સુરતમાં અનોખી સમાજ સેવા : ગરમીમાં વાહન ચાલકોને વિના મૂલ્યે શેરડીના રસનું વિતરણ
Surat : સુરત સહિત ગુજરાતના આકાશમાંથી આગ ઓકતી ગરમી પડી રહી છે ત્યારે કેટલાક લોકોએ પાણીની પરબ શરૂ કરી લોકોને મદદરૂપ થવા પ્રયાસ કરી રહ્યાં છે. જોકે, સુરતના એક સંસ્થાએ શહેરના રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો, રાહદારીઓ અને રીક્ષાના પેસેન્જરોને શેરડીના રસનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્લાસ્ટિકના ગ્લાસનું પ્રદુષણ ન થાય તે માટે આ ગ્લાસ ભેગા કરીને કચરામાં નિકાલ કરવામાં આવ્યો હતો.
સુરતના આકાશમાંથી આગ ઝરતી ગરમી પડી રહી છે ત્યારે લોકો એસી અને કુલરનો સહારો લઈ રહ્યા છે પરંતુ રસ્તા પર લારીઓ લઈને ફેરી ફરતા ફેરિયાઓની હાલત આ ગરમીમાં વધુ ખરાબ થઈ રહી છે આવા લોકો માટે કોઈ ખાસ સુવિધા ન હોવાથી મજબૂરી વશ લોકો આકરી ગરમીમાં પણ લોકોએ નોકરી ધંધા માટે બહાર નીકળવું પડતું હોય તેવા લોકો માટે શહેરમાં સેવાનું કામ કરતી હોપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રસ્તા પરથી પસાર થતા લોકોને ગરમીમાંથી રાહત અપાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સંસ્થાના જીજ્ઞેશ ગાંધી કહે છે, સુરતમાં ગરમી માટે એલર્ટ આપવામાં આવ્યું છે લોકોને આકરી ગરમીમાં બહાર ન નીકળવા માટે અપીલ કરવામા આવી છે. પરંતુ કેટલાક લોકોએ નોકરી ધંધા માટે મજબુરીથી બહાર નીકળવું પડે છે. આવા લોકોને ગરમીથી બચાવવા માટે અમારી સંસ્થા દ્વારા શેરડીના રસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સંસ્થા દ્વારા જ શેરડીના રસની લારી સાથે રાખવામાં આવી છે અને રાહદારીઓ, રીક્ષા પેસેન્જર અને વાહન ચાલકોને રસ પીવડાવવામાં આવે છે. આ ઉપરાંત આકરી ગરમીમાં પોલીસ અને ટીઆરબી જવાનો પણ કામ કરે છે તેઓને પણ શેરડીનો રસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.