કાટમાળમાંથી મહિલા 'ભૈયા મેરે કો બચાવો, બહોત દર્દ હો રહા હૈ'ની ચીસો પાડતી હતી

ફાયર માર્શલના દિલધડક રેસ્ક્યુથી એક મહિલાનો જીવ બચ્યો

માણસ સુઇને જઇ શકે તેટલી જગ્યામાંથી વિકી પટેલ મહિલા પાસે પહોંચ્યો પણ કોઇ સાધન લઇને જઇ શકાય તેમ ન હતુ

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
કાટમાળમાંથી મહિલા 'ભૈયા મેરે કો બચાવો, બહોત દર્દ હો રહા હૈ'ની ચીસો પાડતી હતી 1 - image


   સુરત,

શનિવારે બપોરે સચીન પાલી વિસ્તારમાં છ માળની ઈમારત પત્તાના મહેલની જેમ તૂટી જતા સાત લોકોના મોત થયા છે. પરંતુ આ મકાન હોનારતમાં  માર્શલના દિલધડક રેસ્ક્યુ ઓપરેશનથી એક મહિલાનો જીવ  બચી ગયો છે.  કાટમાળ હેઠળ દબાયેલી મહિલા ભૈયા મેરે કો બચાવો મુજે બહોત દર્દ હો રહા હે ની ચીસો પાડતી હતી અને ફાયરના જવાનની બહાદુરીથી આ મહિલાનો  જીવ બચ્યો  હતો.

સચિન પાલી વિસ્તારમાં બનેલી મકાન દુર્ઘટનાનો કોલ મળતા પાંડેસરામાં આગ બુઝાવવાની કામગીરી કરતાં ફાયર જવાનો સીધા પાલી પહોંચ્યા હતા. ત્યાંની હાલત જોઈને ફાયરના જવાનો પણ ધુ્રજી ગયા હતા. કામગીરી દરમિયાન કાટમાળમાં એક મહિલા હોવાનું જણાતા ઉધના ફાયર સ્ટેશન પર ફાયર માર્શલ તરીકે ફરજ બજાવતા 27 વર્ષના વિકી પટેલને મહિલાને બચાવવાની કામગીરી સોંપવામાં આવી હતી. માણસ સુઈ જઈ શકે એટલી જગ્યામાંથી મેરે કો બચાવો મુજે બહોત દર્દ હો રહા હે એવી મહિલાની ચીસો સંભળાતી હતી. વિકી પટેલે સ્થિતિ જોઈ અને મહિલાની દર્દભરી ચીસો સાંભળીને ક્ષણનો પણ વિલંબ કર્યા વિના કાટમાળમાં થોડી જગ્યા હતી તેમાં સુઈને મહિલા પાસે પહોંચી ગયો હતો. બહારથી ફાયર અધિકારી સુચના આપતા હતા પરંતુ અંદરની સાચી સ્થિતિ તો વિકી જ જાણતો હતો.

કશિશ શર્મા (ઉ.વ.20) નામની મહિલાને બચાવનાર વિકી કહે છે, અંદર મહિલાની ઘૂંટણની ઉપરના પુરો ભાગ પર સ્લેબ પડયો હતો. હાથ પણ હલી શકે તેમ ન હતા અને મહિલા સતત બચાવો બચાવો..બચાવોની ચીસ પાડતી હતી. અંદર કોઈ સાધન પણ જઈ શકે તેમ ન હોવાથી કાટમાળમાંથી ટાઇલ્સનો એક ટુકડો લઈને મહિલા આસપાસનો કાટમાળ હટાવવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તેમનો એક હાથ ફ્રી થયો હતો. ત્યાર બાદ આસપાસનો વધુ કાટમાળ હટાવ્યો અને તેને બંને હાથ માથા પર મુકી દેવા માટેની સૂચના આપી હતી. આ કામગીરી દરમિયાન પણ મહિલા ભૈયા મેરે કો બચાવો, બહોદ દર્દ હો રહા હૈની ચીસો પાડતી હતી. મહિલાના બન્ને હાથ ફ્રી થયાં અને તેમના ગળા પર પડેલો સ્લેબ થોડો હલી શકે તેમ હતો તેથી કાટમાળ બહાર મારા અન્ય સાથીઓ હતા તેઓએ મારા પગ પકડયા હતા અને મેં એ મહિલાના પગ પકડયા હતા. મહિલાને મેં આશ્વાસન આપ્યું કે, તમને કશું થશે નહીં તમને બચાવવા જ આવ્યા છે. તેના કારણે તેને થોડી રાહત થઈ હતી અને ત્યાર બાદ સૂચના પ્રમાણે મારા પગ ખેંચવામાં આવ્યા હતા અને મે તેમના પગ પકડયા હતા તે ખેંચીને મહિલાને બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ દુર્ઘટનાામાં સાત લોકોએ જીવ ગુમાવ્યા તેનું દુઃખ છે પરંતુ એક મહિલાને નવજીવન મળ્યું તેના કારણે કામગીરી કર્યાનો આત્મ સંતોષ પણ થયો છે એમ વિકી પટેલે કહ્યું હતુ. 


Google NewsGoogle News