Get The App

રાજકોટમાં ખેડૂતની જમીન મોર્ગેજ કરવાના નામે દસ્તાવેજ પોતાના નામે કરી ઠગાઇ

Updated: Dec 26th, 2024


Google NewsGoogle News
રાજકોટમાં ખેડૂતની જમીન મોર્ગેજ કરવાના નામે દસ્તાવેજ પોતાના નામે કરી ઠગાઇ 1 - image


વ્યાજખોર સહિત ત્રણ શખ્સો વિરુધ્ધ નોંધાતો ગુનો

ધ્રોલના વાંકીયાના યુવાનને જમીનના બદલે વ્યાજે લીધેલા ૨૧ લાખના બદલે ૩૦ લાખ ચૂકવવા છતાં જમીન દસ્તાવેજ અન્યના નામે કરી છેતરપીંડી

રાજકોટ: મવડીમાં બાપા સીતારામ ચોક પાસે ભકિતધામમાં રહેતા ખેડૂત વિઠ્ઠલભાઇ સવસવીયા (ઉ.વ. ૪૩)એ વ્યાજખોર જયેશ રામજીભાઇ ભાલારા, ધર્મેશ મીઠાભાઇ ઠેસીયા અને ચંદુ ભીખાભાઇ સોરઠીયા સામે વ્યાજખોરી અને છેતરપીંડી અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

વિઠ્ઠલભાઇએ પોલીસને વધુમાં જણાવ્યું કે દોઢેક વર્ષ પહેલા તેને ઓફસેટ પ્રિન્ટીંગ મશીન લેવાનું હોય અને ધંધો ચાલુ કરવાનો હોવાથી પૈસાની જરૂર પડતા પાડોશી જયેશ ભાલારાનો સંપર્ક કર્યો હતો. તેણે તમારા ખેતરના અવેજમાં પૈસાની જરૂર હોય તો હું તમને પૈસા વ્યાજે આપું કહી પોણા બે ટકાના વ્યાજ દરથી ૫૦ લાખ આપવાનું કહ્યું હતું. અને ખેતરનું અલ્પેશ દોંગાની મંડળી પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ કે જે નાનામવા રોડ પર આવેલી છે ત્યાં મોર્ગેજ કરવાનું નક્કી કર્યું હતું. 

૨૦૨૩ના જમીનના કાગળો લઇ તે કાલાવડ સબ રજીસ્ટ્રાર ઓફિસ ખાતે જમીન મોર્ગેજ કરવાનું હોવાથી તે ગયા હતા. જ્યાં મોર્ગેજ કરવા માટે મંડળીમાંથી જયેશ ભાલારા ઉપરાંત ચંદુ સોરઠીયા અને ધર્મેશ ઠેસીયા સહિતનાઓ આવ્યા હતા. ચંદુ સોરઠીયાએ તેને રૂા.૬ લાખનો અને ધર્મેશ ઠેસીયાએ ૫ લાખનો ચેક આપ્યા હતા અને તેને વિશ્વાસમાં લઇ જયેશે બાકીના વ્યાજે જે પૈસા લેવાના છે તે થોડા સમયમાં આપી દેશે કહી રૂા.૧૦ લાખ રોકડા આપ્યા હતા. 

છ મહિના સુધી તેણે સાડા ત્રણ લાખ જેટલું વ્યાજ જયેશને ચુકવ્યું હતું બાદમાં વ્યાજ દેવાનું બંધ કરતા જયેશ અવાર-નવાર ગાળાગાળી કરી ધમકી આપતો હતો. પૈસાની સગવડતા થતાં તેણે જયેશને પૈસા ચુકતે કરી આપવાનું કહેતા તે ગલ્લા-તલ્લા કરવા લાગ્યો હતો. ધર્મેશ ઠેસીયાને વાત કરતા તેણે રૂબરૂ મળવા બોલાવી તમારી જમીનનો દસ્તાવેજ મારા નામે છે જે તે વખતે મોર્ગેજ કરાવવા માટે પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટવાળા અલ્પેશ દોંગાની ઓફિસે ૪૫ લાખ આપ્યા છે તે આપી દો એટલે હું જમીનનો દસ્તાવેજ ફરી તમારા નામે કરી આપું તેમ કહ્યું હતું. 

તેણે ધર્મેશને મને ફક્ત પાંચ લાખનો ચેક આપેલ છે તેમ જણાવતા ધર્મેશે મેં ૪૫ લાખ ચૂકવ્યા છે તે મને મળશે બાદમાં હું જમીન તમારા નામે કરીશ તેમ જણાવ્યું હતું. તપાસ કરતાં આરોપીઓએ તેને અંધારામાં રાખી જાણ બહાર મોર્ગેજ કરાવાનું કહી તેની જગ્યાએ ચાર એકર જમીનમાંથી બે-બે એકરના જમીનના બે ભાગ કરી એક દસ્તાવેજ ચંદુ સોરઠીયા અને બીજો દસ્તાવેજ ધર્મેશ ઠેસીયાએ પોતાના નામે કરાવી લીધાનું જાણવા મળ્યું હતું.  જ્યારે ચંદુ સોરઠીયાએ પણ જમીન નામે કરવા ૬૫ લાખની માંગણી કરતાં ફરિયાદ નોંધાવી હતી.

બીજા બનાવમાં જયસુખ મોહનભાઇ ભીમાણી (ઉ.વ. ૪૬, રહે. વાંકીયા, તા. ધ્રોલ)એ અલ્પેશ દોંગા, નૈમીશ રામાણી, ભુરા ભરવાડ, નારણ ભરવાડ અને પુરીબેન ભરવાડ સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. તેમાં જણાવ્યું કે આરોપી અલ્પેશ દોંગાએ બે ટકા લેખે ૨૧ લાખ વ્યાજે તેની વાંકીયા ગામની ખેતીની જમીનના બદલે આપ્યા હતા. ખેતીની જમીન આરોપી નૈમીશ રામાણીના નામે સિક્યુરીટી પેટે જમીનના પેન્ડીંગ દસ્તાવેજ કરાવાનું કહી પેન્ડીંગ દસ્તાવેજના બદલે તેના નામનો રજીસ્ટર દસ્તાવેજ કરાવી લીધો હતો. તેને મુળ રકમ કરતાં વધારે રૂા.૩૦ લાખ ચૂકવી દેવા છતાં આરોપીઓએ જમીનનો દસ્તાવેજ પુરીબેન ભરવાડના નામે કરી છેતરપીંડી કરી તેને જમીન ખાલી કરવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. 


Google NewsGoogle News