Get The App

અમરેલી સિવિલ હોસ્પિટલમાં ગરીબોને મફત સારવાર, પણ મધ્યમ વર્ગ લૂંટાશે

Updated: Feb 7th, 2025


Google News
Google News
અમરેલી સિવિલ હોસ્પિટલમાં ગરીબોને મફત સારવાર, પણ મધ્યમ વર્ગ લૂંટાશે 1 - image


ICUમાં દાખલ થવા કાં બીપીએલ કાર્ડ, કાં રૂપિયા હોવા જરૂરી : જનતાનાં મતોથી ચૂંટાયેલા નેતાઓની મૌન સહમતિ, વિરોધ પક્ષના આગેવાનાનાં પણ આંખ આડા કાન : લાચાર લોકોમાં કચવાટ : ગજેરા ટ્રસ્ટને સંચાલન સોંપીને સરકારે જાણે 'સેવાની સાથે મેવા' મેળવવા માટેનો પરવાનો આપી દીધો : ચાર્જ વસુલવા મંજુરી મળ્યાનો સંચાલકોનો દાવો 

અમરેલી, : અમરેલીની સરકારી સિવિલ હોસ્પિટલ કે જે હાલ ગજેરા ટ્રસ્ટ સંચાલિત શાંતાબા જનરલ હોસ્પિટલ તરીકે ઓળખાય છે, તે ફરી એક વખત વિવાદના વંટોળમાં ફસાઈ છે. થોડા દિવસ પહેલા અહીં દર્દીઓ પાસેથી મમોટો ચાર્જ વસુલવાનું ભાવપત્રક લગાવી દેવામાં આવતા ઉહાપોહ મચી ગયો છે. ગજેરા ટ્રસ્ટને સંચાલન સોંપીને સરકારે જાણે 'સેવાની સાથે મેવા' મેળવવાનો પરવાનો આપી દીધો હોવાનો લોકોમાં કચવાટ પ્રસર્યો છે, જેની સામે સંચાલકોએ તેમને ચાર્જ વસુલવા મંજુરી મળ્યાનો દાવો કરીને જાહેર કર્યું કે, માત્ર જનરલ વોર્ડમાં જ મફત સારવાર મળશે, રૂમ રાખો તો ચાજે થશે અને આઈસીયુમાં મફત સારવાર જોઈતી હોય તો બીપીએલ કાર્ડ હોવું જોઈએ, કાં એડવાન્સ ડિપોઝિટ સહિતનો નિયત ચાર્જ ભરવાનાં રૂપિયા હોવા જરૂરી છે. એટલે કે, બીપીએલ કાર્ડ ધરાવતા ગરીબોને મફત સારવાર મળશે, પણ અન્ય ગરીબો અને મધ્યમ વર્ગને સરાજાહેર લૂંટાશે. જેમાં જનતાનાં મતોથી ચૂંટાયેલા નેતાઓની મૌન સહમતિ, તો વિરોધ પક્ષના આગેવાનાનાં પણ આંખ આડા કાનથી લાચાર લોકો સમસમી ગયા છે.

અમરેલીની સિવિલ હોસ્પિટલને સરકાર દ્વારા શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટને હવાલે કરી દેવામાં આવી છે. જયારે એમને સંચાલન સોંપાયું ત્યારે લોકોને સારી આરોગ્યલક્ષી સેવા મળશે એવું સ્વપ્ન દેખાડવામાં આવ્યું હતું. સરકારની કૂટનીતિ સામે જે તે સમયે ગણ્યા-ગાંઠયા રાજકીય-સામાજિક આગેવાનોએ જ વિરોધ કર્યો હતો, પણ બાદમાં સૌકોઈ મૌન બની ગયા હતા. જેથી સંચાલકોએ મનસુફી મુજબ અવનવા નિયમો ઘડવાનું ચાલુ કરી દીધું હતું અને હવે તો ખાનગી હોસ્પિટલને પણ શરમાવે એવા ચાર્જનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે. જેમાં એક રૂમનું એક દિવસનું ભાડું રૂા.૧૦૦૦, સ્પેશ્યલ રૂમના રૂા.૧૫૦૦, ડિલક્સ રૂમના રૂા.૨૫૦૦, ડાયેટ-ભોજન ચાર્જ રૂા.૧૫૦, આઈસીયુ ચાર્જ પ્રતિદિન રૂા.૩૬૦૦,  આઈસીયુ વેન્ટિલેટર સાથે રૂા.૪૫૦૦, સિવિલ હોસ્પિટલમાં દાખલ થતી વખતે રૂા.૫૦૦૦ ડિપોઝીટ અને આઈસીયુમાં દાખલ થતાં પહેલા રૂા.૧૦,૦૦૦ ડિપોઝીટ નકકી કરવામાં આવી હોવાથી ઉહાપોહ મચી ગયો છે.

આ મામલે અમરેલી સિવિલ હોસ્પિટલનું સંચાલન સંભાળતા ભરતભાઈ ધડુકને પુછતા જણાવ્યું કે, શાંતાબા જનરલ હોસ્પિટલમાં ૭૦૦ કરતા વધુ બેડ કાર્યરત છે, જેમાં ૩૨ કરતા વધુ તમામ જનરલ વોર્ડમાં દાખલ થનાર કોઈપણ દર્દીએ કોઈ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો થશે નહીં, તેમને સરકારી નિયમો અનુસાર જ તમામ સારવાર વિનામુલ્યે મળશે. પરંતુ અહીં પ્રાઈવેટ રૂમ કે સ્પેશ્યલ રૂમમાં દાખલ થવા ઈચ્છનાર દર્દીએ નિયમો મુજબ મંજુર થયેલા ચાર્જ છે, એ ભરવા પડશે. જે ચાર્જમાં કોઈ દર્દીએ દાખલ થવું ફરજીયાત નથી, જનરલ વોર્ડમાં મફત સારવાર લઈ શકે છે. તે ચાર્જીસ જે લોકો પોતાની મનમરજીથી સ્પેશ્યલ રૂમ લેવા ઈચ્છતા હોય તેમને જ લાગુ પડશે. જ્યારે આઈસીયુ વિભાગમાં દાખલ થવા માટે જે ચાર્જ રાખેલા છે તે કોઈપણ ગરીબ દર્દી કે જે બીપીએલ કાર્ડ ધરાવે છે તેમને લાગુ પડશે નહીં તથા સરકાર દ્વારા કાર્યરત આયુષ્યમાન યોજના અંતર્ગત દાખલ થનાર દર્દીએ પણ ચૂકવવાના થશે નહીં.

Tags :
RajkotAmreliCivil-Hospital

Google News
Google News