બેટદ્વારકા સિગ્નેચર બ્રિજથી યાત્રિકો દરિયા ઉપર કાર હંકારીને પુરાતન ટાપુએ જઈ શકશે
બ્રિજની લંબાઈ 2.32 કિલોમીટર અને પહોળાઈ 89 ફૂટની : 962 કરોડના ખર્ચે સિગ્નેચર બ્રિજ 2016માં મંજુર,ઓક્ટો.- 2017માં વડાપ્રધાને ખાતમુહુર્ત કર્યું,2018 માં કામ શરૂ થયું અને ૨૦૨૪માં પૂરૂં થયું : સૌરાષ્ટ્રના વધુ બે મહત્વના પ્રોજેક્ટ રાજકોટ એઈમ્સ,બેટદ્વારકા બ્રિજના વડાપ્રધાને ખાતમુહુર્ત કર્યા હતા,તેઓ જ લોકાર્પણ કરશે
રાજકોટ, : સમગ્ર સૌરાષ્ટ્ર માટે દુરગામી અસરકર્તા એવા બે મહત્વના પ્રોજેક્ટ આગામી તા. 25 ફેબુ્રઆરીએ ખુલ્લા મુકાનાર છે જેમાં કચ્છના અખાતમાં બેટદ્વારકા નામના પુરાતન ટાપુને ભૂમિમાર્ગે ઓખા સાથે જોડતા 2.32 કિલોમીટર લંબાઈનાઅને 89 મીટર પહોળાઈ સાથે ટુ લેઈન ધરાવતા સિગ્નચર બ્રિજનું લોકાર્પણ થશે.બેટ દ્વારકા મહાભારત કાળથી છે જેનું એક નામ શંખોધાર છે અને પ્રાચીન કાળમાં તે અંતરદ્વિપ તરીકે ઓળખાતો હતો.અહીં ભગવાન શ્રી કૃષ્ણ જેઓ દ્વારકામાં શાસનધૂરા સંભાળતા તે વખતે ત્યાં નિવાસ કર્યો હતો અને આધુનિક યુગમાં પણ તેના દરિયામાંથી હરપ્પન,મોર્ય સમય વખતના અવશેષો મળી આવ્યા છે.
સૌરાષ્ટ્રમાં હીરાસર એરપોર્ટ બાદ અન્ય બે મહત્વના પ્રોજેક્ટ રૂ।. 1195 કરોડના ખર્ચે રાજકોટ એઈમ્સનું ડિસેમ્બર-2020માં અને રૂ।. 962 કરોડના ખર્ચે બેટદ્વારકા સિગ્નેચર બ્રિજનું ઓક્ટોબર-2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ ખાતમુહુર્ત-શિલાન્યાસ કર્યા હતા અને હવે 10 દિવસ બાદ તેમના હસ્તે જ આ બન્ને પ્રોજેક્ટ ખુલ્લા મુકાનાર છે.
આ બ્રિજને કેન્દ્રીય પરિવહન મંત્રીએ ઈ.સ. 2016માં મંજુરી આપી હતી, ૭2017માં તેનો શિલાન્યાસ થયો, 2018માં કામ શરૂ થયું હતું અને 2024માં પૂરૂં થયું છે. હાલ હજારો લોકો બેટદ્વારકા જવા માટે ઓખાથી હોડી કે બોટમાં જાય છે જેમાં અનેકવાર ખીચોખીચ મુસાફરો ભરાય છે. પરંતુ, બ્રિજ બનતા લોકો પોતાની મોટરકાર સહિત વાહનો સાથે ત્યાં જઈ શકશે. એટલું જ નહીં, બ્રિજની બન્ને બાજુ 2.50 મીટર પહોળાઈના રાહદારી પથ (ફૂટપાથ) પણ બનાવાયા છે જેથી લોકો ચાલીને તથા સાયકલ ઉપર પણ જઈ શકશે.
બ્રિજની લંબાઈ 2320 મીટરની છે પરંતુ, ઓખા અને બેટદ્વારકા બન્ને થઈને આશરે 1210 મીટરનો એપ્રોચ રોડ અપાયો છે. ભારતમાં કેબલ સ્ટેઈડ પ્રકારનો આ સૌથી લાંબો બ્રિજ ગણાય છે જેમાં 900 મીટર લંબાઈનો કેબલ બ્રિજ વપરાયો છે. તેના ત્રણ સ્પાન 500 મીટરના છે. બ્રિજને એ આકારનું સ્ટ્રક્ચર ટેકો આપે છે તે 129.98 મીટર ઉંચા છે. દરિયાના પાણીમાં 34 પિયર (વિશાળકાય પીલર) ઉપર આ કોંક્રીટ-સ્ટીલના બ્રિજનું નિર્માણ થયું છે. આ ટાપુ અને બનનારા બ્રિજ સમગ્ર દેશ માટે મહત્વના ગણાય છે, કારણ કે આ સ્થળ પાસે જ ભારતની પાકિસ્તાન સાથેની પશ્ચિમ સરહદ આવેલી છે.