ભાજપ સરકારે અંબાજીના ભક્તોને પણ ન છોડ્યા, સરકારી કાર્યક્રમમાં બસ ફ્રી, ગબ્બર જવું હોય તો વધુ ભાડું

Updated: Sep 18th, 2024


Google NewsGoogle News
ભાજપ સરકારે અંબાજીના ભક્તોને પણ ન છોડ્યા, સરકારી કાર્યક્રમમાં બસ ફ્રી, ગબ્બર જવું હોય તો વધુ ભાડું 1 - image


Bhadarvi Poonam : ભાદરવી પૂનમ હોઇ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં શ્રદ્ધાળુઓનો ઘોડાપુર ઉમટ્યું છે.  એક તરફ, હિન્દુત્વની દુહાઇ દેવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ, મા અંબાના દર્શન કરવા આવનારા માઇભક્તોના સરકાર જ ખિસ્સા ખંખેરી રહી છે. જો સરકારી કાર્યક્રમમાં ભીડ એકઠી કરવાની હોય તો એસટી બસમાં મફત અવરજવર હોય છે. જયારે માં શક્તિના ધામમાં દર્શાનાર્થે જવું હોય તો વધુ એસટી ભાડું ચૂકવવું પડે છે. આમ, સરકાર ખુદ જાણે વેપારી બની હોય તેવો ઘાટ સર્જાયો છે. 

સરકારી તાયફા પાછળ કરોડોનો ઘૂમાડો, શ્રદ્ધાળુઓને ઠેંગો

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં પૂનમના મેળામાં લાખો માઇભક્તોની ભીડ ઉમટી છે. એવું થયુ છેકે, અંબાજી ગામથી ગબ્બર પર્વત સુધી રૂટીન ભાડું રૂ.13 હતું પણ તકનો લાભ લઇ એસટી નિગમે બસ ભાડું સવાયુ કરી દીધું હતું. શ્રદ્ધાળુઓ પાસેથી રૂ.20 બસભાડું લેવા નિર્ણય કરાયો હતો પણ સવાયુ બસ ભાડું કરી દેવાતાં ભારે હોબાળો મચ્યો હતો પરિણામે સરકારે પીછેહટ કરીને રૂ.5 બસ ભાડું ઓછું કરી દીધું હતું. આમ સરકારે હળવેકથી રૂ.2નો વધારો કરી દીધો હતો. 

છેલ્લાં ચારેક દિવસમાં અંબાજીથી ગબ્બર સુધી કુલ મળીને 2.40 લાખ શ્રદ્ધાળુઓએ એસટીમાં મુસાફરી કરી છે.ભાડું વધારીને દેતાં એસટી નિગમને રૂ.50 લાખની આવક થઇ છે. રૂ.2 ભાડું વધારી દેવાતાં રૂ.4.8 લાખ માઇભક્તોના ખિસ્સામાંથી સરકારે હળવેકથી સેરવી લીધા છે. શ્રદ્ધાળુઓમાં ચર્ચા છેકે, સરકારી કાર્યક્રમમાં લોકોની ભીડ એકઠી કરવી હોય તો ઘેર ઘેર આમંત્રણ આપીને લોકોને મફતમાં બસમાં જે તે સ્થળે લઇ જવાય છે. 

આ પણ વાંચો : અંબાજીમાં એસ.ટી વિભાગની ઉઘાડી લૂંટ, મંદિરથી ગબ્બર જવાનું ભાડું 9ને બદલે 20 રૂપિયા

એસટી બસભાડા પાછળ લાખો કરોડોનો ખર્ચ કરવામાં આવે છે પણ હિન્દુત્વની વાતો કરનાર સરકાર અંબાજી જેવા યાત્રાધામ પર શ્રદ્ધાળુઓને મફત બસ સેવા તો ઠીક પણ કિફાયતી ભાડું લેવા પણ તૈયાર નથી. સરકારી કાર્યક્રમમાં લોકોને લાવવા જઇ જવાની વ્યવસ્થા ઉપરાંત જમવાની વ્યવસ્થા સુદ્ધાં મફતમાં કરી દેવાય છે. સરકારી કાર્યક્રમમાં ભાજપના કાર્યકર માટે એસી,સ્લિપર અને વોલ્વો બસોની બધી જ સુવિધા મફતમાં પણ શ્રદ્ધાળુઓને સરકારે ડીંગો દેખાડી દીધો છે. આમ, હિન્દુત્વના નામે મતો મેળવનારી ભાજપ સરકારે જાણે અસલી વેપારી બની છે. 

ભાજપ સરકારે હજુ રૂ.53.81 કરોડ એસટી ભાડું ચૂકવ્યું નથી

રાજ્ય સરકાર દ્વારા યોજાતા સરકારી કાર્યક્રમમાં ભીડ ભેગી કરવા માટે એસટી બસો ભાડે લેવાય છે. છેલ્લાં એક જ વર્ષમાં 34,614 બસો ભાડે મેળવવામાં આવી હતી. સરકારે આમજનતાને એકત્ર કરવા માટે રૂ.56.01 કરોડ એસટી ભાડું ચૂકવ્યુ હતું જયારે હજુ રૂ.53.81 કરોડ એસટી ભાડું ચૂકવવાનુ બાકી છે. સામાન્ય નાગરિકોને સમયસર એસટી બસ સુવિધા મળતી નથી ત્યારે સરકારી તાયફા કરવાના હોય ત્યારે બસો ભાડે કરાતાં ગ્રામ્ય રૂટો પર એસટી બંધ કરી દેવાય છે પરિણામે વિદ્યાર્થીઓથી માંડીને આમ મુસાફરોને હાલાકી ભોગવવી પડે છે.

એએમટીએસનો નવો તુક્કો : સરકારી કાર્યક્રમમાં બસ ફેરવો, મ્યુનિ.ને લોન ચૂકવો

એએમટીએસની આર્થિક હાલત એવી છેકે, મ્યુનિ.કોર્પોરેશને વર્ષે રૂ.350 કરોડની લોન આપી છે. હવે મ્યુનિ. કોર્પોરેશને નક્કી કર્યુ છેકે, સરકારી કાર્યક્રમોમાં વઘુને વઘુ બસો મૂકોને, મ્યુનિ.કોર્પોરેશનના લોનના હપ્તા ચૂકવો. મુસાફરોનુ જે થવુ હોય તે થાય. જીએમડીસી ખાતે ભાજપ આયોજીત સમારોહમાં લોકોને લાવવા લઇ જવા માટે 750 બસો મૂકવામાં આવી હતી પરિણામે અમદાવાદ શહેરમાં કેટલાંય રૂટો બંધ કરી દેવાયા હતા જેથી મુસાફરો રખડી પડ્યા હતાં. 


Google NewsGoogle News