પુણેની કંપની અને સુરતના એજન્ટ દ્વારા 9 લોકો સાથે રૂ.2.86 કરોડની ઠગાઈ

માસિક ત્રણ ટકા વળતર અને વિદેશ પ્રવાસની લાલચ આપી દેશભરમાં સેંકડો લોકો પાસે રૂ.100 કરોડથી વધુ પડાવનાર ટોળકીએ નાણાં હવાલા મારફતે દુબઈ મોકલતા ઈડીએ કંપનીમાં રેઈડ કરી હતી

એજન્ટની ધરપકડ, તેની પાસે રોકાણકારો પૈસા પરત લેવા ગયા ત્યારે ધમકી આપી હતી : ઈડીના ગુનામાં જામીન ઉપર છૂટ્યા બાદ પાંચ ડિરેક્ટરોએ દુબઈ ભાગી જઈ ફરી રોકાણ કરાવવાનું શરૂ કર્યું હતું

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
પુણેની કંપની અને સુરતના એજન્ટ દ્વારા 9 લોકો સાથે રૂ.2.86 કરોડની ઠગાઈ 1 - image


- માસિક ત્રણ ટકા વળતર અને વિદેશ પ્રવાસની લાલચ આપી દેશભરમાં સેંકડો લોકો પાસે રૂ.100 કરોડથી વધુ પડાવનાર ટોળકીએ નાણાં હવાલા મારફતે દુબઈ મોકલતા ઈડીએ કંપનીમાં રેઈડ કરી હતી

- એજન્ટની ધરપકડ, તેની પાસે રોકાણકારો પૈસા પરત લેવા ગયા ત્યારે ધમકી આપી હતી : ઈડીના ગુનામાં જામીન ઉપર છૂટ્યા બાદ પાંચ ડિરેક્ટરોએ દુબઈ ભાગી જઈ ફરી રોકાણ કરાવવાનું શરૂ કર્યું હતું


સુરત, : મહારાષ્ટ્રના પુણેમાં વિપ્સ ગ્રુપ ઓફ કંપનીના નામે છ કંપની બનાવી તેમાં રોકાણ કરનારને ત્રણ ટકા માસિક વળતરની અને વિદેશ પ્રવાસની લાલચ આપી દેશભરમાં સેંકડો લોકો પાસેથી રૂ.100 કરોડથી વધુ રકમ ઉઘરાવી તેને હવાલા મારફતે દુબઈ મોકલનાર કંપનીના પાંચ ડિરેકટર અને સુરતમાં તેમના માટે 9 વ્યક્તિ પાસે રૂ.2.86 કરોડનું રોકાણ કરાવી બાદમાં વળતર કે મૂળ રકમ નહીં આપનાર એજન્ટ વિરુદ્ધ ઉમરા પોલીસે ગુનો નોંધ્યા બાદ ઈકો સેલને તપાસ સોંપવામાં આવી હતી.ઈકો સેલે સુરતના એજન્ટની ધરપકડ કરી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના અલથાણ કેનાલ રોડ નેસ્ટવુડ એ-703 માં રહેતા 45 વર્ષીય નયનકુમાર હસમુખભાઈ દેસાઈ સીટીપ્લસ મલ્ટીપ્લેક્ષમાં સુપર પ્લેયર્સ સ્પોર્ટ્સ એન્ડ કાફેના નામે વેપાર કરે છે.સાથે શેરબજારમાં રોકાણ કરતા નયનકુમારને ધંધા માટે લોનની જરૂર પડતા સપ્ટેમ્બર 2020 માં તે ઘોડદોડ રોડ વેસ્ટફિલ્ડ શોપીંગ મોલમાં ઓફિસ ધરાવતા કમિશન એજન્ટ અરવિંદભાઈ રામપ્રસાદ પાટીલ ( રહે.સી-101, શાલીગ્રામ હાઈટસ, અલથાણ કેનાલ રોડ, અલથાણ, સુરત ) ના સંપર્કમાં આવ્યા હતા.પત્ની અર્ચના સાથે ઓફિસ ચલાવતા અરવિંદભાઈ તેમના ઘર નજીક રહેતા હોય બાદમાં તેમની સાથે ગાઢ મિત્રતા થઈ હતી.ડિસેમ્બર 2021 માં અરવિંદભાઈએ પોતે પુણેની વિપ્સ ગ્રુપ ઓફ કંપનીની એજન્સી પણ ધરાવતા હોવાની વાત કરી કંપની અંગે માહિતી આપવાની સાથે તેમાં રોકાણ કરશો તો કંપની માસિક ત્રણ ટકા વળતર આપશે અને જયારે પૈસાની જરૂર હોય ત્યારે 15 દિવસમાં પરત કરશે તેની સાથે મોટું રોકાણ કરશો તો વિદેશ પ્રવાસ પણ કરાવશે તેવી વાત કરતા નયનકુમારે પોતાના અને પરિવારના અન્ય સભ્યોના નામે કુલ રૂ.1,17,50,000 નું રોકાણ કર્યું હતું.

