કોટસફીલ રોડ એર ઇન્ડિયા નજીક રાવણના સરઘસમાં પીધેલા યુવાનને પોલીસે પકડતા પરિચિતોનો પોલીસ મથકે હોબાળો
નશામાં બુમાબુમ અને લવારા કરતા જરીના વેપારીની મોડીરાતે અટક કરાતા 'તેને ખોટો પકડયો છે વિડીયો બનાવો' કહી ઝપાઝપી પણ કરી
ટોળામાં સામેલ અને બરાડા પાડતી એક મહિલા પણ નશાની હાલતમાં જણાતા તેની પણ અટકાયત કરાઈ
- નશામાં બુમાબુમ અને લવારા કરતા જરીના વેપારીની મોડીરાતે અટક કરાતા 'તેને ખોટો પકડયો છે વિડીયો બનાવો' કહી ઝપાઝપી પણ કરી
- ટોળામાં સામેલ અને બરાડા પાડતી એક મહિલા પણ નશાની હાલતમાં જણાતા તેની પણ અટકાયત કરાઈ
સુરત, : સુરતમાં દશેરાની રાત્રે કોટ વિસ્તારમાં રાવણના પૂતળાના દહન માટે ડી.જે.સાથે નીકળેલા સરઘસમાં કોટસફીલ રોડ એર ઇન્ડિયા પાસે એક યુવાન દારૂના નશામાં બૂમબરાડા પાડતો અને લવારા કરતો મળતા મહિધરપુરા પોલીસે તેને પકડી લાવી કાર્યવાહી કરતા તેના પરિચિતોએ પોલીસ સ્ટેશન બહાર હોબાળો મચાવી પોલીસ સાથે ઝપાઝપી કરી હતી.તે સમયે હોબાળો મચાવતા પરિચિતોમાં એક મહિલા પણ દારૂ પીધેલી હાલતમાં મળતા પોલીસે ત્રણ ગુના નોંધી કાર્યવાહી કરી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગતરોજ દશેરાની સુરતના રાત્રે કોટ વિસ્તારના કોટસફીલ રોડ ઉપર રાવણના પૂતળાના દહન માટે ડી.જે.સાથે સંખ્યાબંધ સરઘસ નીકળ્યા હતા.મહિધરપુરા પોલીસે મોડીરાત્રે ડી.જે વગાડતા બે ડી.જે.સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.જોકે, તે અરસામાં કોટસફીલ રોડ એર ઇન્ડિયા પાસે એક યુવાન દારૂના નશામાં બૂમબરાડા પાડતો અને લવારા કરતો મળતા તેને રીક્ષામાં બેસાડી પોલીસ સ્ટેશન લાવી હતી.પોલીસ જરીકામ સાથે સંકળાયેલા જયવદન મદનભાઈ પટેલ ( ઉ.વ.34, રહે.ઘર નં.2/2418, મહાદેવ શેરી, રૂદરપુરા, સુરત ) વિરુદ્ધ કાર્યવાહી કરતી હતી ત્યારે કેટલાક લોકો તેની પાછળ પોલીસ સ્ટેશન આવ્યા હતા અને જયવદનને પોલીસ સ્ટેશનમાં લઈ જતી પોલીસ સાથે તેને ખોટો પકડયો છે, વિડીયો બનાવો કહી હોબાળો શરૂ કર્યો હતો.
પોલીસે તેમને અટકાવતા લોકોમાં સામેલ જેનીશ નરેશભાઈ કહાર ( ઉ.વ.32, રહે.ઘર નં.2/2418, મહાદેવ શેરી, રૂદરપુરા, સુરત ) એ પોલીસને તમે શું કરી રહ્યા છો તેમ પૂછતાં પોલીસે જયવદન દારૂ પીધેલો મળ્યો છે તેથી કાર્યવાહી કરી રહ્યા છે તેમ કહ્યું તો જેનીશે તમે ખોટી રીતે લાવ્યા છો કહી હલ્લો મચાવતા પોલીસે તેમને ઘરે જવા કહ્યું હતું.તેમ છતાં ત્યાં આવેલા લોકોએ ટોળું વળી ત્યાં ઉભા રહી લોકોને ઉશ્કેરવા માંડતા કોન્સ્ટેબલ મહાવીરસિંહે તેમને સમજાવવા પ્રયાસ કર્યો તો જેનીશે તેની સાથે ઉગ્ર બોલાચાલી કરી બૂમબરાડા પાડયા હતા અને અન્ય પોલીસે તેને અટકાવતા તેણે પોલીસ સાથે ઝપાઝપી કરી હતી.
ટોળામાં સામેલ એક મહિલા પણ જોરજોરથી બૂમબરાડા પાડતી હોય મહિલા પોલીસે તેની પાસે જઈ તપાસ કરતા તે પણ દારૂના નશામાં હોય પોલીસે ખુશ્બૂ પ્રકાશભાઈ પટેલ ( ઉ.વ.29, રહે.ઘર નં.41, લાપસીવાળાની ચાલ, રૂદરપુરા, સુરત ) ની અટકાયત કરી હતી.પોલીસે આ બનાવમાં મોડીરાત્રે ડી.જે. વગાડી જાહેરનામાના ભંગ અંગેના બે ગુના, પ્રોહીબીશનના બે ગુના અને ફરજમાં રુકાવટ અંગેનો એક ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.