કાળી ચૌદશે કકળાટ બહાર કાઢવાની પરંપરાથી ઝાડુ અને માટલાના વેપારીઓની દિવાળી સુધરી
ભારતીય તહેવારની ઉજવણીની પરંપરા નાના વેપારોને જીવંત બનાવે છે
અનેક લોકો ધનતેરસના દિવસે ઝાડુ (પીંછી) ની ખરીદી કરતા હોય આજે સુરતમાં મીઠાઈ ફટાકડા કરતા ઝાડુંનું વધુ વેચાણ
સુરત, તા. 10 નવેમ્બર 2023 શુક્રવાર
ભારતીય હિન્દુ તહેવારની ઉજવણીની સદીઓથી ચાલી આવતી પરંપરા ને કારણે નાના વેપારીઓનું રોટેશન તહેવારોમાં થઈ રહ્યું છે. હાલમાં ચાલી રહેલા દિવાળીના પર્વમાં કાળી ચૌદસના દિવસે ઘરમાંથી કકળાટ કાઢવાની ચાલતી પ્રથાને કારણે માટલા અને ઝાડુના વેપારીઓના ધંધામાં તેજી આવી ગઈ છે. ઘણા સુરતીઓ ધનતેરસના દિવસે ઝાડું કરી દેતા હોવાથી આજે સુરતમાં ફટાકડા કે મીઠાઈ કરતા ઝાડુનું વેચાણ વધુ થયું હોવાનું કહેવાય રહ્યું છે.
હિન્દુ તહેવારોની પરંપરા ને કારણે અનેક નાના વેપારીઓને તહેવાર દરમિયાન રોજીરોટી મળી રહી છે. તેમાં પણ દિવાળી પહેલા આવતી કાળી ચૌદસના દિવસે ઘરમાંથી કકળાટ બહાર કાઢવાની પરંપરા આજના આધુનિક યુગમાં પણ યથાવત જોવા મળી રહી છે. કાળી ચૌદસના દિવસે સુરતીઓ પોતાના ઘરમાં રહેલા જુના માટલા અને જુના ઝાડુ તેમના ઘરના નજીકના ચાર રસ્તા પર મૂકી કકળાટ કાઢ્યો હોવાની અનુભૂતિ કરે છે.
સદીઓથી ચાલી આવતી કકળાટ કાઢવાની પરંપરા છે તેની સાથે અનેક લોકો ઝાડુ ખરીદવા માટે ધનતેરસનો દિવસ પસંદ કરે છે. તારવાડી વિસ્તારના ઝાડુના વેપારી એવા રાજુભાઈ પટેલ કહે છે , અમારા સહિત મોટેભાગની દુકાનોમાં ધનતેરસના દિવસે લોકો ઝાડુની ખરીદી કરવા આવે છે. કેટલાક લોકો તો બુટ ચપ્પલ કાઢીને ઝાડુને પગે લાગીને તેની પૂજા કરીને ખરીદી કરે છે. તેઓ એવું માને છે ધનતેરસમાં ઝાડુની પૂજા કરીને ખરીદી કરવી શુભ છે. લોકોની માન્યતા અને વર્ષોથી ચાલી આવતી પરંપરા ને કારણે સુરતના મોટાભાગના ઝાડુ નું વેચાણ કરતા વેપારીઓનો ધંધો સારો એવો ચાલે છે.
આવી જ રીતે પાલ વિસ્તારમાં માટલાનું વેચાણ કરતા મહેશભાઈ કહે છે, ઝાડુની જેમ લોકો કાળી ચૌદસને દિવસે લોકો માટલા ને પણ કકળાટ તરીકે ઘરની બહાર મૂકે છે અને નવા માટલાની ખરીદી કરે છે. આ પરંપરા ને કારણે માટલાના વેપારીઓને ત્યાં પણ આ દિવસોમાં દિવાળી જેવો માહોલ થઈ જાય છે.
આમ હિન્દુ ધર્મમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા ને કારણે નાના ધંધા કરનારાઓને સારી આવક થાય છે અને હાલ મંદીના સમયમાં તેઓના માટે આ પરંપરા સંજીવની જેવી સાબિત થઈ રહી છે.
મહારાષ્ટ્રના માંગ સમાજના લોકો જાડુ બનાવવા માટે નિપુણ
સુરતમાં દિવાળીની પરંપરા મુજબ લોકો ઝાડુની મોટી માત્રામાં ખરીદી કરે છે. આ ઝાડુ બનાવવા માટે ના કારીગરો મૂળ મહારાષ્ટ્રના છે.
સુરતમાં ઝાડુ બનાવનારા મોટાભાગના કારીગરો મહારાષ્ટ્રના માંગ સમાજના લોકો છે. આ સમાજ દ્વારા વર્ષોથી ઝાડુ બનાવવાની કામગીરી કરવામાં આવે છે તેથી તેઓ ગણતરીની મિનિટોમાં જ ઝાડુ બનાવી શકે છે. જેના કારણે આ કારીગરોની ડિમાન્ડ આ દિવસોમાં વધારે જોવા મળે છે.