પુણેની કંપની અને સુરતના એજન્ટ દ્વારા 9 લોકો સાથે રૂ.2.86 કરોડની ઠગાઈ 2 - image

કંપની તેમને થાઈલેન્ડ ટુર પર લઇ ગઈ ત્યારે દેશભરમાંથી 600 થી 700 લોકો આવ્યા હતા.તેમાં શરૂઆતમાં અરવિંદભાઈએ વળતર રોકડમાં ચુકવ્યું હતું અને બીજા રોકાણકારો સાથે મિટિંગ કરી રોકાણ કરાવવા કહેતા નયનકુમારે પોતાના કેફેમાં મિત્રોને બોલાવી મિટિંગ કરાવતા તેમના મિત્રોએ પણ રોકાણ કર્યું હતું.આ રીતે નયનકુમાર અને તેમના મિત્રો મળી કુલ 9 વ્યક્તિએ કુલ રૂ.2.68 કરોડનું રોકાણ કર્યું હતું.માર્ચ 2023 સુધી તેનું વળતર ચૂકવ્યા બાદ અરવિંદભાઈએ વળતર આપવાનું બંધ કરી સમય પસાર કરવાનું શરૂ કર્યું હતું.ઘણા લાંબા સમય સુધી તેમણે પૈસા કે વળતર નહીં આપતા જયારે નયનકુમાર અને અન્યો અરવિંદભાઈને મળ્યા ત્યારે તેમણે જણાવ્યું હતું કે કંપનીની બે કંપની કાના કેપિટલ અને કેપિટલ નેકસેસ દુબઈમાં છે અને તમામ રોકાણકારોના પૈસા હવાલા મારફતે ત્યાં પહોંચ્યા છે અને તેનું ફોરેક્ષ ટ્રેડિંગમાં કંપનીએ રોકાણ કર્યું છે.

તેના થોડા સમય બાદ ઈડીએ કંપનીમાં રેઈડ કરી રૂ.200 કરોડ કબજે કર્યા હતા.આથી નયનકુમાર અને અન્યો અરવિંદભાઈને મળ્યા હતા અને [પૈસા પરત માંગતા તેમણે જે થાય તે કરી લો, હવે પછી પૈસા માંગવા આવ્યા તો ખોટા કેસમાં ફસાવી દઈશ તેવી ધમકી આપી હતી.આ તરફ ઈડીએ કંપનીના ડિરેકટરો વિરુદ્ધ બોગસ કંપની ખોલી અને બોગસ ખાતા ખોલાવી બે થી ત્રણ ટકા વળતરની લાલચ આપી લોકો પાસે ફોરેક્ષ ટ્રેડિંગમાં રોકાણ કરાવી રૂ.100 કરોડથી વધુની ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધી તમામની ધરપકડ કરી હતી.આથી પોતાની સાથે પણ ઠગાઈ થઈ હોવાની જાણ થતા છેવટે નયનકુમારે ગતરોજ કંપનીના ડિરેક્ટર વિનોદ તુકારામ ખુટે, સંતોષ તુકારામ ખુટે ( બંને રહે.ફ્લેટ નં.1004, નીર્માનવીવા સોસાયટી, આંબેગાંવ, પુણે મહારાષ્ટ્ર ), મંગેશ સીતારામ ખુટે, કીરણ પિતાંબર અનારસે, અજીંક્ય બડધે ( ત્રણેય રહે.ફ્લેટ નં.101, પંચવટી સોસાયટી, આંબેગાંવ, પુણે, મહારાષ્ટ્ર ) અને સુરતના એજન્ટ અરવિંદભાઈ પાટીલ વિરુદ્ધ ઉમરા પોલીસ મથકમાં રૂ.2.68 કરોડની ફરિયાદ નોંધાવી હતી.

પુણેની કંપની અને સુરતના એજન્ટ દ્વારા 9 લોકો સાથે રૂ.2.86 કરોડની ઠગાઈ 3 - image

આ ગુનાની તપાસ ઈકો સેલને સોંપવામાં આવી હતી.ઈકો સેલે 42 વર્ષીય અરવિંદભાઈ પાટીલની ધરપકડ કરી પુછપરછ કરતા જાણવા મળ્યું છે કે ઈડીના ગુનામાં જામીન ઉપર છૂટ્યા બાદ ડિરેક્ટરોએ દુબઈ ભાગી જઈ ફરી રોકાણ કરાવવાનું શરૂ કર્યું છે.વધુ તપાસ પીએસઆઈ એન.એ.ચૌહાણ કરી રહ્યા છે.


Google NewsGoogle News