કેનેડાના વિઝા અપાવવાના નામે ગુજરાતના શિક્ષકને છેતર્યા, 16 લાખ ચાંઉ કર્યા બાદ ઓફિસને તાળાં
canada Visa Fraud News | વડોદરાના એક શિક્ષક સાથે કેનેડામાં વિઝા અપાવવાના નામે ઠગાઇ થતાં આઇ સ્કવેર ઇન્ટરનેશનલ નામના એજન્ટના ત્રણ સંચાલક સામે ગુનો નોંધાયો છે.
ગોરવાના પરિશ્રમ પાર્કમાં રહેતા નરેન્દ્રભાઇ મહારે કહ્યું છે કે,સોશ્યલ મીડિયા પર ભૂમિ પુરોહિતની કેનેડા માટેની જાહેરાત જોઇ તેનો સંપર્ક કરતાં વાતચીત થઇ હતી.ભૂમિ અને તેના ભાઇ અંકિત પુરોહિતે તેઓ અમદાવાદ અને વડોદરામાં કામ કરતા હોવાની વાત કરી હતી.તેમણે 23 લાખ નક્કી કર્યા હતા અને તે પૈકી મેં કુલ 16.49 લાખ ચૂકવ્યા હતા.
બંને ભાઇ બહેને જુદી જુદી જગ્યાએ બોલાવી વાતચીત કરી હતી.પરંતુ પ્રોસેસ કરી નહતી. તેમની સાથે અમદાવાદમાં ઓફિસ ધરાવતા સોહમ પટેલે પણ મુલાકાત કરી હતી અને તેણે રૃપિયા આપશો તો જ વકીલ પાસપોર્ટ પ્રિન્ટિંગ માટે મોકલશે તેમ કહી રૂપિયા પડાવ્યા હતા. પરંતુ રૂપિયા લીધા પછી પણ કોઇ કાર્યવાહી કરી નહતી અને ઓફિસ બંધ કરી દીધી છે.જેથી મારો અસલ પાસપોર્ટ પણ મળ્યો નથી.
ગોત્રી પોલીસે આ અંગે ભૂમિ અજીતભાઇ પુરોહિત,અંકિત અજીતભાઇ પુરોહિત(બંને રહે.ઇશાનિયા ફ્લોરેન્ઝા, ઉંડેરા રોડ,વડોદરા) અને સોહમ પ્રફુલ્લભાઇ પટેલ(સારથી એપાર્ટમેન્ટ,સર્વોદય સ્કૂલ પાસે કે કે નગર,અમદાવાદ) સામે ગુનો નોંધ્યો છે.