સાવલી તાલુકાની જમીન ભાગીદારી પેટે ખરીદવાના નામે રૃ.૩૧ લાખની ઠગાઇ
વડોદરાઃ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની જમીનનો સોદો કરવાના નામે બે મિત્રોએ કરાર કરી બે ભાગીદારો સાથે ૩૧.૩૫ લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ ગોરવા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.
નવાયાર્ડ રોડ પર શાલીમાર પાર્કમાં રહેતા અને ડાયમંડ રેસ્ટોરાં ચલાવતા સરફરાજ રાણાએ પોલીસને કહ્યું છે કે,હું તેમજ મારા પાર્ટનર જાવેદ રાણા રેસ્ટોરાં પર બેસતા હોવાથી ત્યાં જમવા આવતા દિનેશ ત્રિભોવનભાઇ પટેલ(હાર્મની રેસિડેન્સી, વાસણારોડ) અને તેના મિત્ર ઇમરાન સિરાજ ભાઇ દરબાર(સવૈયા નગર,ગોત્રી)સાથે પરિચય થયો હતો.
નવેમ્બર-૨૦૨૪માં ઇમરાને સાવલી તાલુકાના રાણીયા ગામે સુનિલ પટેલની જમીન વેચવાની હોવાની વાત કરતાં અમે જમીન ખરીદવાનું નક્કી કરી ચાર ભાગીદારોએ કરાર કર્યો હતો.જે મુજબ અમે રૃ.૩૧.૩૫ લાખ દિનેશ અને ઇમરાનને ચૂકવ્યા હતા.પરંતુ તેમણે સોદો રદ કરી રૃપિયા આપ્યા નહતા અને ચેક પણ બાઉન્સ થયો હતો.જેથી ગોરવા પોલીસે બંને સામે ગુનો નોંધ્યો છે.