરિયાણાના મેવાતમાં રહેતા મુબિન નામના શખ્સે આપ્યું હતું અને કલ્લા ગામના કામિલહુસેનને કન્ટેનર આપવાનું હતું.