સરદાર વલ્લભભાઈ પટેલના મામાના દિકરાની જમીન રેકર્ડમાં ચેડાં કરી હડપ કર્યાની અરજી
પુરાવા રજૂ કરવા સાથે કલેક્ટરને કાર્યવાહી કરવા રજૂઆત કરાતા તપાસ
નડિયાદ પાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન વિજયભાઈ પટેલે પોતાના નામે દસ્તાવેજ કર્યાનો આરોપ : સાડા ચાર વીઘાથી વધુ જમીનમાં ગણોતિયાના નામ ઉડાવી દીધા
નડિયાદ નગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન વિજયભાઈ નટુભાઈ પટેલ ઉર્ફે બબલદાસે દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના મોસાળ પક્ષના વારસદારોની જમીન બિન અધિકૃત રીતે ખરીદી હોવાનો આક્ષેપ કરાયો છે. અરજદાર ગોપાલભાઈ મંડોવરાએ સબંધિત પુરાવા સાથે કલેક્ટરને આપેલી અરજીમાં આક્ષેપ સાથે જણાવ્યું છે કે, સરદાર પટેલના મામાના દિકરા હરેન્દ્ર ભાઈ વિઠ્ઠલભાઈ દેસાઈની નડિયાદ ટીપી-૫માં આવેલી સીટી સર્વે નં. એનએ૭૬૧/૧ વાળી ૧૦૯૨૭ ક્ષેત્રફળ ધરાવતી જમીનનો હડપ કરી લેવાઈ છે. ૧૯૬૩માં શ્રી સરકાર થયેલી આ જમીનમાં ૩૦ વર્ષ બાદ ૧૯૯૩માં જમીનનો શ્રી સરકારનો હુકમ શંકાસ્પદ રીતે રદ કરી દેવાયો હતો. તે બાદ ૧૯૯૩માં જ વલીનાબેન દેસાઈ અને શારદાબેન મણીભાઈએ રજી. વેચાણ દસ્તાવેજ નં.૩૯૪૫ થકી ઉત્તર તરફના ૭૩ ગુંઠા ૧.૫૦ લાખમાં વિજય પટેલ અને તેમના પરીવારને વેચાણ કર્યા હોવાનો દસ્તાવેજ કરાયો. તેમજ હરિન્દ્રભાઈ દ્વારા દક્ષિણ તરફના ૩૩ ગુંઠા જગ્યા ૫૦ હજારમાં વિજય પટેલને દસ્તાવેજ કરી આપ્યાની એન્ટ્રી થઈ હતી. ૧૯૯૪માં આ ૧૦૯ ગુઠા જમીન એનએ પણ કરાવી દેવાઈ હતી. ૧૯૯૪માં એનએ કરાવેલી જમીન પૈકી ૪ પ્લોટ જુદા જુદા વ્યક્તિને વેચાણ પણ કરાયા હતા, જે બાદ વર્ષ ૨૦૨૪માં સીટીસર્વેની કચેરીમાં જમીન માલિકોના નામ કમી કરાવ્યા વગર તમામ બાવન પ્લોટને ખોટી રીતે એકત્રીકરણ પણ કરી દેવામાં આવ્યું છે. આ મામલે હાલ અરજદારે સબંધિત પુરાવા રજૂ કરી કાર્યવાહી કરવા માંગણી કરી છે.
- એનએની શરતોનો ભંગ થાય તો જમીન સરકાર હસ્તક થઈ શકે
આ સાથે જ જમીન એનએ કર્યા બાદ નિયમ મુજબ ૬ માસમાં બાંધકામ શરૂ કરી બે વર્ષમાં પૂર્ણ કરવાનું હોય છે, છતાં આજ દિન સુધી બાંધકામ ન કરી શરતોનો ભંગ કરાયો હોવાનો અને એનએની શરતોનો ભંગ થતાં જમીન આજના સમયમાં પણ સરકાર હસ્તક થાય તેમ હોવાનો આક્ષેપ કરાયો છે.
- અગાઉ ચેરમેનના હોદ્દા વખતે સત્તાનો દૂરૂપયોગ કર્યાનો આક્ષેપ
આ સાથે અગાઉ તેઓ જ્યારે નડિયાદ ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન હતા, તે વખતે ટી.પી.ની કપાત જમીનો મામલે પૂર્વ પાલિકા પ્રમુખ દિપીકાબેન પટેલના પતિ અમિત પટેલ અને વિજય પટેલ વચ્ચે ખટરાગ સામે આવ્યો હતો, તે વખતે અમિત પટેલ દ્વારા ટી.પી. ચેરમેન તરીકે વિજય પટેલે સત્તાનો દૂરઉપયોગ કરી અને પોતાની અંતરિયાળ જમીન સરકાર અધિગ્રહણ દર્શાવી અને શહેરી વિસ્તારમાં મોકાની જગ્યા પોતાને ફાળવી દીધી હોવાનો આક્ષેપ કર્યો હતો.