કોલેજમાં અભ્યાસ કરતા પુત્રને મળવા વડોદરા રેલ્વે સ્ટેશન પર આવેલા આર્મીના જવાન સાથે છેતરપિંડી

Updated: Jul 10th, 2024


Google NewsGoogle News
કોલેજમાં અભ્યાસ કરતા પુત્રને મળવા વડોદરા રેલ્વે સ્ટેશન પર આવેલા આર્મીના જવાન સાથે છેતરપિંડી 1 - image


મહારાષ્ટ્રથી વડોદરા અભ્યાસ કરતા પુત્રને મળવા માટે વડોદરા રેલ્વે સ્ટેશન પર આવેલા આર્મીના જવાનને વાતોમાં ભેળવી તેની પાસેનું એટીએમ કાર્ડ સેરવી લઈ બે ગઠીયા મોબાઈલ ફોન અને 1.70 લાખ રૂપિયા કાર્ડ દ્વારા ઉપાડી લીધા હતા. 

મૂળ મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં ખંડાલા તાલુકામાં લોલનગાવ ગામમાં રહેતા સૌરભ દિલીપ સિંધી હાલ વાઘોડિયા તાલુકાની ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને હોસ્ટેલમાં રહે છે તેના પિતા દિલીપ સિંધી આર્મીમાં અમૃતસર ખાતે ફરજ બજાવે છે. તેણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે મારા પિતા પુનાથી મને મળવા સિકંદરાબાદ રાજકોટ એક્સપ્રેસ ટ્રેનમાં વડોદરા આવ્યા હતા અને પ્લેટફોર્મ નંબર એક પરના મેઈન ગેટ પાસે મારી રાહ જોતા હતા તે વખતે આજુબાજુમાં બેસેલા બે શખ્સોએ મારા પિતા સાથે વાતચીત કરી તમારે ક્યાં જવાનું છે તેમ પૂછતા મારા પિતાએ અમૃતસર ખાતે સાંજે 6: 00 વાગ્યે ટ્રેન દ્વારા જવાનું છે તેમ જણાવતાં બંનેએ મારા પિતાજીને દૂરથી એક ટિકિટ બતાવી અને જણાવેલ કે અમારે સ્વરાજ એક્સપ્રેસ ટ્રેન મારફતે પણ દિલ્હી જવાનું છે ત્યાર પછી બંને શખ્સો મારા પિતાને રેલવે સ્ટેશન પરના સહયોગ હેલ્પની સામે બેંચ પર બેસવા માટે લઈ ગયા હતા અને મારા પિતા સાથે વાતચીત કરી વિશ્વાસ કેળવ્યો હતો. 

એક શખ્શ મારા પિતા પાસે મારે કોઈને ફોન કરવો છે તેમ કહી મોબાઇલ માંગ્યો હતો. મારા પિતાએ મોબાઈલ આપતા થોડે દૂર જઈને તે શખ્સ વાતો કરતો હતો જેથી મારા પિતાની નજર તેના ઉપર હતી આ દરમિયાન બાજુમાં બેસેલા શખ્શ મારા પિતાના ખિસ્સામાંથી એટીએમ કાર્ડ કાઢી લીધું હતું. થોડીવાર પછી મારા પિતાની પાસે આવીને મોબાઈલ પર વાત કરતો શખ્શ બેસી ગયો હતો મારા પિતાએ મોબાઇલની માંગણી કરતા તમારી બેગમાં મોબાઈલ મુકેલ છે તેમ કહી બંને જતા રહ્યા હતા ત્યાર પછી મને ફોન કરવા માટે બેગ જોતા તેમાં મોબાઈલ ન હતો અને ખિસ્સામાં મૂકેલું એટીએમ કાર્ડ પણ ગાયબ હતું. સમગ્ર હકીકતની જાણ મારા પિતાએ મને કરતા હું રેલ્વે સ્ટેશન પહોંચી ગયો હતો બાદમાં એટીએમ કાર્ડ મેં બ્લોક કરાવી દીધું હતું બીજા દિવસે મારી માતા બેંકમાં જઈને તપાસ કરતા બેંકના એકાઉન્ટમાંથી 1.70 લાખ રૂપિયા ઉપડી ગયા હોવાનું જણાવ્યું હતું. રોકડ અને મોબાઈલ સહિત 1.84 લાખની છેતરપિંડી થઈ હતી બનાવ અંગે રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News